Mon Jun 01 2026

Logo

યૌન શોષણના કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહતઃ કોર્ટે ગુરુ-શિષ્યના આગોતરા જામીન કર્યાં મંજૂર

2026-03-25 17:27:21
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરીને આગોતરા જામીન આપી દેવામાં આવ્યાં છે. આ કેસમાં સુનાવણી કરતા જસ્ટિસ જીતેન્દ્ર કુમાર સિંહાની બેન્ચ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરીને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન આપી દેવામાં આવ્યાં છે. ધરપકડથી બચવા માટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. 

કોર્ટે કેવી શરતોને આધીન આગોતરા જામીન આપ્યાં?

આ કેસમાં કોર્ટ કહ્યું કે, જ્યા સુધી ચાર્જશીટ રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમની (સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી) ધરપકડ કરી શકાશે નહીં. જો કે, આ જામીન માટે કોર્ટ દ્વારા શરત પણ રાખવામાં આવી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે બંને પક્ષો મીડિયા સમક્ષ નિવેદનો આપવાનું કે ઇન્ટરવ્યુ આપવાનું ટાળવું પડશે. જો જામીનની શરતોનું ઉલ્લંઘન થાય છે, તો વિરોધી પક્ષ જામીન રદ્દ કરવા માટે અરજી દાખલ કરી શકે છે.

પ્રયાગરાજની કોર્ટના આદેશ પર નોંધાઈ હતી ફરિયાદ

આ પહેલા પ્રયાગરાજની કોર્ટ દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો કે, યૌન ઉત્પીડન કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી પર એફઆઈઆર દાખલ કરવામાં આવે! કોર્ટના આદેશથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે શાકુંભારી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે કલમ 173(4) હેઠળ અરજી કરવામાં આવી હતી. જેમાં કડકમાં કટક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આશુતોષ બ્રહ્મચારીની અરજી પર કાર્યવાહી કરતા પ્રયાગરાજ કોર્ટે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. 

કોર્ટમાં બંને પક્ષના વકીલોએ કેવી દલીલો કરી? 

અલ્હાબાદ હાઈકોર્ટમાં સ્વામી શંકરાચાર્યનો કેસ એડવોકેટ પી.એન. મિશ્રા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલ હાજર રહ્યા હતા. ફરિયાદી આશુતોષ મહારાજના વકીલ રીના સિંહે પણ પોતાની દલીલો રજૂ કરી હતી.

શંકરાચાર્યે 24 ફેબ્રુઆરીએ યુવાન વિદ્યાર્થીઓના જાતીય સતામણી સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. તેને કોર્ટ દ્વાર મંજૂર કરવામાં આવી છે.