Wed Aug 19 2026

Logo

બોક્સ ઓફિસ પર ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ની ધૂમ; 'એવેન્જર્સઃ એન્ડગેમ'ના રેકોર્ડની બરાબરી, કેટલા કરોડ છાપ્યાં...

2026-08-01 11:25:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ ભારતીય સિનેમાઘરોમાં માત્ર સાઉથ કે બોલીવુડ જ નહીં પરંતુ ઘણી વાર હોલીવુડની ફિલ્મો પણ રાજ કરતી હોય છે. અત્યારે ટોમ હોલેન્ડની ફિલ્મ ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિદેશી બોક્સ ઓફિસ સાથે આ ફિલ્મ ભારતમાં પણ ધૂમ મચાવી રહી છે. માર્વેલની આ સુપરહીરો ફિલ્મ ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ 30 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી અધધ રૂપિયા છાપી રહી છે. ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ ફિલ્મે ભારતમાં માત્ર 2 જ દિવસમાં 100 કરોડનો વેપાર કરી લીધો છે. 

‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’એ પહેલા દિવસે  60 કરોડ છાપ્યાં

‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ ફિલ્મ અત્યારે ‘એવેન્જરઃ એન્ડ ગેમ’ની બરાબરીની શ્રેણીમાં આવી ગઈ છે. કમાણીની વાત કરવામાં આવે તો, ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ પહેલા દિવસે ભારતમાં 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 49.35 કરોડના વેપાર સાથે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ 2019માં આવેલી માર્વેલની ‘એવેન્જરઃ એન્ડ ગેમ’ની બરાબરી કરી લીધી છે. ‘એવેન્જરઃ એન્ડ ગેમ’ ફિલ્મે પણ 2 દિવસમાં જ 100 કરોડની કમાણી કરી લીધી હતી. હવે ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ ફિલ્મે પણ માત્ર બે દિવસમાં 109.95 કરોડ રૂપિયા છાપી લીધા છે. 

બીજા દિવસની કમાણીમાં 18.6 ટકાનો ઘટાડો

બે દિવસમાં 100 કરોડની કમાણી કરી છે, પરંતુ પહેલા દિવસ કરતા બીજા દિવસની કમાણીના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. બીજા દિવસની કમાણીમાં 18.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’માં ટોમ હોલેન્ડ સાથે એમજેની રોલમાં ઝેન્ડાયા, ફ્રેન્ક કેસલ/ધ પનિશર તરીકે જોન બર્ન્થલ, નેડ લીડ્સ તરીકે જેકબ બેટાલોન અને હલ્કના પાત્રમાં માર્ક રફાલો જોવા મળ્યાં છે. આ સાથે ડેસ્ટિન ડેનિયલ ક્રેટનના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં સેડી સિંક અને લિઝા કોલોન-ઝાયાસ જેવા કલાકારો પણ છે.

ભારતમાં કઈ હોલીવુડ ફિલ્મે વધારે કમાણી કરી?

ભારતીયોમાં હોલીવુડની ફિલ્મોને ક્રેઝ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણે હોલીવુડની ફિલ્મો ભારતમાં કરોડો રૂપિયાની કમાણી કરીને જાય છે. તેમાં પણ ખાસ ક્રેઝ તો માર્વેલ ફિલ્મોને રહેતો હોય છે. કારણે કે, ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી 15 હોલીવુડ ફિલ્મોમાં  8 તો માર્લેવની છે. જેમાં ‘સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’, ‘એવેન્જરઃ એન્ડ ગેમ’, ‘સ્પાઇડર મેનઃ નો વે હોમ’, ‘એવેન્જરઃ ઇન્ફિનિટી વોર’ અને ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’નો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ ભારતમાં તગડો વેપાર કર્યો છે.