Mon Jun 01 2026

Logo

હજીરામાં આધુનિક ફાયર સુવિધાઓ ઉભી કરવાનું સરકારનું આયોજન! પણ આ કારણે પ્રોજેક્ટ ટલ્લે મુકાયો....

2026-03-24 09:18:43
Author: Devayat Khatana
Article Image

Artificial Intelligence (AI) generated image


નવી દિલ્હી: ગુજરાતના હજીરામાં સૂચિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) ની સ્થાપના અંગે રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે મહત્વની સ્પષ્ટતા કરી હતી. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વર્ષ 2010 માં એમ.બી. લાલ સમિતિની ભલામણ મુજબ હજીરામાં આ કેન્દ્ર સ્થાપવાનું આયોજન હતું. જોકે, બદલાતા સમય સાથે ટેકનોલોજીમાં થયેલા સુધારા અને વધુ સારા વિકલ્પોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પરિષદે હવે ERC ના સ્થાને 'ઉચ્ચ અગ્નિશમન સુવિધાઓ' (EFFF) સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

સરકાર દ્વારા રચવામાં આવેલી ઉદ્યોગ સમિતિએ ઊંડી તપાસ બાદ અહેવાલ આપ્યો હતો કે જૂની ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની સંકલ્પના કરતા અદ્યતન અગ્નિશમન સુવિધાઓ વધુ કાર્યક્ષમ અને સસ્તી સાબિત થઈ શકે તેમ છે. આ અહેવાલને સ્વીકારીને સરકારે હવે સંગ્રહ ક્ષમતાના આધારે ક્રૂડ ઓઈલ અને પ્રોડક્ટ ટર્મિનલ્સ માટે અગ્નિશમન સુવિધાઓ (EFFF) સ્થાપવા માટે અગ્રતા ધરાવતા જૂથોની ઓળખ કરી છે. તે મુજબ જૂની યોજનાના સ્થાને હવે નવી સુરક્ષા પ્રણાલી અમલમાં મૂકવાની દિશામાં કામગીરી આગળ વધારવામાં આવી છે.

જોકે, હજીરાના સંદર્ભમાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા ચોક્કસ માપદંડો મુજબ હજીરાને હાલમાં પ્રાથમિકતા વાળા સ્થાનોની યાદીમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું નથી. હજીરા ટર્મિનલ સમિતિ દ્વારા નિર્ધારિત અગ્રતાના માપદંડોને પૂર્ણ કરતું ન હોવાથી ત્યાં તાત્કાલિક ધોરણે આ સુવિધા ઉભી કરવાનું આયોજન નથી. આમ, હજીરામાં ઈમરજન્સી સેન્ટરની સ્થાપના અંગેની લાંબા સમયની દરખાસ્તમાં હવે સુરક્ષાના નવા ધોરણો મુજબ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું.