Sat Apr 18 2026

Logo

રેવ પાર્ટી અને સાપનું ઝેર: અમદાવાદના નવરંગપુરામાં વાઈલ્ડલાઈફ રેડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

2026-03-03 10:00:00
Author: Mayurkumar Patel
Article Image

સાપ કરડાવીને નશો કરાવતા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કનો ખુલાસો થયો.  

અમદાવાદઃ બે દિવસ પહેલા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતા દુર્લભ પ્રાણી-પક્ષીઓનાં ગેરકાયદે બ્રીડિંગ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. મળેલા પુરાવાઓ પરથી આ કેસ અત્યંત ગંભીર બની શકે છે તેમાં મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી શકે છે.

તપાસકર્તાઓના કહેવા મુજબ, જે  10 x 12ના જે રૂમમાંથી 50 જેટલી વિદેશી પ્રજાતિના પ્રાણીઓને બચાવવામાં આવ્યા હતા, તેની પાછળ વિદેશી સાપ મંગાવવા, તેમનું ઝેર કાઢવું અને તેને રેવ પાર્ટીઓમાં પહોંચાડવાનું ગેરકાયદેસર નેટવર્ક ચાલતું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઝેર અમદાવાદ, ગાંધીનગર અને તેની આસપાસની રેવ પાર્ટીઓમાં સપ્લાય કરવામાં આવતું હોવાની આશંકા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નશા માટે વપરાતા સાપ જેવા જીવોના ઝેરના એક ડોઝની કિંમત રૂ. 50 હજાર જેટલી ઊંચી હોય છે.  નશાખોરો સાપના ઝેરનો ઉપયોગ વિવિધ રીતે કરે છે — તેઓ નાના સાપ પાસે જાતે બચકા ભરાવે છે, ઝેરના ટીપાં ગળી જાય છે અથવા તેને લોહીમાં ઇન્જેક્ટ કરે છે.

 રેડ દરમિયાન ખાલી નામ જ સાંભળ્યા હોય અને લગભગ જોયા જ ન હોય તેવા પ્રાણી-પક્ષીઓ એપાર્ટમેન્ટમાં મળી આવ્યા હતા. જેમાં  બેબી રેડ-હેન્ડેડ ટેમરિન (વાંદરો), આફ્રિકન ગ્રે પેરોટ્સ, બ્લુ-એન્ડ-ગોલ્ડ મકાઉ, પર્સિયન બિલાડીઓ, નાના-મોટા હેમસ્ટર, મિની લોપ, નેધરલેન્ડ ડ્વાર્ફ સસલાં,ગાલાકોકાટુ, સલ્ફર ક્રેસ્ટેડ કોકાટુમળી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ સાપ મંગાવી તેનું ઝેર કાઢવામાં સામેલ હોવાના વિશ્વસનીય પુરાવા મળ્યા છે. આ કન્સાઇનમેન્ટ કસ્ટમ્સ ચેનલો દ્વારા આવ્યા હતા કે કેમ અને તેમાં કોઈની મિલીભગત હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ નેટવર્ક ચેન્નાઈ મારફતે અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાની શક્યતા છે. બેંક રેકોર્ડ્સ અને કોલ ડેટાની તપાસ ચાલી રહી છે.

અન્ય એજન્સીઓની સંડોવણી

સાપના ઝેરનો નશા તરીકે ઉપયોગ જીવલેણ હોવા છતાં ભારતમાં આવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. આ કેસમાં હવે કસ્ટમ્સ વિભાગ આયાત-નિકાસના માર્ગોની તપાસ કરી રહ્યો છે, વન વિભાગ પરિવેશ પોર્ટલ પરના દસ્તાવેજો ચકાસી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર વધી રહેલી દાણચોરી, ગાંજા તથા ડ્રગ્સની હેરાફરી વધતાં ડિપાર્ટમેન્ટની વોચ વધારવામાં આવી હતી. જેના કારણે વિદેશથી અત્યંત ઝેરી અને દુર્લભ પ્રજાતિના 16 સાપ લઈને કેરિયર અમદાવાદના બદલે મુંબઈ લેન્ડ થયો હતો. જોકે કસ્ટમ્સની ટીમે તેને ઝડપી લીધો હતો. તપાસમાં આ ઝેરી સાપોની હેરાફેરીનું આંતરરાષ્ટ્રીય રેકેટ સામે આવ્યું હતું.

ગુજરાતમાં થઈ હતી સાપના ઝેરની ઈ-હરાજી

દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી છે. આ સર્પ સંશોધન કેન્દ્રએ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓ—ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર—ના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપમાં) ઝેરની ઈ-હરાજી કરી હતી. આ હરાજીમાં લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો હતો. આ સંસ્થામાં રાખવામાં અને સાચવવામાં આવેલા ઝેરી સાપોમાંથી કાઢેલા ઝેરની ગુણવત્તા એટલી સારી હતી કે, આ ઝેર માટે ધાર્યા કરતા પણ ઉંચી કિંમત મળી હતી.

સર્પ સંશોધન કેન્દ્રનાં એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, “ઈન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 40,000ની બેઝ પ્રાઇસ (આધાર કિંમત) નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમને પ્રતિ ગ્રામ રૂ.  44,000 મળ્યા. સૉ-સ્કેલ્ડ વાયપરના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 50,000ની આધાર કિંમત સામે રૂ. 56,500 મળ્યા. અન્ય પ્રજાતિઓ માટે પણ સારો પ્રતિસાદ મળ્યો અને ઉંચી કિંમત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

હાલમાં, અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે. સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી જે એન્ટિવેનમ બનાવશે તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટિવેનમ પુરું પાડશે.

વધુમાં સરકારે જણાવ્યું હતું કે સર્પ સંશોધન કેન્દ્રને આગામી સમયમાં વિશ્વ કક્ષાનું બનાવવા માટેની યોજના ઘડાઇ ચૂકી છે. વલસાડ કલેક્ટર દ્વારા આ સંસ્થાનું કાયમી કેમ્પસ બનાવવા અને તેને સંબધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે 2.25 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ સંસ્થાને વર્લ્ડ-ક્લાસ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે રૂ.11.68 કરોડનો પ્રસ્તાવ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. 

દેશમાં એન્ટિવેનમ બનાવવા માટે સાપમાંથી ઝેર કાઢવાની પ્રવૃતિ હાલ તમિલનાડુ સ્થિત ઈરુળા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી લિ. કરે છે. ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર હવે આ કામ કરતી દેશની બીજી સંસ્થા બની છે