અમિત ત્રિવેદી
મોટાભાગના લોકો માટે રોકાણ કરવું એ ખૂબ જ તણાવપૂર્ણ પ્રવૃત્તિ બની રહે છે. ઘણા રોકાણકારો પાસે પોતાના ખરાબ અને આઘાતજનક અનુભવોની વાતો હોય છે. જ્યારે રોકાણના વિવિધ વિકલ્પો સારો એવો નફો કે વળતર આપતા હોય, છતાં પણ લોકો સાથે આવા અનુભવો શા માટે થાય છે?
આ એક અત્યંત મૂંઝવતો પ્રશ્ર્ન છે જે પ્રવૃત્તિથી જીવનમાં શાંતિ મળવી જોઈતી હતી, તે જ માનસિક તણાવનું મુખ્ય કારણ કેમ બની જાય છે.
‘ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ’ના પ્રખ્યાત ‘મેગેલન ફંડ’ના સફળ મૅનેજર પિટર લિન્ચનો ટ્રેક રેકૉર્ડ અદ્ભુત રહ્યો છે. આમ છતાં તેમણે એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે એમની સ્કીમે ખૂબ સરસ પ્રદર્શન કર્યું હોવા છતાં, તેમાં રોકાણ કરનારા મોટાભાગના રોકાણકારોએ પૈસા ગુમાવ્યા હતા. પહેલી નજરે આ વાત વિચિત્ર કે વિરોધાભાસી લાગે, પણ આ એક વિશ્ર્વસનીય અને અનુભવી રોકાણ મૅનેજરનો સીધો અનુભવ હતો.
વર્ષો દરમિયાન અસંખ્ય રોકાણકારો સાથેની વાતચીત અને દુનિયાભરના નાણાકીય સાહિત્યના અભ્યાસ પરથી આ વિરોધાભાસ પાછળનું સાચું કારણ સમજી શકાય છે.
આખરે એવું તે શું થઈ રહ્યું છે? બને છે એવું કે રોકાણકારો કોઈ એક સ્કીમમાં લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાને બદલે સતત એન્ટ્રી અને એક્ઝિટ (ખરીદી અને વેચાણ) કરતા રહે છે. આ માટે તેઓ વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે, જેમાંનું એક સ્કીમનું તાજેતરનું શૉર્ટ-ટર્મ પ્રદર્શન છે. ભૂતકાળમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી સ્કીમ્સ પાછળ દોડવાનો અર્થ એ થયો કે તેમણે જૂના વિજેતાઓને ખરીદવા માટે પોતાનાં વર્તમાન રોકાણો વેચવાં પડ્યાં. આ પ્રકારની લે-વેચમાં ટ્રાન્ઝેક્શન ફી અને નિયમ મુજબના ટૅક્સ ચૂકવવા પડે છે. આવા કરવેરા અને ચાજીર્ર્સ તમારા એકંદર વળતરને ઘટાડી દે છે.
આવું શા માટે થવું જોઈએ?
એ માટે, એન્જિનિયરિંગ અને મૅનેજમેન્ટની કૉલેજોમાં શીખવવામાં આવતો એક મહત્ત્વનો પાઠ યાદ રાખવો જરૂરી છે: જો તમારે સાચો ઉકેલ જોઈતો હોય તો સૌથી પહેલાં સમસ્યાને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવી પડે-સમજવી પડે
ઘણીવાર રોકાણકાર સમસ્યાને સમજીને વ્યાખ્યાયિત કર્યા વિના જ સીધો ઉકેલ શોધવા નીકળી પડે છે. અહીં માત્ર એક સરળ અને સૌથી મહત્ત્વનો પ્રશ્ર્ન પૂછવાનો છે: આપણે રોકાણ શા માટે કરી રહ્યા છીએ? આ સમસ્યાનો ઉકેલ એ છે કે જ્યારે પણ જીવનમાં વિવિધ ખર્ચ કે લક્ષ્ય સામે આવે ત્યારે તેને પૂરા કરવા માટે તમારી પાસે પૂરતા પૈસા હોવા જોઈએ, પરંતુ સામાન્ય રીતે લોકો જે ઉકેલ શોધે છે તે એ છે કે ‘મને કેટલું વળતર મળશે?’ અથવા ‘અત્યારે શૅરબજાર સારું છે કે ખરાબ?’
જ્યારે તમારી મુખ્ય સમસ્યા તમારી પોતાની અંગત પરિસ્થિતિ સાથે જોડાયેલી છે.ત્યારે તમે તેનો ઉકેલ બહારના વાતાવરણમાં કે બજારમાં શોધી રહ્યા છો. નાણાંના ઉપયોગને ધ્યાનમાં રાખીને સાચી સમસ્યા નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. પોતાની અંગત નાણાકીય સ્થિતિનું સંચાલન કરતી વખતે ખરી મુશ્કેલી પૈસાની નથી, પરંતુ પોતાના જીવનની જરૂરિયાતોની છે. ચાલો, આ વાતને વધુ વિગતવાર સમજીએ.
નાણાકીય લક્ષ્ય એટલે શું?
નાણાકીય લક્ષ્ય એટલે જીવનની કોઈ ખાસ ઘટના કે પ્રસંગોની શ્રેણીને પહોંચી વળવા માટે કરવામાં આવતા મોટા ખર્ચાઓ. આ પ્રસંગ જ નક્કી કરે છે કે વ્યક્તિ કેવું ગુણવત્તાસભર જીવન જીવશે. આ પ્રસંગો પૂરા કરવા માટે પૈસાની જરૂર પડતી હોવાથી તેને આપણે નાણાકીય લક્ષ્ય કહીએ છીએ. યોગ્ય સમયે પૈસા ઉપલબ્ધ ન હોવાનો અર્થ એ થાય કે આ પ્રસંગોમાં અથવા જીવનની ગુણવત્તામાં સમાધાન કરવું પડશે.
આવા સંદર્ભમાં જો નાણાકીય લક્ષ્યની સાચી વ્યાખ્યા આપવામા આવે અને તેને પૂરા કરવા માટે યોગ્ય વ્યૂહરચના બનાવવામાં આવે તો તે જીવન સુધારી શકે છે અને મનની શાંતિ આપી શકે છે.
ટૂંકમાં, તમારી સમસ્યાને યોગ્ય રીતે ઓળખો. તમારી નાણાકીય જરૂરિયાતો, ભવિષ્યનાં લક્ષ્યો અને સપનાંઓને ઓળખીને તેનું આંકડાકીય આયોજન કરો. ત્યાર બાદ જ તેને પ્રાપ્ત કરવાની દિશામાં કામ શરૂ કરો. બહારનું વાતાવરણ ક્યારેય તમારા નિયંત્રણમાં હોઈ શકતું નથી. તમે માત્ર તમારી પોતાની પરિસ્થિતિ અને તમારાં અંગત લક્ષ્યો પર જ નિયંત્રણ રાખી શકો છો.