સંજય છેલ
હમણાં પહેલગામ આતંકી એટેકને વરસ થયું ને ‘ઓપરેશન સિંદૂર’ ટાઇટલ પર ફિલ્મ બનાવવા માટે હોડ મચી છે. જેને જુઓ એ ‘ઓપરેશન સિંદૂર’ શીર્ષકવાળી ફિલ્મને નામે રોકડી કરાવા નીકળ્યા છે. જોકે હજી કોઇને ટાઇટલ્સ મળ્યું નથી કે નથી સરકારી પરમિશન મળી. જો ગાડરિયા પ્રવાહની ઓલિમ્પિક સ્પર્ધા હોય તો ભારતીયો અને ભારતીય ફિલ્મમેકરોનો પહેલો નંબર આવે.
એક ‘રામલખન’ ચાલી તો ‘વિષ્ણુદેવા’, ‘કૃષ્ણાઅર્જુન’, ‘કરણઅર્જુન’, ‘કિશનકનૈયા’.. વગેરે ફિલ્મોની વણઝાર ચાલેલી. જો કોઇ લાંબા ટાઇટલવાળી ફિલ્મો ચાલે તો બધા ફિલ્મોના ગીતો પરથી ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘હમારા દિલ આપ કે પાસ હૈ’, ‘હમ કો તુમ સે પ્યાર હૈ’, ‘કહીં પ્યાર ના હો જાયે’ વગેરે વગેરે રેલગાડી જેવા લાંબા ટાઇટલોની રેલયાત્રા નીકળેલી.
સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પાસે એક નિર્માતા આવ્યા અને કહ્યું, ‘આપણી નવી ફિલ્મ માટે કોઈ સારું ટાઈટલ આપો ને. કશું સૂઝતું નથી!’
તો કલ્યાણજીભાઈએ તરત જ પૂછ્યું, ‘તુમ્હારી ફિલ્મ મેં ઢોલ હૈ?’
‘નહીં!’ નિર્માતા બોલ્યા.
‘નગાડા હૈ?’
‘નહીં તો!’ નિર્માતા અકળાયા.
‘બસ તો ટાઈટલ મિલ ગયા : ‘ના ઢોલ, ના નગાડા’
કલ્યાણજીભાઈએ તો મજાકમાં પેલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો, પણ શીર્ષક કે ટાઈટલ શોધવાનું કામ એટલું સહેલું નથી. નોર્મલ માણસને ત્યાં બાળક જન્મે ત્યારે એક સાદું નામ શોધવા આખું ઘર, આખો પરિવાર, આખો મહોલ્લો ભેગા થઈને વિચારવામાં બિઝી થઈ જાય છે તો નાટક, સિનેમા અને સિરિયલોવાળા રોજેરોજ સારાં શીર્ષક ક્યાંથી કાઢે? પાછું એક સારું શીર્ષક બિકીની જેવું હોવું જોઈએ : ‘જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું’ અથવા તો ઊલટું!
શું છે કે સારા ક્લિયર ટાઈટલવાળા બંગલાના પ્લોટ્સ કે ફ્લેટની જેમ સારાં ટાઈટલો પણ માર્કેટમાં ઝટ મળતાં નથી! ફિલ્મોમાં ટાઈટલો હંમેશાં વિવાદ, વિષાદ અને વ્યાપારનો વિષય રહ્યા છે... ‘ઢ-વાય’ અક્ષર પરથી શરૂ થતાં નામવાળી ફિલ્મો નથી ચાલતી એવું મનાય છે. શાહરૂખ ખાન જૂહી ચાવલાવાળી ‘યેસ બોસ’ ફિલ્મનું ટાઈટલ અમે આપેલું જેને આખી ટીમ પાસે પાસ કરાવતાં કરાવતાં અમારે સંતોષી માતાના વ્રત કરવા પડે એવી હાલત થયેલી. આ તો સારૂ છે કે ફિલ્મ ચાલી ગઇ એટલે નાક રહી ગયું.
