સુરતઃ મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં સુરતના પુણા, કતારગામ, ડિંડોલી, પાંડેસરા, ઉત્રાણ સહિતના વિસ્તારોમાં ઓવરબ્રિજના થાંભલા, સર્કલો, વાહનો અને દિવાલો પર ભાજપ વિરોધી પોસ્ટર લગાવાયા હતા. જેમાં ભાજપથી કંટાળી ગયા છો એવો ઉલ્લેખ કરાયો હતો અને ભાજપના ચૂંટણી ચિહ્ન કમળ પર ચોકડી મારવામાં આવી હતી. આ પ્રકારના જાહેરમાં પોસ્ટરો લગાડી ભાજપની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જેને લઈ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંગળવારે ભાજપના નેતાઓએ AAP ના નેતાઓ વિરુદ્ધ પાંચ પોલીસ ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદો ભ્રષ્ટાચાર, દારૂ/નશા અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર શાસક પક્ષની ટીકા કરતા પોસ્ટરો અને બેનરો લગાવવા બદલ કરવામાં આવી હતી.આ મામલે AAP નેતા કિરીટ પાનસુરિયા, દેવસિંહ ડોબરીયા, વિશાલ ચાવડા અને અન્ય લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવામાં આવ્યા હતા.
પુણાગામના અલગ-અલગ વિસ્તારમાં પોસ્ટરો લગાડનાર વિશાલ ભીખા ચાવડા(રહે-નિલકંઠ સોસા, કાપોદ્રા) તથા અન્ય ત્રણ ઈસમો સામે ધર્મેન્દ્ર કાકડીયાએ ફરિયાદ નોંધાવી હતી. કતારગામમાં ડભોલી ચાર રસ્તા,લલિતા ચોકડી,તલાવડી પાટીદાર સમાજની વાડીની દિવાલ ઉપર રાશિ સર્કલ ઉપર પોસ્ટરો લગાનાર દેવશી પોપટ ઢેબરીયા, ચિરાગ નાવડિયા અને અન્ય એક અજાણ્યા વિરૂદ્ધ કતારગામના જગદીશ ગોહિલને ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પત્રકાર સર્કલ અને પાલિકાની શૌચાલય ઉપર પોસ્ટર લગાડનાર અજાણ્યા પાંચ જણા સામે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર શરદ પાટીલે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલીમાં પોસ્ટર લગાનાર અજાણ્યા સામે શામલાલ યાદવે ફરિયાદ નોંધાવી હતી. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરૂદ્ધ આવા પોસ્ટર લગાનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોસ્ટરોમાં ભાજપ વિરોધી પોસ્ટરમાં આ લખાણો લખાયા હતા. જેમાં આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, મોંઘવારીથી હવે તો થાક્યા, ભાજપથી કંટાળી ગયા છે આ સહિતના લખાણો પોસ્ટરોમાં લખવામાં આવ્યા હતા અને કમળનુ ચિહ્ન દોરી તેના પર ચોકડી મારવામાં આવી હતી.