ભરત ભારદ્વાજ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દુનિયાભરમાં રમઝાન ઈદની ઉજવણી થઈ અને આ ઉજવણી પર યુદ્ધનો ઓછાયો પડી ગયો. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના મૂળમાં શિયા અને સુન્નીઓની દુશ્મનાવટ છે. દુનિયાભરના શિયાઓ માને છે કે, કટ્ટરવાદી સુન્ની આરબ દેશોના ઈશારે અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યું ને શિયા સંપ્રદાયના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનીની હત્યા કરી નાંખી. આ કારણે શિયાઓ અમેરિકા અને ઈઝરાયલ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.
રમઝાન ઈદની ઉજવણી વખતે પણ આ આક્રોશ વ્યક્ત થયો. ઈરાનમાં અમેરિકા ને ઈઝરાયલ બોમ્બ વરસાવી રહ્યાં છે તેથી ઈદની ઉજવણી જેવું કશું છે જ નહીં પણ દુનિયામાં બીજે ઘણે ઠેકાણે શિયાઓએ અમેરિકા-ઈઝરાયલ સામે આક્રોશ વ્યક્ત કર્યો. ભારતમાં પણ અમદાવાદ, ભોપાલ સહિત ઘણાં સ્થળે શિયા મુસ્લિમોએ રમઝાન ઈદની નમાઝ પછી ઈઝરાયલ-અમેરિકા મુર્દાબાદના નારા લગાવ્યા અને ખામેનીના હત્યારાઓને ઠેકાણે પાડીને બદલો લેવાની કસમો પણ ખાધી.
ભારતમાં શિયાઓની વસતી બહુ નથી તેથી પાંચ-પચ્ચીસ મિનિટ સૂત્રોચ્ચાર કરીને શિયાઓ વેરાઈ ગયા તેમાં કોઈએ નોંધ ના લીધી પણ પાકિસ્તાનમાં આ મામલે ભડકો થઈ ગયો છે. પાકિસ્તાનમાં ખામેનીના મોત પછી ઉકળતો ચરૂ છે અને પાકિસ્તાનના ઘણા શહેરોમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. કરાચીમાં તો શિયા મુસ્લિમોના ટોળાએ અમેરિકી દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. દૂતાવાસની સુરક્ષા સંભાળતા અમેરિકી મરીને શિયાઓ પર ગોળીબાર કરીને 10 લોકોના ઢીમ ઢાળી દેતાં ઠંડા થઈ ગયેલા શિયાઓ ફરી અમેરિકાની ઓફિસો તરફ વળ્યા નથી પણ બીજે દેખાવો થઈ રહ્યા છે.
ઇસ્લામાબાદમાં રોજ શિયાઓ કંઈ ને કંઈ ઉધમાત કરે છે ને તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કારદુમાં તો ટોળાએ સંયુક્ત રાષ્ટ્રની એક ઓફિસને આગ ચાંપી દીધી હતી. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં તોફાનો ફાટી નિકળ્યાં તેમાં પણ ઘણાં લોકોનાં મોત થયાના અહેવાલ છે. ટૂંકમાં ખામેનીના મોતના કારણે પાકિસ્તાનમાં મામલો ગરમ છે ત્યાં પાકિસ્તાનના લશ્કરી વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે શિયા ધર્મગુરુઓને ખુલ્લી ધમકી આપતાં શિયા વધારે ભડક્યા છે.
રાવલપિંડીમાં શિયા સમુદાયની ઇફ્તાર પાર્ટીમાં અસીમ મુનિરે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં થયેલી હિંસા માટે શિયા મુસ્લિમોને જવાબદાર ગણાવ્યા તેમાં તડાફડી થઈ ગઈ. શિયા ધર્મગુરુ મોહમ્મદ શિફા નજફીએ મુનીરની વાતનો વિરોધ કરીને એવું કહ્યું કે, બધા શિયાઓને હિંસાની ઘટનાઓ માટે જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. આ વાત સાંભળીને અકળાયેલા મુનિરે શિયા ધર્મગુરુઓને સીધા કરી દેવાની ધમકી આપીને કહ્યું કે, શિયાઓને ઈરાન પર બહુ હેત ઉભરાતું હોય તો ઈરાન જતા રહે, પાકિસ્તાનના દરવાજા ખુલ્લા જ છે.
મુનિર ઇફ્તાર પાર્ટી છોડીને પણ જતા રહ્યા તેથી શિયા વધારે બગડ્યા છે. મુનિરે શિયાઓનું અપમાન જ ના કર્યું પણ તેમની દેશભક્તિ સામે પણ શંકા ઉઠાવીને તેમને ગદ્દાર સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે એવું તેમને લાગે છે. આ કારણે શિયા ધર્મગુરુઓ અને આગેવાનો મુનિરના માથે માછલાં ધોઈ રહ્યા છે અને મામલો ગરમ છે.
પાકિસ્તાનમાં શિયા વર્સીસ સુન્નીનો ઝઘડો નવો નથી. દુનિયામાં બધે સુન્નીઓ શિયાઓને સાફ કરી દેવા માગે છે એ રીતે પાકિસ્તાનમાં પણ સુન્નીઓ શિયાઓનો સફાયો કરી દેવા માગે જ છે પણ શિયાઓની વસતી મોટી હોવાથી ફાવતા નથી. ઈરાન પછી સૌથી વધારે શિયા પાકિસ્તાનમાં છે.
