Tue Apr 28 2026

Logo

બળાત્કારી આસારામનો મોટેરા આશ્રમ તોડી પાડવા મુદ્દે સુપ્રીમ કોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો?

2026-04-28 08:37:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે અમદાવાદ સ્થિત આસારામ આશ્રમની જમીનોને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તાત્કાલિક જપ્તી અને ખાલી કરાવવાની કાર્યવાહી સામે રક્ષણ આપ્યું હતું. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે આશ્રમને જારી કરવામાં આવેલી કારણદર્શક નોટિસમાં આશ્રમ વિરુદ્ધ કરવામાં આવેલા આરોપોને સમર્થન આપતી વિગતોનો અભાવ છે. કોર્ટે રાજ્ય સરકારને તમામ જરૂરી વિગતો સાથે તેનું વળતું સોગંદનામું રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપ્યો છે અને ત્યાં સુધી આશ્રમ સામે કોઈ કડક પગલાં ન લેવા આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 5 મેના રોજ નક્કી કરવામાં આવી છે.

આશ્રમ ટ્રસ્ટ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે રાજ્ય સરકારે ટ્રસ્ટ પર ફાળવેલ જમીનમાંથી નફો મેળવવાનો આરોપ મૂક્યો છે, પરંતુ નોટિસમાં આ આરોપ સાબિત કરવા માટે કોઈ ચોક્કસ વિગતો પૂરી પાડવામાં આવી નથી. કોર્ટે પણ નોટિસની પર્યાપ્તતા સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, "શું નફો મેળવ્યો? તમારે તે બાબતે સ્પષ્ટ હોવું જોઈએ. આવી અસ્પષ્ટ નોટિસમાં તમે જવાબની અપેક્ષા કેવી રીતે રાખી શકો? તમારી નોટિસ પ્રથમ દ્રષ્ટિએ વિગતોનો અભાવ ધરાવે છે."

આ સમગ્ર વિવાદ મોટેરા આશ્રમ ટ્રસ્ટને ફાળવવામાં આવેલી જમીન પર દબાણ અને ફાળવણીની શરતોના ઉલ્લંઘનના આરોપોથી શરૂ થયો છે. વર્ષ 1980માં આશ્રમ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટને 6,261 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, ત્યારબાદ 1992માં વધારાની 10,000 ચોરસ મીટર જમીન નિયમિત કરવામાં આવી હતી. જોકે, મહેસૂલી સત્તાધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે ટ્રસ્ટ હજુ પણ ફાળવેલ જમીન ઉપરાંત વધારાની સરકારી જમીન પર કબજો ધરાવે છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ટ્રસ્ટ પાસે અંદાજે 49,758 ચોરસ મીટર જમીન છે, જેમાંથી 15,778 ચોરસ મીટર જમીન અનધિકૃત કબજો ગણાય છે.

ગુજરાત હાઈકોર્ટે અગાઉ આશ્રમની અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે વિવાદિત જમીનનો એક હિસ્સો સાબરમતી નદીના પટમાં આવે છે જે નિયમિત કરી શકાય નહીં. હાઈકોર્ટે એવું પણ નોંધ્યું હતું કે કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર જમીન પર અનેક બાંધકામો કરવામાં આવ્યા છે, જે શરતોનું ઉલ્લંઘન છે. ટ્રસ્ટે દલીલ કરી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને 2036 ઓલિમ્પિક્સ સંબંધિત વિકાસ યોજનાઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હાઈકોર્ટે આ દલીલ નકારી કાઢી હતી.