અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઈ છે. હાલ કેરીનો પાક તૈયાર થવા આવ્યો છે ત્યારે જ ત્રાટકેલો કમોસમી વરસાદ કેરીના ખેડૂતોને રાતા પાણીએ રડાવી શકે છે. જોકે કમોસમી વરસાદ, અનિશ્ચિત હવામાન અને 'તાઉતે' જેવા મોટા વાવાઝોડા જેવા આબોહવાકીય પડકારો છતાં, ફળોનો રાજા કેરી માત્ર ટકી જ નથી રહ્યો પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેનો વિસ્તાર વધી રહ્યો છે. ગુજરાત બાગાયત વિભાગના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કેરીના વાવેતર વિસ્તારમાં આશરે 10,000 હેક્ટરનો વધારો થયો છે અને ઉત્પાદનમાં 1 લાખ મેટ્રિક ટનથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
એક સમયે જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા પરંપરાગત વિસ્તારો પૂરતી સીમિત કેરીની ખેતી હવે સૌરાષ્ટ્રના લગભગ તમામ તાલુકાઓમાં ફેલાઈ ગઈ છે. જોકે ખેડૂતો સોનપરી અને પુસા અરુણિમા જેવી કેટલીક પ્રાયોગિક હાઈબ્રિડ જાતો અને નવાબી કાળની દૂધ પેંડો અને બેગમ પસંદ જેવી જાતો પણ ઉગાડે છે, પરંતુ આ વિસ્તરણમાં મુખ્ય હિસ્સો કેસર કેરીનો છે.

ઉત્પાદનમાં જંગી વધારો
વર્ષ 2020-21માં કેસરનું વાવેતર આશરે 35,000 હેક્ટરમાં હતું, જેમાં 1.89 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. 2024-25 સુધીમાં, વાવેતર વિસ્તાર વધીને 44,000 હેક્ટરથી વધુ થયો હતું, જેનાથી ઉત્પાદન 3.15 લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું હતું. નિષ્ણાતો કેસર કેરીની સફળતાનો શ્રેય તેના સ્વાદ, સામાન્ય રોગો સામેની કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં વસતા ગુજરાતીઓ વચ્ચેની તેની ભારે નિકાસ માંગને આપે છે.
નવા વિસ્તારોમાં વધી રહી છે આંબાવાડીઓ
રોકાણની બદલાતી પેટર્ને પણ આમાં ભૂમિકા ભજવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણી શ્રીમંત વ્યક્તિઓ ખેતીની જમીનમાં, ખાસ કરીને ગીર વિસ્તારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે અને કેરીની ખેતી પસંદ કરી રહ્યા છે. એક ખેડૂતે જણાવ્યું કે, આ લોકો નફા માટે નહીં પણ શોખ તરીકે આંબા ઉગાડે છે. તેઓ એવા બગીચા ઈચ્છે છે જ્યાં તેઓ પરિવાર સાથે આરામ કરી શકે અને ફળો પોતાના મિત્રવર્તુળમાં વહેંચી શકે.
સૂત્રોએ જણાવ્યું કે કેસર કેરીના નવા વિસ્તારો ઉભરી રહ્યા છે. યુવાન ખેડૂતો પ્રયોગો કરી રહ્યા છે. રાણાવાવ (પોરબંદર), ભાણવડ અને કલ્યાણપુર (દેવભૂમિ દ્વારકા), ઉપલેટા (રાજકોટ) અને અમરેલી જિલ્લાના જેસર વચ્ચેના પહાડી વિસ્તારોમાં કેસરના નવા કેન્દ્રો વિકસ્યા છે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, મોરબી અને જામનગર જેવા જિલ્લાઓ પણ કેસરની ખેતી અપનાવી રહ્યા છે.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, યુવાન ખેડૂતો પરંપરાગત પાકો છોડીને બાગાયત તરફ વળી રહ્યા છે. કેસર કેરી તેમની પ્રથમ પસંદગી છે કારણ કે તે એક રોકડિયો પાક છે અને શરૂઆતના બે-ત્રણ વર્ષ પછી તેમાં બહુ ઓછી સંભાળની જરૂર પડે છે. જ્યારે ઘણી ખેતપેદાશોમાં સારા ભાવ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, ત્યારે કેરી શહેરી બજારમાં સારા ભાવની ખાતરી આપે છે અને નિકાસની પણ મોટી સંભાવનાઓ છે, જે ખેડૂતોને ડોલરમાં કમાવવાની તક આપે છે.

સૌરાષ્ટ્રની કેસર કેરી હવે ગીરના ડુંગરાઓમાંથી બહાર નીકળીને સમગ્ર પંથકને સુગંધિત કરી રહી છે, જે આગામી સમયમાં ગુજરાતના કૃષિ અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
કયા વર્ષે કેટલું થયું ઉત્પાદન
વર્ષ હેકટર ઉત્પાદન (મેટ્રિક ટન)
2020-21: 35,033 1,89,492
2021-22: 36,106 2,01,595
2022-23: 40,231 2,68,315
2023-24: 42,193 2,82,019
2024-25: 44,233 3,15,538
આ જિલ્લામાં કેરીનું થાય છે વાવેતર
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર