નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં વધતી જતી અસ્થિરતા અને ઈઝરાયલ-ઈરાન વચ્ચેના વધતા તણાવને પગલે વૈશ્વિક સ્તરે ચિંતાની લહેર છે. આ સ્થિતિ વચ્ચે ભારત અને ઈઝરાયલના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગહન ચર્ચાઓનો દોર શરૂ થયો છે. ઈઝરાયલના વડાપ્રધાન અને વિદેશ મંત્રી ભારત સરકારને તેમના સૈન્ય અભિયાનો અને વર્તમાન પરિસ્થિતિથી સતત માહિતગાર કરી રહ્યા છે. આ બેઠકોનો મુખ્ય હેતુ પ્રદેશમાં શાંતિ સ્થાપવા અને આર્થિક હિતોનું રક્ષણ કરવાનો છે.
ભારતમાં ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે આ વાતચીત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાન જે રીતે પરમાણુ શસ્ત્રો અને હજારો મિસાઈલોનું નિર્માણ કરી રહ્યું છે, તે સમગ્ર પશ્ચિમ એશિયાની સ્થિરતા માટે ખતરારૂપ છે. જો આ ખતરો દૂર કરવામાં નહીં આવે તો ખાડી દેશોમાં વસતા અંદાજે 1 કરોડ ભારતીયોનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત, ભારત અને ઈઝરાયલ વચ્ચેની જે મોટી કનેક્ટિવિટી અને રોકાણની યોજનાઓ છે, તેને પણ આ યુદ્ધને કારણે મોટું નુકસાન થઈ શકે તેમ છે.
રાજદૂત અઝારના મતે, ઈરાનના વર્તમાન વલણમાં ફેરફાર લાવવો અત્યંત જરૂરી છે. ભારત હાલમાં અનેક દેશો સાથે વેપારી કરાર કરી રહ્યું છે અને જો મધ્ય-પૂર્વમાં શાંતિ હશે તો જ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે માલસામાનની અવરજવર વધશે. ઈઝરાયલનું માનવું છે કે ઈરાન જેવી શક્તિઓના જોખમ સામે લડવું માત્ર ઈઝરાયલ જ નહીં પરંતુ ભારતના આર્થિક વિકાસ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પણ અનિવાર્ય છે.
બીજી તરફ, ઈરાને પણ મક્કમતા બતાવતા મોટું એલાન કર્યું છે. ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સંપૂર્ણ વિજય હાંસલ નહીં થાય ત્યાં સુધી તેમની સશસ્ત્ર સેનાઓ લડાઈ ચાલુ રાખશે. મેજર જનરલ અલી અબ્દુલ્લાહી અલીબાદીએ જણાવ્યું કે ઈરાનની સેના દેશની અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને કોઈપણ પડકાર સામે પીછેહઠ કરવામાં આવશે નહીં. આ નિવેદનને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની ગંભીરતા વધુ વધી ગઈ છે.