સંજય છેલ
સિનેમા મારા માટે માત્ર બિઝનેસ નથી, એ તો મારું જીવન છે.
ઝફર પનાહીના આ શબ્દો ઇરાની ફિલ્મોની સચ્ચાઇ કહી દે છે. આજે 2026માં છેલ્લા દોઢેક મહિનાથી ઇરાન સામે ઇઝરાયલ-અમેરિકાના અકળ યુદ્ધમાં આખું જગત લપેટાયું છે ત્યારે સરમુખત્યાર ઇરાનના સિનેમા જગતની વાત ના કરીએ તો ક્યારે કરીશું?
ઇરાનના ઘૂટનભર્યા તાનાશાહ શાસનમાં ઝફર પનાહી જેવા વિદ્રોહી ફિલ્મકાર માને છે કે એ ફિલ્મો એટલા માટે બનાવે છે, કારણ કે પોતાની અને પોતાના સમાજની સાચી હકીકત કહેવા માટે એની પાસે સિનેમા સિવાય કોઈ વિકલ્પ જ નથી. ઇરાની શાસક ખોમૈનીના અનેક અત્યાચારો સહી ચૂકેલ ઝફર માને છે કે જો એને ફિલ્મો બનાવતા રોકવામાં આવશે, તો કોઈપણ રીતે જુગાડ કરીને પોતાની વાત કહેશે જ, કારણ કે કેમેરો જ એમને આઝાદીનો અહેસાસ કરાવે છે.
‘વર્લ્ડ સિનેમા’માં ઇરાની ફિલ્મોનું નામ બહુ આદરથી લેવાય છે. ત્યાં ફિલ્મો માત્ર મનોરંજન માટે નથી બનતી, પણ એ ક્રૂર શાસક અને રૂઢિચુસ્ત સમાજનું અસલી દર્પણ છે. જોકે, ઇરાનમાં રહીને જ ઇરાની ધાર્મિક કાનૂન ખિલાફ ફિલ્મો બનાવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ત્યાંની સિસ્ટમ કલાકારો પર બહુ કડક નજર રાખે છે. સ્ક્રિપ્ટથી લઈને શૂટિંગ અને રિલીઝ સુધી દરેક વાત પર સરકારનો કંટ્રોલ હોય છે.
ખાસ કરીને સ્ત્રીઓના ડ્રેસિંગ ને વર્તન બાબતે તો એટલા વિચિત્ર નિયમો છે કે મોડર્ન અને વાસ્તવિક ફિલ્મ બનાવવી અશક્ય છે,પણ આવાં દબાણો વચ્ચે ઝફર પનાહી જેવા અમુક વીરલા નિડર સર્જકો ફિલ્મો બનાવતા રહે છે. કોઈ દેખાડો કે બૂમબરાડા વિના સાવ શાંતિથી ફિલ્મો દ્વારા એક મોટો બળવો કરતા રહે છે.
ઝફરની કરિયરની શરૂઆત એક નાની બાળકીની જીદની વાર્તાથી થઈ હતી, જેમાં આખા સમાજની લાચારી દેખાતી હતી. જ્યારે ઝફરે સ્ત્રીઓના હક ને તેમની મર્યાદાઓ પર ફિલ્મો બનાવી, ત્યારે ઇરાન સરકારે પ્રતિબંધ મૂકી દીધો. ઇરાનમાં અભિનેત્રીઓ માટે જીવવું દુષ્કર છે. હિજાબના નિયમો ન પાળવા બદ્દલ ગંભીર સજા અપાય છે. ઘણા કલાકારોને તો માત્ર પોતાના વિચારો વ્યક્ત કરવા બદલ જાહેરમાં માફી માગવી પડી છે તો કેટલાકે તો કાયમ માટે દેશ છોડીને ભાગવું પડ્યું છે.
નિર્માતા દિગ્દર્શકોની ફિલ્મો જપ્ત કરવામાં આવે છે. પાસપોર્ટ ઝૂંટવી લેવામાં આવે છે ને ઘણીવાર તો જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં પણ આવે છે.. એવામાં ઝુઝારુ કે જિદ્દી ઝફર પનાહી હંમેશાં લોકોના હક માટે બોલતા રહ્યા અને સિસ્ટમની ભૂલો કાઢે રાખે છે ને પરિણામે જેલમાં જવું પડ્યું ને ફિલ્મો બનાવવા પર પ્રતિબંધ પણ સહેવો પડ્યો. ઝફરને દેશ છોડવા મજબૂર કરવામાં આવ્યા, છતાં વતન પ્રત્યેના પ્રેમને કારણે તે હમણાં યુદ્ધનાં માહોલમાં પણ ખતરો વેઠીને પાછા ફર્યા. આ ઘરવાપસી એક કલાકારનો નિર્ણય નહોતો, પણ વતનની માટી પ્રત્યેની વફાદારી હતી.
ઝફરે જેલમાં જે સહન કર્યું, એ અનુભવો પરથી એણે જબરદસ્ત ફિલ્મ બનાવી : ‘ઈટ વોઝ જસ્ટ એન એક્સિડેંટ’. આ ફિલ્મ સરકારની નજર ચૂકવીને શૂટ કરવામાં આવી અને વિદેશમાં ફિલ્મ ફેસ્ટિવલ્સ સુધી માંડ માંડ પહોંચાડી. આ ફિલ્મને કાન ફેસ્ટિવલમાં સર્વોચ્ચ એવોર્ડ મળ્યો ને જે 2026માં ઓસ્કાર એવોર્ડ માટે પણ નોમિનેટ થઈ હતી. આ ફિલ્મે દુનિયાભરમાંથી 24 જેટલા એવોર્ડ્સ જીત્યા. એ ફિલ્મમાં અમુક લોકોને જેલમાં બહુ ટોર્ચર કરવામાં આવેલા એના બદલાની વાત છે.
