મેક્સિકો સિટીઃ ફિફા વર્લ્ડ કપમાં આ વખતે હરીફ ટીમોના ખેલાડીઓ વચ્ચેની ખેંચતાણ નવી મર્યાદા ઓળંગતી જોવા મળી છે, પણ એ ઉપરાંત હરીફ ટીમના ચાહકો પણ સામેવાળી ટીમની બાજી બગાડવા નવા નુસખા અપનાવતા જોવા મળ્યા છે જેમાં મેક્સિકો-ઇક્વેડૉર મૅચનું ઉદાહરણ લેટેસ્ટ છે. એમાં મેક્સિકો-તરફી તોફાની ફૂટબૉલક્રેઝીઓએ ઇક્વેડૉર (Ecuador)ની બાજી બગાડવા કોઈ કસર બાકી નહોતી રાખી.
લીગ રાઉન્ડમાં જર્મની જેવી ધરખમ ટીમને હરાવનાર ઇક્વેડૉરના ખેલાડીઓ બુધવારે વર્લ્ડ કપના સહ-યજમાન મેક્સિકો (Mexico)ને પણ કદાચ હરાવશે એવી સંભાવના ચર્ચાતી હતી, પરંતુ મામલો અણધાર્યો જ હતો. મેક્સિકોએ ઇક્વેડૉરને નૉકઆઉટ રાઉન્ડમાં 2-0થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો એ પહેલાં અભૂતપૂર્વ ઘટના બની હતી.
કેટલાક અહેવાલો અને વીડિયો અનુસાર મેક્સિકો સિટીમાં રમાયેલી મેક્સિકો અને ઇક્વેડૉર વચ્ચેની મૅચની પાછલી રાતે (મધરાતથી વહેલી સવાર સુધી) ઇક્વેડૉરના ખેલાડીઓની સેન્ટા ફે ખાતેની વેસ્ટિન હૉટેલની બહાર અસંખ્ય ફૂટબૉલક્રેઝી ભેગા થયા હતા. આ ફૅન્સનો એકમાત્ર આશય ઇક્વેડૉરના ખેલાડીઓની ઊંઘ બગાડવા (Sleepless night)નો હતો. તેમણે અવાજનું પ્રદૂષણ હદ બહારનું કરવા કોઈ કસર બાકી નહોતી રાખી.
તેમણે ડ્રમ સહિતના વાજિંત્રો મોટા અવાજે વગાડ્યા હતા, ફટાકડા ફોડ્યા હતા અને વાહનોના હૉર્ન સતત વગાડ્યા હતા. એટલું જ નહીં, મોટા અવાજે ગીતો ગાઈને પણ તેમણે ઇક્વેડૉરને પરેશાન કર્યા હતા. આ રીતે તેમણે સવારે પોતાના દેશ સામે મૅચ રમનાર ખેલાડીઓ સામે સાયકોલૉજિકલ વેપન અજમાવ્યું હતું.
Mexican fans brought drums, fireworks, and car horns outside Ecuador's team hotel to keep the players from sleeping 🤣🇲🇽🎺
— Bleacher Report (@BleacherReport) June 30, 2026
(Via @zaritzisosa, @ECZ23) pic.twitter.com/XsQQ1h0IN5
ઇક્વેડૉરના ફૂટબૉલ ફેડરેશને આ ઘટના સંબંધમાં ફિફા સમક્ષ સત્તાવાર ફરિયાદ કરી હતી. ફેડરેશનનું કહેવું હતું કે `ઇક્વેડૉરના ખેલાડીઓ રાતે સૂઈ નહોતા શક્યા એટલે પછીના દિવસે ભારે થાકને કારણે તેમના પર્ફોર્મન્સ પર વિપરીત અસર થઈ હતી. આ ગેરવર્તન રમતના સિદ્ધાંતોની વિરુદ્ધમાં કહેવાય. ફૂટબૉલ જગતમાં સમાનતા અને એકતા હોવી જોઈએ એવું બધા કહેતા હોય છે, પણ આવી ઘટના અવ્યવયારું કહેવાય.