Fri Apr 24 2026

Logo

કેદારનાથમાં શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત, હેલિકોપ્ટર સેવા માટે પણ લેવામાં આવ્યાં રૂપિયા

2026-04-24 11:30:00
Author: Vimal Prajapati
Article Image

મૃતદેહને કેદારનાથથી ગૌરીકુડ લઈ જવા હેલિકોપ્ટર માટે 65 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો

રુદ્રપ્રયાગઃ હિંદુઓ માટે ચારધામની યાત્રા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જઈ રહ્યાં છે. આ દરમિયાન કેદારનાથ દર્શન કરવા માટે ગયેલા એક ગુજરાતીનું મોત થયું છે. બુધવારે હાર્ટ એટેકના કારણે એક વૃદ્ધ શ્રદ્ધાળુનું નિધન થયું હતું. આ દરમિયાન દુઃખની વાત એ છે કે, આ પરિવારને પોતાના સ્વજનના મૃતદેહને ગૌરીકુંડ લઈ જવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે, કેદારનાથથી ગૌરીકુંડ માત્ર 10 મિનિટની દૂરી પર જ છે. તેમ છતાં પણ કલાકો સુધી રાહ જોવી પડી હતી. 

હેલિકોપ્ટર માટે 65 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો

મૃતકના પરિવારે દાવો કર્યો કે, મૃતદેહને લઈ જવા માટે 5 કલાક સુધી રાહ જોવી પડી હતી એટલું જ નહીં પરંતુ હેલિકોપ્ટર માટે 65 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. ઉત્તરાખંડ સરકારની આ ખૂબ જ મોટી નાકામી છે, એક મૃતદેહને 10 મિનિટના રસ્તે લઈ જવા માટે પણ ખર્ચ કરવો પડ્યો! શું સરકાર તેમન સહાય ના કરી શકે? લાખોની સંખ્યમાં ભક્તો અહીં આવી રહ્યાં છે તો પછી કેમ આવી કોઈ સુવિધા રાખવામાં નથી આવી? અત્યારે ઉત્તરાખંડ સરકાર પર અનેક સવાલો થઈ રહ્યાં છે.

69 વર્ષીય દિલીપભાઈ પરિવાર સાથે કેદારનાથ ગયા હતા

વિગતે વાત કરવામાં આવે તો, વડોદરાથી 69 વર્ષીય દિલીપ ભાઈ માળી પોતાના દીકરા હેમંત અને અન્ય બે પરિજનો સાથે કેદારનાથના દર્શન કરવા માટે પહોંચ્યાં હતાં. જો કે, તેઓ બાબા કેદારનાથના દર્શન કરવા માટે પહોંચ્યે તે પહેલા જ ત્યાં વ્હાઈટ હાઉસ ક્ષેત્રમાં તેઓ અચાનક બેભાન થઈ ગયાં એટલા માટે તેમને કેદારનાથ પ્રાથમિક સારવાર કેન્દ્ર પર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં ડૉક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં હતાં. પરિવારે મદદ માટે ખૂબ જ આજીજી કરી હતી તેમ છતાં પણ કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું. સવારે મોત થયું અને હેલિકોપ્ટર છેક 1 વાગ્યે મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેના માટે તેને 65 હજાર રૂપિયા પણ આપવા પડ્યા હતાં. 

યાત્રાધામના નોડલ અધિકારીએ શું કહ્યું?

કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવવામાં થયેલા વિલંબ અંગે યાત્રાધામના નોડલ અધિકારી અને ઉખીમઠના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અનિલ સિંહ રાવતે જણાવ્યું કે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા ફરજિયાત સલામતી નિરીક્ષણ પ્રોટોકોલને કારણે તે સમયે હેલિકોપ્ટર સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.