એ બધાં લોકો એવા એક ઓફિસરને કિડનેપ કરે છે જેણે તેમની પર અત્યાચાર કરેલો, પણ કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે કોઈએ એ ઓફિસરનો ચહેરો જોયો નથી, કારણ કે જેલમાં તેમની આંખો પર હંમેશાં પટ્ટી બાંધવામાં આવતી. આ આખી વાત એક અન્યાય ભોગવી ચૂકેલ મિકેનિકથી શરૂ થાય છે. એક રાત્રે પેલો ઓફિસર પોતાની ગાડી રિપેર કરાવવા એ મિકેનિકના ગેરેજમાં આવે છે. મિકેનિક, પેલાની ચાલવાની સ્ટાઈલ પરથી ઓળખી લે છે, કારણ કે ઓફિસરનો એક પગ આર્ટિફિશિયલ છે ને ચાલમાં લથડાય છે.
મિકેનિક તેને પકડી તો પાડે છે પણ જ્યારે ઓફિસર ખુદ નિર્દોષ હોવાનું રટણ કરે છે ત્યારે મિકેનિક જરા ગૂંચવાય છે. મેકેનિક બદલો લેવા માગે છે, પણ નિર્દોષને સજા આપવા નથી માગતો એટલે એ ઓફિસરને એવી 4 વ્યક્તિ પાસે લઈ જાય છે, જેમણે પણ જેલની યાતનાઓ વેઠી હતી. એ ચારમાં બે પુરુષ અને બે સ્ત્રી છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ઓફિસરને ઓળખવાનો પ્રયત્ન કરે છે: કોઈ તેના અવાજથી, કોઈ તેની ગંધથી, તો કોઈ તેના શરીર પરના નિશાન પરથી. આમાં અલગ જ લેવલનું ટેન્શન જન્મે છે.
એવામાં ઓફિસરના ફોન પર એની દીકરીનો કોલ આવે છે, જે રડતા અવાજે કહે છે કે મમ્મીની તબિયત બહુ સિરિયસ છે ને ઘરે આવવા વિનંતી કરે છે... બસ, આ એક જ ક્ષણે આખી વાર્તા પલટાઈ જાય છે. જે લોકો નફરતથી ભરેલા હતા, તેમનું દિલ આ માનવીય લાચારી જોઈને પીગળી જાય છે. એ લોકો ઓફિસરને છોડી તો દે છે, પણ સાથે તેની વાઈફને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં મદદ પણ કરે છે.
છેલ્લે, ઓફિસર સ્વીકારી લે છે કે એ પોતે એ જ વ્યક્તિ છે જેણે આ લોકો પર જુલમ કર્યો હતો! જોકે એ જેલ અધિકારીનું લોજિક એ છે કે એ માત્ર ઉપરથી મળેલા ઓડર્સ ફોલો કરતો હતો તો સવાલ એ છે કે સિસ્ટમનો ભાગ બનેલો માણસ પોતે પણ એક રીતે સિસ્ટમનો શિકાર હોય છે? અંતે બધા એને માફ કરી દે છે.
આ ફિલ્મમાં ઝફર પનાહીએ સ્ત્રીઓને મોડર્ન લુકમાં, ટૂંકા વાળ અને વેસ્ટર્ન કપડામાં બતાવીને એક મૂંગો વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મના લોકેશન રૂપે વેરાન જગ્યાઓ પસંદ કરી છે ને શહેરનાં દૃશ્યોને સંતાઈને છૂપા કેમેરાથી શૂટ કર્યા! આ દર્શાવે છે કે એક કલાકારે તાનાશાહીમાં સત્ય ઉજાગર કરવા માટે કેટલું રિસ્ક લેવું પડે છે.
પનાહીની જેમ બીજા ઈરાની ફિલ્મમેકરો પણ આવો જ સંઘર્ષ કરી રહ્યા છે, પણ ઇરાની સિનેમાની એક મોટી ટ્રેજેડી છે કે આવી ફિલ્મો ઇરાનના લોકો જોઈ શકતા નથી. છતાં પનાહી જેવા સર્જકો હાર માન્યા વગર જગતભરમાં ઇરાની સિનેમા દેખાડે છે. આ એક સાયલન્ટ રિવોલ્યુશન છે, જ્યાં દરેક દૃશ્યમાં હિંમત અને માનવતાના દર્શન થાય છે. ઝફર પનાહી આ હિંમતનું સૌથી મોટું ઉદાહરણ છે. તે દુનિયાને બતાવે છે કે અસલી કલા ક્યારેય ગુલામ નથી હોતી અને સત્ય ગમે તે રસ્તે બહાર આવી જ જાય છે.
આમ ઇરાની સિનેમા એ દરેક માણસની આઝાદી ને ગરિમાની લડાઈ છે જે પનાહી જેવા ક્રાંતિકારી સર્જકોને લીધે આજે પણ દુનિયાભરમાં ગાજે છે. મંત્ર છે : ‘સરકાર કે લોકશાહી ભલે નબળી પડે, પણ કલાકારની કલમ અને કેમેરો ક્યારેય નબળા પડવા ન જોઈએ.’
ઇરાનના બદલાતા સામાજિક માળખામાં ઝફર પનાહીનું સ્થાન હંમેશાં અડીખમ રહેશે, કારણ કે તે માત્ર ફિલ્મો નથી બનાવતા, તે તો જીવંત ઇતિહાસ લખે છે.