નવી દિલ્હીઃ વર્તમાન વર્ષ 2026-27ની રવી માર્કેટિંગ મોસમમાં સરકારે 3.03 કરોડ ટન ઘઉંની પ્રાપ્તિનો લક્ષ્યાંક મૂક્યો હોવાનું એક અધિકૃત યાદીમાં જણાવાયું છે.
નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડિપાર્ટમેન્ટ ઑફ ફૂડ ઍન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન (ડીએફપીડી)નાં સચિવના વડપણ હેઠળ વિવિધ રાજ્યોના અનાજ ખાતાના સચિવની બેઠકમાં પ્રાપ્તિનો આ લક્ષ્યાંક નિર્ધારત કરવામાં આવ્યો હતો. સામાન્યપણે ઘઉંની પ્રાપ્તિ એપ્રિલથી જૂન મહિના દરમિયાન થતી હોય છે, જ્યારે અન્ય પાકની પ્રાપ્તિ માર્ચ સુધી થતી હોય છે.
વર્ષ 2025-26ની રવી ડાંગરની પ્રાપ્તિ 76 લાખ ટનના સ્તરે અને બાજરી સહિતના જાડા અથવા તો કડ ધાન્યની 7.79 લાખ ટનની પ્રાપ્તિ રાજ્યો દ્વારા કરવામાં આવી છે. એકંદરે આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર વધીને 3.341 કરોડ હેક્ટર રહ્યો હતો. તેમ જ હવામાન પણ અનુકૂળ રહેતાં ઉત્પાદન ગત સાલના 11.794 કરોડ ટનના વિક્રમ આંકને વટાવીને 12 કરોડ ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વધુમાં ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા પાસે આગામી પહેલી એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક આવશ્યકતા પૂરતો પર્યાપ્ત 1.82 કરોડ ટન ઘઉંનો સ્ટોક રહેવાનો અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં ભારતે ઘઉં અને ઘઉંની બનાવટો પર ચાર વર્ષથી મૂકેલો નિકાસ પ્રતિબંધ દૂર કર્યો હતો અને 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ઘઉંની બનાવટોના શિપમેન્ટને મંજૂરી આપી હતી.
મધ્ય પ્રદેશ સરકારની ઘઉંની પ્રાપ્તિમાં ક્વિન્ટલે રૂ. 40ના બોનસની જાહેરાત
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગત શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યના ખેડૂતોને ઘઉંના લઘુતમ ટેકાના ભાવ ઉપરાંત બોનસ પેટે ક્વિન્ટલે રૂ. 40ની ચુકવણી કરવામાં આવશે.
નોંધનીય બાબત એ છે કે કેન્દ્ર સરકારે ઘઉંના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલે રૂ. 2585 નિર્ધારિત કર્યા હોવાથી રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત બોનસ પેટે ક્વિન્ટલે રૂ. 40 સાથે કુલ રૂ. 2625ની ચુકવણી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વર્ષ 2026ને ખેડૂત કલ્યાણ વર્ષ તરીકે ઉજવી રહી છે અને સરકાર સતત ખેડૂતના હિતાર્થમાં પગલાં લઈ રહી છે.
વધુમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ઘઉંની સરકારી પ્રાપ્તિ માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ જે સાતમી માર્ચ હતી તે હવે 10મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ખેડૂતોને રાત્રે સિંચાઈ માટે તકલીફ થતી હોવાથી સરકાર ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવાની કોશિશ કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.