સુરતઃ જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં તેની સ્ત્રી મિત્ર પૂનમની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પૂનમે જામીન માટે અરજી કરી હતી જ્યારે સરકાર પક્ષે આરોપીના જામીનનો વિરોધ કર્યો હતો.
આરોપી પક્ષ તરફથી વકીલે દલીલો કરી હતી કે મૃતક તુષાર ઘેલાણી જમણેરી હતા તો પછી જમણા કાન પાસેથી ગોળી બહાર કેવી રીતે નીકળી? પોલીસે તુષાર ઘેલાણીના પરિવારના સભ્યોના નિવેદનો કેમ નથી નોંધ્યા. તદુપરાંત જામીન અરજીના તબક્કે આ ઘટનાને આત્મહત્યમાં ફેરવવાના આક્ષેપો પણ આરોપી પક્ષ તરફથી કરવામાં આવ્યા હતા.
આરોપી પક્ષના દલીલોના જવાબમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલે દલીલો કરી હતી કે, મિત્રતા હોવી કોઈ ગુનો નથી. પરંતુ આરોપીએ મિત્રતાનો ઘરલાભ ઉઠાવી વખતો વખત પ્રોપર્ટીઓ લખાવી લીધી હતી. તેણે બ્લ્યુ પેપીલોન સ્કૂલમાં ભાગીદારી કરી તથા બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી. વધુમાં દલીલો કરી હતી કે, પિતાના માટે કન્યાદાન એ મહામૂલો અવસર હોય અને કન્યાદાનથી મોટું અને વિશેષ કોઈ દાન નથી. દીકરીના લગ્ન પ્રસંગથી મોટો પિતા માટે કોઈ પ્રસંગ નથી અને તે સમયે આરોપીએ મરનારને માનસિક ત્રાસ આપી પોતાની માંગણી ન સંતોષાય તો દીકરીનો પ્રસંગ બગાડવાની વાત કરી હતી. તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી લગ્નપ્રસંગના અવસરમાં એક પિતાને આત્મહત્યા કરવાની ફરજ પડી, ત્યારે તે સંજોગો જોતા પણ આરોપી તરફે દુષ્પ્રેરણાનો પ્રથમ દર્શનીય કેસ જણાઈ આવે છે.
આ ઉપરાંત પોલીસ સમક્ષ હાજર નહી રહેતી પ્રિયાનું નિવેદન પોલીસ સમક્ષ રેકોર્ડ કરવામાં આવે તો નવી હકીકત બહાર આવે તેમ છે. તથા તેણીનો ફોનો મળવીને પણ તપાસ કરી શકાય તેમ છે. એફએસએલનો રિપોર્ટ પણ બાકી છે. બચાવ પક્ષે તુષાર ઘેલાણી જમણેરી હતા તો પછી જમણા કાન પાસેથી ગોળી બહાર કેવી રીતે નિકળે તેવી અગાઉ દલીલો કરાઈ હતી, તેના જવાબમાં સરકાર તરફે દલીલ થઈ હતી કે, જામીન અરજીનો તબક્કો એ પુરાવાનું મુલ્યાંકન કરવાનું નથી ફક્ત કોર્ટે તે જ જોવાનું છે કે, આરોપી સામે પ્રથમદર્શનીય કેસ છે કે નહી. આ ગુનાની તપાસ પ્રાથમિક તબક્કે હોય હાલની જામીન અરજી નામંજુર કરવા દલીલો કરી હતી. વધુમાં મૂળ ફરિયાદી તરફે વિગતવારનું સોગંદનામું સિનિયર પ્રકીલ કલ્પેશ દેસાઈએ રજૂ કર્યું હતું તેને પણ ધ્યાનમાં રાખીને જામીન અરજીનો વિરોધ કરવાનો સરકારી વકીલે આગ્રહ રાખ્યો હતો.
પૂનમે લગ્નમાં આવીને ભવાડા - બદનામ કરવાની ધમકી આપી હતી
સુરતની કોર્ટમાં પોલીસ અને મૂળ ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરાયેલી સાત પાનાની વિસ્તૃત એફિડેવિટમાં દાવો કરાયો હતો કે, ઘેલાણી પર દીકરીના લગ્નના એક દિવસ અગાઉ પૂનમનો ફોન આવ્યો હતો. આ ફોનના કારણે તુષાર ઘેલાણી અત્યંત હતાશ થઈ ગયા હતા. પરિવારે પૂછ્યું ત્યારે ઘેલાણીએ ભીની આંખે કહેલું કે, પૂનમે દીકરીના લગ્નમાં આવીને ભવાડા કરવાની અને બદનામ કરવાની ધમકી આપી છે. ઘેલાણીએ કહેલું કે, પૂનમ વારંવાર મિલકત અને નાણાંની માંગણી કરે છે તેથી હું હારી ગયો છું અને હવે મારાથી જીવાતું નથી. ઘેલાણીએ દીકરીનો લગ્ન પ્રસંગ સુખેથી પતી જાય એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
દીકરીઓએ પૂનમને તેના પિતાને હેરાન કરવાનું બંધ કરવા વિનંતી કરી
પોલીસ એફિડેવિટમાં દાવો કરાયો કે, તુષાર ઘેલાણીની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ જતાં તેમની બંને દીકરીઓ જાતે પૂનમ ભદોરિયાના ઘરે ગઈ હતી. બંને દીકરીઓએ પૂનમને પોતાના પિતાને હેરાન કરવાનું બંધ કરવા વિનંતી કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પૂનમે પોતાને મિલકતમાં ભાગ મળવો જોઈએ એવી માગણી કરી હતી. પૂનમે દીકરીઓને પણ ધમકી આપી હતી કે, મિલકતમાં હિસ્સો નહીં મળે તો તેમના પિતાનું જીવવાનું હરામ કરી દેશે.
એફિડેવિટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૂનમે તુષાર ઘેલાણીને ઇમોશનલ બ્લેકમેલ કરી કરીને પેપીલોન શાળામાં 50 ટકા ભાગીદારી મેળવી લીધી હતી. પૂનમ શાળામાંથી નફાની સાથે પગાર પણ લેતી હતી અને પોતાના પરિવારજનોને પણ પગાર આપતી હતી. પૂનમે ઘેલાણી પર દબાણ કરીને ઉમરા ઝોનમાં આવેલી લગભગ 1.07 કરોડ રૂપિયાની કિંમતની બે દુકાનો પણ પોતાના નામે કરાવી લીધી હતી.
શું છે મામલો
સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા પણ ઈજા ગંભીર હોવાથી પાંચ દિવસ પછી બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. આ દરમિયાન પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો. આ પ્રક્રિયા ચાલતી હતી ત્યાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવતાં તેમનું મોત થયું હતું. જોગાનુજોગ આ દિવસે જ તેમની દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્નનો દિવસ જ બાપ માટે જીવનનો અંતિમ દિવસ બની ગયો હતો.