Wed Sep 02 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ મલાલા અને મોહન ભાગવત: ભારત અને અમેરિકામાં શું ફરક છે?

2026-08-31 07:30:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ મલાલા અને મોહન ભાગવત: ભારત અને અમેરિકામાં શું ફરક છે?

ભરત ભારદ્વાજ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતનો ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેરમાં કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થઈ ગયો. ‘વન વર્લ્ડ વન હ્યુમેનિટી’ કાર્યક્રમમાં ભાગવતે લગભગ પોણા કલાકના ભાષણમાં ઘણી વાતો કરી પણ, સૌથી મહત્ત્વની વાત એ કરી કે, ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ એવું વિચારનાર હિંદુ ના કહેવાય, જે વ્યક્તિ આવું વિચારવાની શરૂઆત કરે એ હિંદુ મટી જાય. 

ભાગવતની વાત હિંદુત્વના ઝંડાધારીઓ માટે આંચકાજનક છે કેમ કે ભારતમાં આ લોકો એવી વિચારધારાને પોષી રહ્યા છે કે, ભારત તો હિંદુઓનો જ દેશ છે અને મુસ્લિમો માટે ભારતમાં કોઈ સ્થાન નથી. એમની વાહિયાત દલીલ એવી છે કે, મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની માગણી સ્વીકારાઈ પછી બધા મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈતું હતું કેમ કે મુસ્લિમો માટે પાકિસ્તાન અને હિંદુઓ માટે હિંદુસ્તાન એટલે કે ભારત એ નક્કી થઈ ગયું હતું. 

ભાગવતે આ વિચારધારાનો છેદ ઉડાડીને સારું કર્યું કેમ કે બહુમતી હિંદુઓની આ વિચારધારા નથી. આ દલીલ માનસિક દેવાળિયાપણાનો શ્રેષ્ઠ નમૂનો છે કેમ કે અલગ પાકિસ્તાનની માગણી મુસ્લિમોએ નહોતી કરી, પણ મુસ્લિમ લીગે કરી હતી. મુસ્લિમ લીગમાં માનનારા પાકિસ્તાન ગયા ને ભારતમાં શ્રદ્ધા હતી એ મુસ્લિમો ભારતમાં રહ્યા. હિંદુઓએ તો કઈ માગણી જ નહોતી કરી કેમ કે આ દેશ હિંદુઓનો જ છે. બીજું એ કે, આ દેશના ભાગલા કરવા કે નહીં એ ના હિંદુઓના હાથમાં હતું કે ના મુસ્લિંમોના. હિંદુ-મુસ્લિમ બધા અંગ્રેજોના ગુલામ હતા તેથી અંગ્રેજોએ નક્કી કર્યું એ સ્વીકારવું પડ્યું. 

ખેર, એ અલગ ચર્ચાનો મુદ્દો છે, પણ ભાગવતના કાર્યક્રમે અમેરિકા અને ભારતમાં શું ફરક છે એ સ્પષ્ટ કરી દીધું એ વધારે મહત્ત્વનું છે. ભાગવતના કાર્યક્રમનો અમેરિકાનાં ઘણાં કહેવાતાં માનવાધિકારવાદી અને બિનસાંપ્રદાયિક સંગઠનોએ વિરોધ કરેલો. ન્યૂ યોર્કના ભારત મૂળ મેયર ઝોહરાન મમદાની પણ આ વિરોધમાં જોડાયા હતા. તેના કારણે એવું લાગતું હતું કે, ભાગવતના મેડિસન સ્ક્વેરના કાર્યક્રમમાં બબાલ થઈ શકે છે, પણ કશું થયું નહીં. કાર્યક્રમના સ્થળની બહાર ભાગવત સામે ધરણાં કરાયાં, પણ કાર્યક્રમમાં અંદર ઘૂસીને કોઈએ કંઈ જ કર્યું નહીં ને ભાગવતનો કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો. ભાગવતે 42 મિનિટ ભાષણ આપ્યું એ દરમિયાન કોઈ પણ રીતે વિરોધ ના થયો. 

ભારતમાં તો કોઈની સામે વિરોધ હોય તો શું થાય?  વિરોધ કરનારા કાર્યક્રમની અંદર ઘૂસી જાય, દેકારો મચાવી દે ને કાર્યક્રમ જ ના થવા દે. તોડફોડ પણ કરે ને કોઈ વિરોધ કરવા આવે તો તેને ધોલ ધપાટ કે ટપલીદાવ પણ થઈ જાય.  તોડફોડ રોકવા આવનાર પોલીસને પણ બે-ચાર પડી જાય. ભારતમાં આ રીતે જ વિરોધ થાય છે ને તેનું તાજું ઉદાહરણ અમદાવાદમાં મલાલા યુસુફઝાઈની આત્મકથા ‘આઈ એમ મલાલા’ના વાંચનના કાર્યક્રમનું છે.

અમદાવાદની એક સ્કૂલમાં છોકરાંને વાંચવા માટે અપાયેલાં પુસ્તકોમાં ‘આઈ એમ મલાલા’ પણ હતું. મલાલા પોતાના સહિતની છોકરીઓના ભણવા પર પ્રતિબંધ મૂકનારા તાલિબાની કટ્ટર અને ધર્માંધ મુસ્લિમ આતંકવાદીઓ સામે કઈ રીતે લડી તેની હકીકત આ પુસ્તકમાં છે. દરેક ભારતીયે આ પુસ્તક વાંચવું જોઈએ કે જેથી તાલિબાની કટ્ટર અને ધર્માંધ મુસ્લિમ આતંકવાદીઓની અસલિયત ખબર પડે. 

