Fri May 01 2026

Logo

કવર સ્ટોરીઃ સંજય દત્ત: સિક્વલનો સળવળાટ

2026-05-01 08:48:00
Author: Hema shashtri
Article Image

હેમા શાસ્ત્રી

‘ભાઈ, તુમ સાઈન કરોગે કે નહીં’
એ ‘દીવાર’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને ઉદ્દેશીને કહેવાયેલો શશી કપૂરનો અજરામર ડાયલોગની ખ્યાતિ ધરાવે છે એ સાચું, પણ ‘ભાઈ, તુમ ફિર સે ભાઈગીરી કરોગે કે નહીં’ એમ સંજય દત્તના કટ્ટર પ્રશંસકો કેટલાક સમયથી કોરસમાં બોલી રહ્યા હોય અને એ પ્રશ્નના એકસામટા ત્રણ જવાબ ‘હા.. હા..,હા...!’માં સંજુ બાબાએ આપી દીધા છે ! 

1981માં ‘રોકી’ ફિલ્મથી રૂપેરી પડદા પર આગમન કરનારા સંજુબાબા સાડા ચાર દાયકાની સફર પછી લોકપ્રિયતા અપાવનારા ‘ભાઈગીરી’ના રોલમાં દર્શકોને મોજ કરાવવા સજ્જ થઈ રહ્યો છે. તાજ્જા અહેવાલો અનુસાર બાબાએ સુભાષ ઘઈની સુપરહિટ ‘ખલનાયક’ (1993)ની સિક્વલ ‘ખલનાયક 2’, મહેશ માંજરેકરની ‘વાસ્તવ: ધ રિયાલિટી’ (1999)ની સિક્વલની તૈયારી શરૂ કરી દીધી છે અને રાજકુમાર હિરાણીને ‘મુન્નાભાઈ 3’ માટે જાહેરમાં વિનવણી કરી છે. ટૂંકમાં સંજય દત્ત આ બધી સિક્વલમાં ચમકવા થનગની રહ્યો છે.

‘કોવિડ 19’ની મહામારી પછી સિને પ્રેમીઓને ફરી સિનેમાગૃહ સુધી દોડતા કરવા જે કીમિયાનો ઉપયોગ થયો એમાં સિક્વલના સુસવાટાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ભૂલભૂલૈયા’, ‘બાગી’, ‘દૃશ્યમ’, ‘લવ આજ કલ’, ‘બંટી ઔર બબલી’, ‘સ્ત્રી’, ‘સિંઘમ’ સહિત અન્ય કેટલીક ફિલ્મોની પણ સિક્વલ બની. સિને પ્રેમીઓએ કેટલીક ફિલ્મોને ચાર હાથે આવકાર આપ્યો તો અમુક સામે પીઠ પણ ફેરવી દીધી. 

સંજય દત્તની કારકિર્દીની વાત કરીએ તો 2012માં રિલીઝ થયેલી ‘અગ્નિપથ’ અને ‘સન ઓફ સરદાર’ પછી અગ્રણી કહી શકાય એવી ‘પાનીપત’, ‘સડક 2’, ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘શમશેરા’ જેવી ફિલ્મો આવી, પણ એમાંથી એક સુધ્ધાં બોક્સ ઓફિસ પર વિશેષ આવકાર ન મેળવી શકી. આ દરમિયાન સાઉથની ફિલ્મોનો સપાટો શરૂ થયો અને સંજય દત્તની સાઉથ સાથે સીધું કે આડકતરું કનેકશન ધરાવતી ફિલ્મો ગાજી. કન્નડ, તેલુગુ, તમિળ ચિત્રપટમાં સંજુ બાબા કામ કરવા લાગ્યા. 

આદિત્ય ધરની ‘ધુરંધર’ અને એની સિક્વલમાં એસપી ચૌધરી અસલમનો રોલ કર્યો. એટલીની ‘જવાન’માં પણ સ્પેશ્યલ ટાસ્ક ઓફિસર તરીકે વટ પાડવાની કોશિશ કરી જોઈ, પણ... પણ એના ચાહકોને લાગતું હતું કે એમનો ઓરિજનલ સંજુબાબા ખોવાઈ ગયો છે. આ ખોવાઈ ગયેલા સંજય દત્તને શોધી કાઢવા સિક્વલનો સહારો લેવાયો હોવાનું લાગે છે.

સંજય દત્તની કારકિર્દી જોશો તો ખ્યાલ આવશે કે એની રોમેન્ટિક ફિલ્મોમાં પણ એક્શનને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. સુભાષ ઘઈની ‘ખલનાયક’માં અભિનેતા ગ્રે શેડ (નાયકના અંશ ધરાવતો ખલનાયક)માં નજરે પડ્યો. સુભાષજી ફિલ્મની વાર્તા લખતા હતા ત્યારે એમને ‘મિસગાઈડેડ યંગ મેન’ (ખોટે રસ્તે કે ગુમરાહ થયેલો યુવાન)ને સાકાર કરી શકે એવા એક્ટરની તલાશ હતી અને એમાં સંજય દત્ત ફિટ બેસતો હતો. ફિલ્મ અને ટાઈટલ સોન્ગ ‘નાયક નહીં ખલનાયક હૂં મૈં’થી સંજય દત્ત ટિપિકલ હીરોની ઈમેજમાંથી બહાર આવી ગયો. 

