(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા યુવાન સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ. 14,55,000ની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ફરિયાદી યુવાન સ્ટોક માર્કેટ અંગેના બનાવટી વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો, જ્યાં સિયા વર્મા અને અજીત ત્રિવેદી (પ્રોફેસર) તરીકે ઓળખ આપતા વ્યક્તિઓએ તેને વધુ નફાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો.
છેતરપિંડીની પદ્ધતિ મુજબ ઠગબાજોએ યુવાનને બનાવટી મોબાઈલ એપ્લિકેશનની લિંક મોકલી તેમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે એપ્લિકેશનમાં ખોટો નફો બતાવવામાં આવતો હતો, જેનાથી પ્રેરાઈને ફરિયાદીએ અલગ-અલગ બેંક એકાઉન્ટ્સ અને યુપીઆઈ આઈડી મારફતે ટુકડે-ટુકડે કુલ રૂ. 14.55 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
જ્યારે ફરિયાદીએ પોતાનો નફો અને રોકાણ કરેલી રકમ પરત માંગવી શરૂ કરી, ત્યારે સાયબર ગઠિયાઓએ ટેક્સના નામે વધુ રકમની માંગણી કરી હતી અને પૈસા પરત આપ્યા નહોતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા યુવાને પોલીસની મદદ લીધી હતી અને ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.