રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા માટે અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત.
નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને ટ્રેનમાં રિઝર્વેશનનની ટિકિટ મળવાની મુશ્કેલીઓ પડે છે, જ્યારે અમુક સ્ટેશનમાં પ્રવાસીઓને સ્ટેશનના પરિસરમાંથી અવરજવર કરવામાં હાલાકી પડતી હોય છે, તેમાંય ખાસ કરીને વેકેશન અથવા કોઈ પ્રસંગને કારણે પ્રવાસીઓની સાથે પ્રશાસનને પણ મુશ્કેલી પડે છે, પરંતુ હવે રેલવે પ્રશાસન દ્વારા દેશના 76 મોટા સ્ટેશન પર પ્રવાસીઓની ભીડને ઘટાડવા માટે આધુનિક સુવિધાવાળા સ્પેશિયલ હોલ્ડિંગ એરિયા બનાવવાની જાહેરાત કરી છે.
આ હોલ્ડિંગ એરિયામાં પ્રવાસીઓ ટ્રેનના આવવાની રાહ જોઈ શકશે, જ્યાં પીવાના પાણી, શૌચાલય, ટિકિટની સુવિધા સહિત ડિસ્પ્લે અને સુરક્ષા એજન્સી મારફત તપાસની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.
હોલ્ડિંગ એરિયામાં શું હશે સુવિધા?
રાજ્યસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન ખાતે એક મોડલ હોલ્ડિંગ એરિયાની શરુઆત કરવામાં આવી છે, જેનાથી ભીડમાં ઘટાડો થયો હોવાનું જોવા મળે છે. આ એરિયામાં એડિશનલ ટિકિટ કાઉન્ટર, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક ટ્રેન ઈન્ફર્મેશન બોર્ડનો સમાવેશ થાય છે.
પ્રવાસીઓની સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવા માટે હોલ્ડિંગ એરિયામાં સીસીટીવીથી દેખરેખ રાખવાની સાથે સામાનના ચેકિંગ માટે સ્કેનર્સ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર્સ, અવિરત વીજ પ્રવાહ, લાઈટિંગ, હાઈ સ્પીડ પંખા અને આગના નિયંત્રણ માટેની સિસ્ટમ સાથે મહિલા-પુરુષો માટે અલગ શૌચાલય રાખવામાં આવશે.
કન્ફર્મ ટિકિટથી ડાયરેક્ટ પ્લેટફોર્મમાં એન્ટ્રી
પ્લેટફોર્મ પર છોડનારા લોકોની ભીડ વધારે થતી હોય છે, તેથી સ્પેશિયલ હોલ્ડિંગ એરિયામાં એવી વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં જે પ્રવાસીઓની કન્ફર્મ ટિકિટ હશે તેમને પ્લેટફોર્મમાં ડાયરેક્ટ એન્ટ્રી મળશે. એના સિવાય જે કોઈ પ્રવાસીઓની પાસે કન્ફર્મ ટિકિટ હશે નહીં અને વેઈટિંગ ટિકિટ હશે તેમને બહાર રાખવામાં આવેલા હોલ્ડિંગ એરિયા સુધી રોકવામાં આવશે, જ્યારે જ્યાં સુધી પ્લેટફોર્મ પર જગ્યા ખાલી થયા પછી આગળ લઈ જવામાં આવશે.
રેલવે સ્ટેશનના પરિસરની કામગીરી સુચારું બનાવવા માટે મોટા સ્ટેશનના પરિસરમાં વોર રુમ પણ બનાવામાં આવી રહ્યા છે, જ્યાં તમામ વિભાગના અધિકારીઓને અંદરોઅંદર યોગ્ય તાલમેલ રાખીને કામ કરાવવામાં આવશે. ઉપરાંત, તેમને આધુનિક સાધાન સામગ્રી જેમ કે વોકી ટોકી અને એનાઉન્સમેન્ટ સિસ્ટમની પણ મદદ મળશે.
તમામ મહત્ત્વના સ્ટેશનના હશે સ્ટેશન ડાયરેક્ટર
આ યોજના માટે કર્મચારીઓ અને અધિકારીઓની સુરક્ષા માટે ક્યુઆર બેઝ્ડ આઈડી કાર્ડ જારી કરવામાં આવશે એની સાથે ઓળખ માટે નવા યુનિફોર્મ પણ આપવામાં આવશે. મહત્ત્વનો ફેરફાર કરતા તમામ મહત્ત્વના સ્ટેશન પર સ્ટેશન ડાયરેક્ટરના હોદ્દાને પણ અપગ્રેડ કરવામાં આવશે, જ્યાં તેમને નાણાકીય અધિકાર આપવાની સાથે મહત્ત્વના વિભાગ સાથે ડાયરેક્ટ રિપોર્ટ કરી શકશે. સ્ટેશન ડાયરેક્ટરને સ્ટેશનની ક્ષમતા અને ઉપલબ્ધ રેલ સેવાના આધારે ટિકિટના વેચાણને રેગ્યુલેટ કરવાનો પણ હક અપાશે.