‘ગુમરાહ’, ‘આતિશ’, ‘કારતૂસ’, ‘વાસ્તવ’ જેવી ફિલ્મોની સફળતાથી દલીલને સમર્થન મળ્યું. 2003માં રિલીઝ થયેલી ‘મુન્નાભાઈ એમબીબીએસ’ને મળેલા આવકારથી સંજય હીરોનો રોલ કરતો હોવા છતાં હિન્દી ફિલ્મના હીરોની વ્યાખ્યામાંથી મુક્ત થઈ ગયો. વચ્ચે મજેદાર ‘ખૂબસૂરત’ ફિલ્મમાં હળવીફૂલ રોમેન્ટિક કોમેડીમાં તેણે અભિનય ક્ષમતાનો વધુ એક પરિચય આપ્યો.

1990ના દાયકામાં સંજય દત્ત અને અજય દેવગન એક્શન ફિલ્મોના સ્ટાર હતા. આજની તારીખમાં અજય ‘ફ્રેન્ચાઈઝી કિંગ’ તરીકે સ્થાપિત છે. ડઝનેક સિક્વલ - ફ્રેન્ચાઈઝી ફિલ્મો એના નામ સામે બોલે છે. સંજય પણ એ રસ્તે આગળ વધશે એવા અણસાર મળ્યા છે. સુભાષ ઘઈની ‘ખલનાયક’ની સિક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે. 

મિસ્ટર ઘઈના કહેવા અનુસાર સંજુ વર્ષોથી સિક્વલ બનાવવાનું સપનું સેવી રહ્યો હતો. ફિલ્મનો સ્ટોરી આઈડિયા ખુદ ઘઈ સાહેબે સૂચવ્યો હતો અને ત્રણ દાયકા પછી એ સપનું સંજયની ફિલ્મ નિર્માણ કંપનીના નેજા હેઠળ સાકાર થઈ રહ્યું છે. સુભાષજી ફિલ્મ ડિરેક્ટ નહીં કરે, પણ ક્રિયેટિવ પ્રોડ્યુસર તરીકે મદદ કરશે. એવા પણ રિપોર્ટ છે કે કારાવાસ દરમિયાન સંજયને આ ફિલ્મનો વિચાર આવ્યો હતો અને જેલના કેદીઓએ સ્ટોરી લખવાની પ્રેરણા આપી હતી.

બીજી સિક્વલ છે મહેશ માંજરેકર દિગ્દર્શિત ‘વાસ્તવ: ધ રિયાલિટી’ની. ‘ખલનાયક રિટર્ન્સ’ની સત્તાવાર ઘોષણાના સમયે સંજુ બાબાએ રઘુ-રઘુનાથ નામદેવ શિવલકરના દમદાર પાત્રવાળી 1999ની ફિલ્મની સિક્વલ બનશે એવા સંકેત આપ્યા હતા. જોકે, 2002માં આવેલી ‘હથિયાર’ને ‘વાસ્તવ’ની સિક્વલ તરીકે જ પેશ કરવામાં આવી હતી. સંજય દત્તના ડબલરોલવાળી આ ફિલ્મની કથા પહેલી ફિલ્મ પૂરી થઈ ત્યાંથી જ આગળ વધી હતી. 

ડિરેક્ટર પણ ‘વાસ્તવ’વાળા મહેશ માંજરેકર જ હતા. ફિલ્મ ફ્લોપ નહોતી થઈ, પણ ‘વાસ્તવ’ની સરખામણીએ એને મોળો આવકાર મળ્યો હતો. સંજયની અપેક્ષા મુજબ ફિલ્મ નહીં બની હોય એટલે હવે ‘વાસ્તવ’ની સિક્વલ બનાવવાની પહેલ કરી છે. સત્તાવાર ઘોષણા નથી થઈ, પણ મહેશ માંજરેકરે જ સ્ટોરી તૈયાર કરી છે અને એ જ દિગ્દર્શન કરશે એવી જાણકારી છે.

મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ (મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ) માટે સંજય દત્તની ઉત્સુકતા-તાલાવેલી જગજાહેર છે. સંજયએ તો હિરાણીને જાહેરમાં રીતસરની વિનવણી કરી છે કે ‘રાજુ, પ્લીઝ મુન્નાભાઈની ફિલ્મ બનાવો.’ તાજેતરમાં ‘ખલનાયક રિટર્ન્સ’ની ઘોષણા વખતે મુન્નાભાઈની સિક્વલનો સવાલ ફરી એકવાર પૂછવામાં આવતા સંજુએ રાજકુમાર હિરાણીને જઈને પૂછો એમ કહી દીધું હતું. મિસ્ટર હિરાણી હાલ ‘થી્ર ઈડિયટ્સ’ તેમજ ‘મુન્નાભાઈ’ એમ બંનેની સિક્વલ પર કામ કરી રહ્યા છે. કથા-પટકથા પાકે પાયે તૈયાર થયા પછી જ ઘોષણા કરવી એવું હિરાણી માનતા હોવાથી કયો પ્રોજેક્ટ પહેલા શરૂ થશે એનો જવાબ તો સમય જ આપશે.

એકંદરે બલ્લુ (ખલનાયક), રઘુ (વાસ્તવ) અને મુરલીપ્રસાદ શર્મા (મુન્નાભાઈ) નવા અવતારમાં આવવા થનગની રહ્યા છે.