કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર રાજકીય પક્ષો જોરશોરથી કરી રહ્યા છે. જેમાં આ વખતે સત્તાધારી ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. જેમાં બંગાળ વિધાનસભાની 294 બેઠકોમાંથી 70 બેઠકો મહત્વપૂર્ણ છે. જે આ વખતે ચૂંટણીમાં કોની સરકાર બનશે તે નક્કી કરશે. આ બેઠકો પર SIR બાદ સમગ્ર ગણિત બદલાયું છે.
નંદીગ્રામ અને ભવાનીપુર જેવી બેઠકોનો સમાવેશ
આ મહત્વની બેઠકોની વાત કરીએ તો તેમાં નંદીગ્રામ અને ભવાનીપુર જેવી બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તર 24 પરગણાના માટુઆ પટ્ટાનો પણ સમાવેશ થાય છે. તેમજ મુર્શિદાબાદ અને માલદાના વિસ્તારોનો પણ છે જ્યાં લઘુમતી વસ્તી વધુ છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ વિધાનસભા બેઠકો પર વિજયનું અંતર 8,000 થી 15,000 મતોનું હતું. જ્યારે વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારોમાં ઘણા ધારાસભ્યો ભાગ્યે જ 1,000 થી 8,000 મતોના અંતરથી જીત્યા હતા. જોકે, હાલ મતદાર યાદીમાંથી હજારો નામ દૂર થયા છે.
ભાજપનો 170 બેઠક જીતવાનો દાવો
જેના લીધે મુખ્યમંત્રી મમતા બેનર્જી વર્ષ 2021 કરતાં આ વખતે વધુ મોટી જીતનો દાવો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાવો કરી રહ્યા છે કે ગયા વખતે 77 બેઠકો જીતનાર ભાજપ આ વખતે 170 બેઠકોને વટાવી જશે.
બંગાળમાં 90.83 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા
7 એપ્રિલ સુધીમાં, સમગ્ર બંગાળમાં 90.83 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે ગયા ઓક્ટોબર સુધીમાં નોંધાયેલા 11.85 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આમાંથી 27.83 લાખ નામો ફક્ત અંડર એડજ્યુડિકેશન શ્રેણીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
11 જિલ્લાઓમાં 70 બેઠકો પર બદલાવ
પશ્ચિમ બંગાળના 11 જિલ્લાઓમાં લગભગ 70 બેઠકો પર SIR બાદ સમગ્ર ગણિત બદલાયું છે.આમાંથી 25 બેઠકો કોલકાતા અને ઉત્તર 24 પરગણા, હાવડા અને હુગલીના નજીકના વિસ્તારોમાં છે. બાકીની બેઠકો મુર્શિદાબાદ, માલદા, બાંકુરા, પુરુલિયા, પશ્ચિમ બર્ધમાન, પૂર્વ બર્ધમાન અને મેદિનીપુર જિલ્લામાં છે.
ઉત્તર 24 પરગણામાં 13 બેઠકો પર મતદાર યાદીમાં બદલાવ
આ ઉપરાંત એકલા ઉત્તર 24 પરગણામાં 13 બેઠકો પર મતદાર યાદીમાં બદલાવ થયો છે. જ્યારે મુર્શિદાબાદમાં 10 , બાંકુરા-પુરુલિયામાં 9 , હાવડા-હુગલીમાં 8 અને મેદિનીપુર અને બર્ધમાનમાં 8-8 બેઠકો પર મતદાર યાદીમાં બદલાવ થયો છે.
SIR ની અસર 44 વિધાનસભા બેઠકો પર સ્પષ્ટ
જોકે, SIR ની અસર 44 વિધાનસભા બેઠકો પર સ્પષ્ટપણે દેખાય છે જ્યાં 2021 માં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામોની સંખ્યા વિજેતા ઉમેદવારની જીતના માર્જિન કરતાં વધુ છે. આમાંથી 24 બેઠકો ટીએમસી પાસે છે અને 20 બેઠકો ભાજપ પાસે છે.ભાજપ હસ્તકની બેઠકોની યાદીમાં નંદીગ્રામ અને ગૈઘાટા જેવી બેઠકોનો સમાવેશ થાય છે.
આ ઉત્તર અને પશ્ચિમ બંગાળમાં ભાજપના વધતા પ્રભાવના વિસ્તારો અને ટીએમસીના મજબૂત ગઢને અસર કરી રહ્યું છે. પરિણામે, મતદાર યાદીમાંથી નામ આ દૂર કરવાની અસરને કોઈપણ પક્ષ અવગણી શકે તેમ નથી.
મતદારોમાં 2 ટકા પરિવર્તન 20 થી વધુ બેઠકો પર પરિણામ બદલી શકે
વર્ષ 2021 ના મતદાન પેટર્નના ડેટા પર નજર કરીએ તો, 1 ટકા મત પરિવર્તન પણ ઓછામાં ઓછી 15 બેઠકો પર પરિણામ બદલી શકે છે. જ્યારે મતદારોમાં 2 ટકા પરિવર્તન 20 થી વધુ બેઠકો પર પરિણામ બદલી શકે છે.