નવી દિલ્હી/કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા બંગાળમાં આવેલા આઈપેકના મુખ્યાલય પર ઈડીના દરોડા પડ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીની સરકારને ઠપકો આપ્યો છે. રાજ્ય સરકારે ઈડીએ કરેલી અરજીને ધ્યાને ન લેવાની અપીલ કરી હતી, એ પછી કોર્ટે જવાબ આપ્યો હતો. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, તમે અમને કોઈ હુકમ કરી ના શકો.
ચીફ જસ્ટિસની ટકોર
ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા, જસ્ટિસ એનવી અંજારિયાની બેંચે આ કેસમાં સુનાવણી કરતા આકરા શબ્દોમાં સરકારને ટકોર કરી હતી.ઈડીની સુનાવણી ચાલી રહી હતી એ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક આવી જતા કોર્ટે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, તમે જે કર્યું એ યોગ્ય નથી.
કોર્ટના દ્રષ્ટિકોણથી એ ખોટું હતું. જે થયું કોઈ સારી સ્થિતિમાં થયું નથી. આ કોઈ સામાન્ય વાત નથી. આઈપેક કંપની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરવાનું કામ કરે છે. કંપનીના મુખ્ય વ્યક્તિ તરીકે પ્રતીક જૈનના ઘરે અને કચેરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જી ત્યાં પહોંચી ગયા હતા. એ પછી તપાસ અધિકારી અને મુખ્યમંત્રી આમને સામને થયા હતા.
મમતાનો આરોપ
મમતા બેનર્જીએ આરોપ મૂક્યો હતો કે, ઈડી તૃણમુલ કોંગ્રેસનો સંવેદનશીલ ડેટા અને હાર્ડ ડિસ્ક લઈ જાય છે. હવાલા અને કોલસાની તસ્કરીના ચોક્કસ ઈન્પુટના આધારે ઈડીએ કાર્યવાહી કરી હતી, જેને લઈને પ્રતીકના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અચાનક મમતા બેનર્જી વચ્ચે પડ્યા હતા અને મામલાનું વિષયાંતર થયું હતું.
પશ્ચિમ બંગાળની સરકાર તરફથી વકીલ શ્યાન દિવાને સુનાવણી અટકાવી દેવા માટે કોર્ટને કહ્યું હતું. સામે પક્ષે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી તથા જવાબી કાર્યવાહીમાં મમતાએ વિક્ષેપ પાડ્યો હતો. બીજી તરફ ઈડીએ સમગ્ર કેસને લઈને એફિડેવિટ દાખલ કરવા માટે ચોક્કસ સમય માગ્યો હતો. જાણીતા વકીલ તુષાર મહેતાએ આ સમગ્ર મામલે પહેલા વિરોધ કર્યો હતો. કોર્ટેનું ધ્યાન દોર્યું હતું. એમનું એવું કહેવું હતું કે, આવી રીતે કરવું એ ખોટી રીતે કેસની સુનાવણીમાં વિલંબ કરવાની ચાલ છે.
સમય હતો છતાં આવું કેમ?
તુષાર મહેતાએ કહ્યું હતું કે, એફિડેવિટ દાખલ કરવા માટે તો અગાઉ પણ ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. એ પછી હવે કેમ એફિડેવિટને લઈને સમય માગવામાં આવ્યો છે.? કેસને ધ્યાનમાં લઈને ચીફ જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે, અમે કોઈ પણ વસ્તુને નજરઅંદાજ કેમ કરીએ? તમે અમને કોઈ જ પ્રકારનો હુકમ કેમ કરી શકો? દરેક મુદ્દા પર અમે સરળતાથી વિચાર કરી શકીએ છીએ.
આ કેસમાં રાજ્ય સરકારની સ્થિતિ નબળી છે, કારણ કે અમે ઈડીના આરોપનો જવાબ દેવા માટે બનાવેલા કોઈ લેખિત જવાબની ચર્ચા કરી રહ્યા છીએ. આ કેસ ખૂબ સંવેદનશીલ છે જેમાં એક વિસ્તૃત અને વ્યવસ્થિત જવાબ અનિવાર્ય છે. બીજી તરફ રાજ્ય સરકારે પોતાની વાત મૂકતા કહ્યું હતું કે, આ કેસ બંધારણીય વ્યાખ્યા સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓને સીધી રહી સ્પર્શે છે.