Wed Aug 19 2026

Logo

મહિલાઓ પછી હવે 'Gen Z' માટે લોકલમાં કોચ અનામત રાખવાની માંગ! ભાજપ નેતાના પત્રથી મુંબઈગરોમાં ભારે ચર્ચા

2026-08-11 15:11:13
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ મુંબઈરાની લાઈફલાઈન એટલે લોકલ ટ્રેન અને દરરોજ લાખો પ્રવાસીઓ આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી છે. સવારે અને સાંજે ધસારાના સમયે તો લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એ એ ખૂબ જ કપરું છે. આ બધા વચ્ચે હવે મુંબઈ લોકલ ટ્રેનને લઈને એક નવો અને અનોખો પ્રસ્તાવ ભાજપનાં કોર્પોરેટર તેજસ્વી ઘોસાળકરે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજૂ કર્યો છે. આ પત્રમાં તેમણે કોલેજ જતાં 'Gen Z' અને 'Gen Alpha' યુવાનો માટે લોકલ ટ્રેનમાં ત્રણ કોચ અનામત રાખવાની માંગ કરી છે.

તેજસ્વી ઘોસાળકરે પોતાના પત્રમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે કે સવારે પાંચ વાગ્યાથી 11 વાગ્યા સુધીના પીક અવર્સ દરમિયાન કોલેજ અને એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં જતાં વિદ્યાર્થીઓને ભીડમાંથી રાહત મળે એ માટે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે ત્રણ ખાસ કોચ રિઝર્વ રાખવામાં આવે. એમાં પણ ખાસ કરીને ચર્ચગેટ-દહાણુ અને સીએસએમટી-ડોમ્બિવલી/આસનગાંવ રૂટ પર આ સુવિધા આપવાની તેમણે વિનંતી કરી છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો 12 કોચ અથવા 15 કોચની લોકલ ટ્રેનમાં પહેલાથી જ વિવિધ પ્રવાસીઓ માટે કોચ રિઝર્વ હોય છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ આશરે 75થી 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને એમાંથી અંદાજે 22થી 25 લાખ એટલે કે 30 ટકાથી વધારે મહિલા પ્રવાસીઓ છે. 

12 ડબાની લોકલ ટ્રેનમાં મહિલાઓ માટેના રિઝર્વ કોચની વાત કરીએ તો લોકલ ટ્રેનમાં મહિલાઓ માટે ખાસ બેથી કોચ અનામત હોય છે. આ ઉપરાંત દોઢ કોચ લેડિઝ ફર્સ્ટ ક્લાસ, અડધો કોચ દિવ્યાંગ, સીનિયર સિટિઝન અને અડધો કોચ લગેજ કમ્પાર્ટમેન્ટ માટે અનામત રાખવામાં આવે છે.

લોકલ ટ્રેનના કુલ કોચમાંથી આશરે 40થી 45 ટકા કોચ જ જનરલ (સેકન્ડ ક્લાસ) પુરુષો અને સામાન્ય પ્રવાસીઓ માટે બચે છે. ધસારા સમયે તો પરિસ્થિતિ એવી હોય છે કે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ બંનેમાં ભીડ વચ્ચેનો તફાવત જ ગાયબ થઈ જાય છે.

'Gen Z' માટે ત્રણ કોચ રિઝર્વ રાખવામાં આવે તો શું થઈ શકે?

જો રેલવે પ્રશાસન Gen Z અને Gen Alpha કોલેજિયનો માટે ત્રણ વધારાના કોચ રિઝર્વ રાખવાનો પ્રસ્તાવ સ્વીકારે, તો સામાન્ય મુસાફરો માટે માત્ર ત્રણથી ચાર કોચ જ બચશે. આનાથી સામાન્ય પ્રવાસીઓની ગીર્દી અને ધક્કામુક્કીમાં બમણો વધારો થઈ શકે છે, જે રેલવેના ટાઈમટેબલ અને કેપેસિટી માટે મોટો સવાલ બની શકે છે.

રાજકીય નિષ્ણાતોના મતે, ભાજપ દ્વારા યુવા વોટબેંક (Gen Z)ને પોતાની તરફ આકર્ષિત કરવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે રેલવે મંત્રાલય આ પ્રસ્તાવ પર શું નિર્ણય લે છે.