Wed Aug 19 2026

Logo

ક્રૂડ તેલના ભાવ ઉછળતા ડૉલર સામે રૂપિયો 13 પૈસા તૂટ્યો

2026-08-10 20:24:42
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અંગેનાં સકારાત્મક નિર્દેશોના અભાવ વચ્ચે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 13 પૈસા તૂટીને 95.30ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 480.24 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.17ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 95.18ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.32 અને ઉપરમાં 95.18ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 13 પૈસા નબળો પડીને 95.30ના મથાળે બંધ રહ્યો હતો. 

એકંદરે આજે ક્રૂડ તેલનાના ભાવ વધીને બેરલદીઠ 84 ડૉલરની ઉપર ક્વૉટ થઈ રહ્યા હોવાથી આજે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળ્યું છે. જોકે,ગત જુલાઈ મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાથી તેમ જ ઑગસ્ટ મહિનામાં પણ ગત સપ્તાહ સુધી વિદેશી ફંડોનો આંતરપ્રવાહ જોવા મળ્યો હોવાથી  રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું. 

અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલ અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં વધારો થવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો છે. તેમ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવતા રૂપિયામાં વધુ ઘટાડો અટક્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 95થી 95.60 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 43.27 પૉઈન્ટનો અને 13.15 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ છતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.13 ટકા વધીને 99.66 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.96 ટકા વધીને બેરલદીઠ 94.35 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.