સારા ઉદ્દેશથી આ પુસ્તકના વાંચનની ભલામણ કરાયેલી, પણ કહેવાતા હિંદુવાદીઓને તેની સામે વાંધો પડી ગયો તેમાં તેમણે ઉપાડો લીધો, ધમાલ મચાવી તેથી છેવટે આ પુસ્તક પાછું લઈ લેવું પડ્યું. કહેવાતા હિંદુવાદીઓનું કહેવું છે કે, મલાલાએ કાશ્મીરની કલમ 370ની નાબૂદીનો વિરોધ કરીને  ભારત વિરોધી વલણ લીધેલું તેથી મલાલા ભારતમાં ધોળે ધરમેય ના ખપે. 

આ નમૂનાઓમાં કોઈને પણ મલાલાએ ભારત વિરોધી શું નિવેદન કરેલું તેની ખબર નથી કેમ કે મલાલાએ ભારત વિરોધી નિવેદન કર્યું જ નહોતું. મલાલાએ તો સ્કૂલો બંધ રહેવા અંગે ચિંતા વ્યક્ત કરીને બાળકો અને મહિલાઓની સુરક્ષાનો પાકો બંદોબસ્ત કરવા અપીલ કરી હતી. આ ઘટના ખરેખર સરકાર માટે શરમજનક કહેવાય કેમ કે મલાલાના પુસ્તક પર પ્રતિબંધ નથી છતાં પુસ્તક નહીં વાંચવા દઈને કાયદાનો ભંગ કરાયો. 

અમદાવાદના એક ગાર્ડનમાં પચ્ચીસેક લોકોએ ભેગાં મળીને આ વાતનો વિરોધ કરવા પુસ્તક વાંચનનો કાર્યક્રમ રાખેલો. ભારતના નાગરિક પ્રતિબંધિત ના હોય એવું કોઈ પણ પુસ્તક વાંચી શકે એ કાર્યક્રમનો ઉદ્દેશ હતો, પણ આ કાર્યક્રમમાં પણ કહેવાતા હિંદુવાદી ઘૂસી ગયા અને મારામારી કરી નાખી. પુસ્તક વાંચનારાંને તો માર્યા જ પણ એક પોલીસને પણ ઝૂડી નાખ્યો. દલીલ એ જ હતી કે, મલાલાએ કલમ 370ની નાબૂદીનો વિરોધ કરેલો તેથી હિંદુ ભારતમાં તો મલાલા જોઈએ જ નહીં. 

આપણે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની વાતો કરીએ છીએ, પણ આ રીતે પોતાને ના ગમે એવું કરનારને મારીને ચૂપ કરી દેવા એ કઈ ભારતીય સંસ્કૃતિ છે એ ખબર નથી. ભારતમાં તો કોઈ પણ મુદ્દે વિદ્વાનો વચ્ચે વાદવિવાદ થતા અને દલીલોમાં જે હારે એ ગૌરવભેર હાર સ્વીકારતો અને વિરોધીના મતને સ્વીકારતો. પોતાનો મત કે વિચારધારા જ સાચી છે એ વિચારધારા ધર્માંધ મુસ્લિમોની છે. પોતાના ધર્મને નહીં માનનારા બધા કાફિર કહેવાય એ કટ્ટરવાદી મુસ્લિમની માનસિકતા છે. 

આપણા કહેવાતા હિંદુવાદીઓ આપણા પૂર્વજોની પરંપરાઓને બાજુ પર મૂકીને ધર્માંધ મુસ્લિમોના રવાડે ચડી રહ્યા છે એ જોઈને ખરેખર આઘાત લાગે છે, પણ કશું કરી શકાય તેમ નથી. હિંદુત્વના મસિહા બની બેઠેલા લોકોએ આપેલા સંસ્કારની આ અસર છે. પોતાની સત્તાલાલસા સંતોષવા માટે પોતાના વિરોધીઓને ગમે તે રીતે કચડી નાખવાની નીચ માનસિકતાના કારણે મૂળ હિંદુત્વ કોરાણે મુકાઈ ગયું છે. 

ખેર, આપણે અમેરિકા અને ભારતની સરખામણીની વાત કરતા હતા. ભારત પણ લોકશાહી દેશ છે અને અમેરિકા પણ લોકશાહી દેશ છે, પણ અમેરિકામાં વિરોધીના કાર્યક્રમમાં તોડફોડ કે મારામારી નથી કરાતી કેમ કે એ સભ્ય દેશ છે, જ્યારે આપણે ભવ્ય સભ્યતાને કોરાણે મૂકીને ધર્માંધ કટ્ટરવાદી મુસ્લિમો સાથે અસભ્યતાની હોડમાં ઊતરવાને ભારતીય સભ્યતા, સંસ્કાર ને સંસ્કૃતિ માની રહ્યા છીએ. 

અમેરિકામાં કાયદાનો પણ ડર છે, જ્યારે ભારતમાં કોઈ ડર નથી. કાયદાની ઐસીતૈસી કરીને ગમે તેને ધર્મના નામે ફટકારવાનો પરવાનો નયા ભારતમાં મળેલો છે. કાયદાનું અસ્તિત્વ જ નથી એમ કહીએ તો ચાલે. આ જ કારણે ભારતના યુવા અમેરિકા ને બીજા દેશોમાં ભાગી રહ્યા છે ને નરેન્દ્ર મોદી કે મોહન ભાગવતના કાર્યક્રમમાં ઊમટનારા ભારતીયો ભારત પાછા આવવા તૈયાર નથી. હિંદુત્વના ઠેકેદારોને સત્તા જોઈએ છે તેથી તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી ને પ્રજામાં ગુંડાગીરી કરનારાં સામે પડવાની હામ નથી તેથી આ નયા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.