હિંદી ફિલ્મોમાં અંગ્રેજી ટાઈટલો નથી ચાલતાં એવી ચિંતા ડિસ્ટ્રિબ્યુટરોને અગાઉ સતાવતી. પણ ‘જ્વેલથીફ’, ‘ગાઈડ’ ચાલેલી ને સાવ ગ્રામીણ ફિલ્મ ‘મધર ઇંડિયા’નું નામ અંગ્રેજીમાં હતું અને એ ધૂમ ચાલેલી પણ! ટાઇટલ વિશે એક માન્યતા છે કે જે ફિલ્મમાં નાગ-નાગીનની વાત હોય કે ટાઈટલમાં ‘નાગ’ હોય એ ચાલે જ ચાલે. ‘નગીના’, ‘નાગીન’, ‘નાગ પંચમી’, ‘નાગ દેવતા’ કે ‘શેષનાગ’ ઘણી ખરી હિટ રહી છે. ટી.વી. સિરિયલોમાં પણ નાગીન, નાગીન બહુ, નાગીન સાંસ, પાતાલ લોક વગેરે હિટ છે.
ઇવન, ગુજરાતી-હિંદી નાટકોમાં પણ નાગ કે સાપ પરના ટાઇટલ્સવાળાં નાટકો હંમેશાં સફળ થાય છે. જેમ કે કોઇની આંખમાં સાપ રમે, હિમડંખ, હિમ અંગારા, સાપ સૂતો છે સોડમાં, ફણીધર, સર્પ-નાદ, નાગમંડલ વગેરે હંમેશાં હિટ!
એકવાર રિશી કપૂર-રણધીર કપૂર, રાજીવ (ચિંપુ) કપૂર એમ ત્રણેય કપૂર બંધુઓ પાર્ટીમાં બાઝી પડ્યા. ત્યારે રિશી કપૂરે, નાના ભાઈ ચિમ્પુને કહ્યું, ‘સાલે, તેરી કોઈ ફિલ્મ નહીં ચલતી. નોર્મલી, ટાઈટલ મેં ‘નાગ’ હો તો બૂરી સે બૂરી ફિલ્મ ભી હિટ જાતી હૈ, પર ચિંપુ (રાજીવ) તેરી તો ‘નાગ-નાગીન’ ભી ફ્લોપ હુઈ. તેરી તો કેરિઅર ફ્લોપ હૈ પર તુને તો ‘નાગ’ કા ભી રેકોર્ડ બિગાડ દિયા...! બેચારે નાગ કો ભી ફ્લોપ કર દિયા. અબ ‘નાગ’ તુઝે છોડેગા નહીં, બદલા લેગા!’
આજકાલ મલ્ટિપ્લેક્સના શહેરી યંગ ઓડિયંસને આકર્ષવા ટાઇટલમાં અંગ્રેજી કમ્પલ્સરી છે. અમે એક ટાઈટલ આપેલું ‘કિસ્મત કનેક્શન’. હવે ‘કિસ્મત કનેક્શન’ બોલચાલનો શબ્દ બની ગયો છે અને એ નામ આજે સેંકડો મેરેજ-બ્યુરો, જ્યોતિષ-સલાહ કેંદ્રો ખૂલ્યાં છે! આ ટાઈટલને જો ‘પેટંટ’ કે ‘ટ્રેડમાર્ક’ કરાવ્યું હોત તો અમે ખૂબ કમાત ને કોલમ ના લખવી પડત! નિર્દેશક મહેશ ભટ્ટે, બે ભાઈ વિશેની ફિલ્મનું ‘નામ’ રાખેલું. ત્યારે ડિસ્ટ્રીબ્યુટરોએ કહ્યું:‘નામ? નામમાં કોઇ અપીલ જ નથી.’ ત્યારે મહેશ ભટ્ટે કહેલું: ‘હર આદમી અપને નામ સે, અપની પહેચાન સે પ્યાર કરતા હૈ, ઈસ સે અચ્છા ટાઈટલ હો હી નહીં સકતા.’...અને એ ફિલ્મ હિટ થયેલી.