પાકિસ્તાનની કુલ વસ્તીના લગભગ 15 ટકા એટલે કે 3.77 કરોડ શિયા મુસ્લિમ છે અને પાકિસ્તાનની મુસ્લિમ વસતીમાં તો શિયાઓનું પ્રમાણ 25 ટકાની આસપાસ છે. પાકિસ્તાનમાં શિયાઓના મેળાવડા, મસ્જિદો અને ધાર્મિક સ્થળો પર સતત હુમલા થાય છે. સુન્ની કટ્ટરવાદી જૂથો લશ્કર-એ-ઝાંગવી (LeJ) અને ISIS (ISKP) ના બગબલચ્ચાં જેવાં સંગઠનો શિયાઓને પતાવી દેવા સતત મથ્યા કરે છે. પાકિસ્તાનના ક્વેટામાં શિયા મુસ્લિમોના હાજરા સમુદાયની મોટી વસતી છે. આ હજારા સમુદાયને ટાર્ગેટ કરીને સૌથી વધારે હુમલા થાય છે.
શિયા વર્સીસ સુન્ની જંગ એ રીતે નવો નથી પણ અત્યારે શિયાઓમાં જે આક્રોશ છે એ અલગ પ્રકારનો જ છે અને ભારત તેનો ફાયદો ઉઠાવી શકે છે. અત્યારે શિયાઓને એવું લાગી રહ્યું છે કે, આરબ દેશોના ઈશારે શિયાઓનો ખાતમો કરી દેવા માટે અમેરિકા-ઈઝરાયલ તૂટી પડ્યાં છે અને પાકિસ્તાન પણ કાવતરામાં ભાગીદાર છે. પાકિસ્તાન પહેલાં ઈરાન અને સાઉદી અરેબિયા સહિતના આરબ સુન્ની દેશો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરતું હતું પણ અત્યારે ખુલ્લેઆમ સાઉદી અરેબિયા અને તેના સાથીઓને ટેકો આપે છે.
પાકિસ્તાન અમેરિકાના પડખામાં પણ ભરાઈ રહ્યું છે અને શિયા મુસ્લિમો અમેરિકાને સૌથી મોટો દુશ્મન માને છે કેમ કે અમેરિકા શિયાઓની સૌથી વધારે વસતી ધરાવતા ઈરાનમાંથી શિયાઓની સરકાર હટાવીને પોતાની કઠપૂતળળી જેવી સરકાર બેસાડવા માગે છે. ભૂતકાળમાં અમેરિકાએ શિયાઓની બહુમતી ધરાવતા ઈરાકમાં આ જ ખેલ કરીને સદ્દામ હુસૈનને બેસાડી દીધા હતા. સદ્દામે અમેરિકાના ઈશારે શિયાઓની કત્લેઆમ કરવામાં કોઈ કસર નહોતી છોડી. અમેરિકા સીરિયા, લેબેનોન વગેરે શિયા મુસ્લિમોની નોંધપાત્ર વસતી ધરાવતા દેશોમાં પણ એ ખેલ કરી રહ્યું છે પણ ઈરાનમા ફાવ્યું નથી.
હવે અમેરિકા ઈરાનમાં ફાવી જાય ને શિયા સરકારને હટાવી દે તો દુનિયામાં શિયાઓનો કોઈ દેશ ના રહે ને તેમના અસ્તિત્વ સામે ખતરો આવી જાય. આ કારણે દુનિયાભરના શિયા મુસ્લિમો અમેરિકાને નફરત કરે છે. પાકિસ્તાન પણ અમેરિકાનું પ્યાદુ બની રહ્યું હોવાથી પાકિસ્તાનના શિયાઓ પણ પાકિસ્તાન સરકાર અને લશ્કરની વિરુદ્ધ છે. ભારત તેમના આક્રોશને ભડકાવીને પાકિસ્તાનમાં પ્રચંડ આંદોલન ઊભું કરી શકે છે. ભારત માટે અત્યારે લોહા ગરમ હૈ, માર દો હથોડા જેવી સ્થિતિ છે.
પાકિસ્તાનમાં શિયાઓની વસતી કોઈ એક ઠેકાણે નથી પણ બધે વહેંચાયેલી છે તેથી રાષ્ટ્રવ્યાપી આંદોલન થઈ શકે છે. શિયાઓના આક્રોશના કારણે ભારત પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પણ પાકિસ્તાન વિરોધી માહોલ પેદા કરી શકે ને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં તો પાકિસ્તાને ઉભી પૂંછડીએ ભાગવું પડે એવી સ્થિતિ સર્જી શકે કેમ કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં શિયાઓની વસતી બહુ વધારે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં જ અત્યારે સૌથી વધારે હિંસા થઈ છે એ જોતાં ભારત માટે સાનુકૂળ સંજોગો છે.
બીજા કોઈ દેશમાં હિંસા ફેલાવવી યોગ્ય નથી પણ પાકિસ્તાનમાં હિંસા ફેલાવવામાં કશું ખોટું નથી કેમ કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવીને નિર્દોષ લોકોની હત્યાઓ કરે છે. આ આતંકવાદને રોકવા ભારતે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માંથી પાકિસ્તાનને ભગાડવું જરૂરી છે કેમ કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) આતંકવાદનું લોંચ પેડ છે. આ લોંચ પેડમાંથી પાકિસ્તાન જાય તો ભારતને શાંતિ થાય એ જોતાં ભારતે ઘા કરવાની જરૂર છે.