માયામી: વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર અને ડીફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિના શનિવારે સવારે ફિફા વર્લ્ડ કપના સૌથી નાના દેશ સામે સૌથી મોટા કહેવાય એવા અપસેટથી માંડ માંડ બચ્યું હતું. મેસી અને તેના સાથીઓએ જિંદગીમાં ક્યારેય કોઈ નાના દેશ સામે આવો સંઘર્ષ નહીં કરવો પડ્યો હોય. જોકે મેસીએ આ અત્યંત રોમાંચક મુકાબલામાં કેટલાક નવા વિક્રમો પણ પોતાના નામે કર્યા હતા.
આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પહેલી જ વખત રમી રહેલા કેપ વર્ડે (કાબૉ વર્ડે) સામેની
આ નૉકઆઉટ મૅચમાં ભારે રસાકસી અને અનેક ઉતાર-ચઢાવ વચ્ચે મહામહેનતે 3-2થી વિજય મેળવ્યો હતો.
El GOLAZO de CABO VERDE desde la grada.
— (fan) REAL MADRID FANS 🤍 (@AdriRM33) July 3, 2026
JAJAJAJAJAJA EL DIBU pic.twitter.com/r4LgMcgnBi
કેપ વર્ડે જેવી ટચૂકડી ટીમે મેસીને ખૂબ હંફાવ્યો
આફ્રિકા ખંડમાં 10 નાનકડા ટાપુઓથી બનેલા કેપ વર્ડે દેશની ફૂટબૉલ ટીમ અને એનો ગોલકીપર વૉઝિન્યા એટલી બધી પાક્કી તૈયારી સાથે આવ્યા હતા કે તેમણે કોઈ પણ પ્રકારના માનસિક દબાણમાં આવ્યા વિના મેસી અને તેના ખેલાડીઓને ખૂબ દોડાવ્યા હતા અને શરૂઆતથી છેક સુધી હંફાવી દીધા હતા.
આર્જેન્ટિના વર્લ્ડ નંબર-વન, કેપ વર્ડેની રેન્ક 67
પહેલો જ વર્લ્ડ કપ રમી રહેલા આ ટચૂકડા દેશ કેપ વર્ડેની વસ્તી માંડ 5,25,000 લાખ છે જે મુંબઈના કોઈપણ ઉપનગરની વસ્તી કરતાં પણ ઓછી કહેવાય. આ યાદગાર મુકાબલો વર્લ્ડ નંબર વન આર્જેન્ટિનાએ જીતી લીધો, પરંતુ 67મી રેન્કના કેપ વર્ડેના ખેલાડીઓએ કરોડો ફૂટબૉલપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.
વિક્રમજનક છઠ્ઠો વર્લ્ડ કપ (World Cup) તથા રેકોર્ડ-બ્રેક 30મી વર્લ્ડ કપ મૅચ રમી રહેલા અને આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં વ્યક્તિગત રીતે હાઈએસ્ટ 19 ગોલ કરી ચૂકેલા લિયોનેલ મેસીને મૅચની 29મી મિનિટ સુધી 20મો ગોલ નહોતો કરવા મળ્યો. 29મી મિનિટમાં મેસી (Messi)એ વિક્રમજનક 20મો ગોલ પોતાના નામે કર્યો હતો. ત્યાર પછી મેસી અને તેની ટીમનો ખરો સંઘર્ષ શરૂ થયો હતો.
લીગ રાઉન્ડમાં સ્પેન, ઉરુગ્વે અને સઉદી અરેબિયાને ટક્કર આપનાર કેપ વર્ડે (Cape Verde)ના ગોલકીપર અને ટીમના ખેલાડીઓ મૅચમાં ક્યારેય પણ લાંબા સમય સુધી આર્જેન્ટિનાના દબાણને વશ નહોતા થયા. તેઓ 2022ના વર્લ્ડ ચેમ્પિયનને જોરદાર ટક્કર આપીને છેલ્લે માથું ઊંચું રાખીને હાર્યા હતા.
59મી મિનિટમાં મેસીને મળ્યો જવાબ
સેકન્ડ હાફમાં 59મી મિનિટમાં કેપ વર્ડેના ડેરૉય ડુઆર્ટે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. મેસી અને આર્જેન્ટિનાને આ હતો વર્લ્ડ કપના નવા દેશ કેપ વર્ડેનો વળતો જવાબ.
આર્જેન્ટિનાને 92મી મિનિટમાં લિસેન્ડ્રો માર્ટિનેઝે બીજો ગોલ અપાવીને 2-1ની સરસાઈમાં લાવી દીધું હતું. એ તબક્કે આર્જેન્ટિનાની 2-1થી જીત નિશ્ચિત જણાતી હતી. જોકે મુખ્ય મૅચની 90 મિનિટ બાદ એક્સ્ટ્રા ટાઈમમાં (103મી મિનિટમાં) કેપ વર્ડેના સિદની કૅબ્રાલના ગોલથી સ્કોર 2-2થી લેવલ થઈ ગયો હતો અને મૅચમાં રોમાંચનો નવો તબક્કો શરૂ થયો હતો. છેક 111મી મિનિટમાં આર્જેન્ટિનાના ક્રિશ્ચયન રૉમેરોના હેડરમાં બૉલ કેપ વર્ડેના ડિની બોર્જીસને જરાક સ્પર્શી ગયા બાદ ગોલપોસ્ટમાં ગયો હતો અને એ ઑન ગોલ નિર્ણાયક બન્યો હતો. આર્જેન્ટિનાએ સામે ચાલીને મળેલા એ ત્રીજા ગોલની મદદથી 3-2ના માર્જિન સાથે વિજય મેળવ્યો હતો.
આર્જેન્ટિના રમશે ઇજિપ્ત સામે, કોલમ્બિયા પણ જીત્યું
આર્જેન્ટિના હવે 16 દેશ વચ્ચેના પ્રી ક્વોર્ટર રાઉન્ડમાં ઇજિપ્ત સામે રમશે. ઇજિપ્તે ઑસ્ટ્રેલિયાને નૉકઆઉટમાં 1-1ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી દીધું હતું. અન્ય એક નૉકઆઉટ રાઉન્ડની મૅચમાં કોલમ્બિયાએ ઘાનાને 1-0થી પરાજિત કર્યું હતું.