એક જમાનાનાં સુપર હિટ નિર્દેશક મોહન કુમાર, હંમેશાં ‘અ’ પરથી ટાઇટલ્સ રાખતા જેમ કે અનપઢ, આઇ મિલન કી બેલા, અમીર ગરીબ કે સુપરહિટ અવતાર વગેરે.. મોહનકુમારના આસિટંટ અને સાઢૂભાઇ નિર્માતા-નિર્દેશક જે. ઓમપ્રકાશ પણ અ પરથી આશા, આપ કી કસમ કે અર્પણ જેવા ટાઇટલ્સ જ રાખતાં. વળી આ જે. ઓમપ્રકાશનના જમાઇ અને ખૂન ભરી માંગ, કોઇ મિલ ગયા, ક્રિશ, અભિનેતા-નિર્દેશક રાકેશ રોશન ‘કે’ પરથી જ એમની ફિલ્મના નામ રાખે છે.
જેમ કે- ‘કામચોર’થી લઇને ‘કહો ના પ્યાર હૈ’ સુધી એમની બધી ફિલ્મો હિટ ગયેલી પણ જો કે સુપરસ્ટાર શાહરૂખ સાથેની ‘કોયલા’ મહાફ્લોપ હતી! એકતા કપૂર પણ બધી સિરિયલ નામ ‘કે’ પરથી જ રાખે છે. ‘ક્યુંકિ સાંસ ભી કભી બહુ થી’ કે ‘કુસુમ’ જેવી સિરિયલમાં એણે ન્યુમરોલોજી પ્રમાણે 2-2 વખત ‘કે’ અક્ષર રાખ્યો હતો, છતાં એકતાની ‘કે’ પરથી ઘણી સિરિયલો ફ્લોપ પણ થઈ છે.
ગંભીર કે આર્ટ સિનેમામાં પણ ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યું આતા હૈ?’, ‘અરવિંદ દેસાઇ કી અજીબ દાસ્તાં’ જેવા શીર્ષકો હોય તો દાઢીધારી સીરિયસ પ્રેક્ષકો બહુ ઈમ્પ્રેસ થતા, જેમ કે- ‘ઇસ રાત કી સુબહ નહીં’, ‘હઝારોં ખ્વાબ હૈં ઐસે’, ‘સતહ સે ઉઠા હુઆ આદમી’ કે ‘યહાં સે શહર કો દેખો’... નાટકોમાં કાન્તિ મડિયા ‘મૃગજળ સીંચીને ઉછેરી વેલ’, ‘આતમને ઓઝલમાં રાખ મા’ જેવા લાંબા ટાઇટલો રાખતાં.
મારો એક ફિલ્મી લેખક મિત્ર, ખિસ્સામાં ડાયરી રાખે. જ્યાં ને જ્યારે સૂઝે એ ટાઈટલ ટપકાવી દે!! એવાં અટપટાં શીર્ષકો શોધે કે વાંચવાવાળો ચકરાઈ જાય. અટપટા લાંબા શીર્ષકો સામે ફિલ્મની મૂળ વાર્તા ટૂંકી લાગે!
..તો સારાં ટાઈટલની રેસિપી શું? મસ્તીખોર પણ સંસ્કારી, લાંબું પણ આકર્ષક, ટિપિકલ પણ સારગર્ભિત, નાનકડું પણ વેધક, ઊંચું પણ ચાલુ... આવા કોમ્બિનેશનવાળા ટાઈટલની બધા ક્રિએટિવ લોકોને શોધ હોય છે, જેથી વાચક કે ગ્રાહક કે પ્રેક્ષક શબ્દજાળમાં ફસાય. પોતાનો માલ વેચવા માણસ લાખ તાતાથૈયા કરે એમાં કશું ખોટું નથી. જોજો હંમેશાં ચોરી કરવા માટે બદનામ બોલિવૂડવાળા થોડાં જ સમયમાં ‘આત્મનિર્ભર’ ટાઇટલવાળી ફિલ્મ ના બનાવે તો જ નવાઇ!