આવનારી પેઢી આપણને માફ નહીં કરે: વારસામાં 'હીટ ઈમરજન્સી' આપવા માટે!
એક સમયે જે ભારત દેશ 'સુજલામ સુફલામ' ગણાતો હતો, તે આજે 'હીટ આઇલેન્ડ' બની રહ્યો છે. જ્યારે સમાજ અને રાજકારણ ગૌણ મુદ્દાઓમાં વ્યસ્ત હોય, ત્યારે પર્યાવરણ જેવું પાયાનું સંકટ આપણી પાયમાલીનું કારણ બની શકે છે. ભારત એક એવો દેશ હતો જેની સંસ્કૃતિ પશુપાલન, પ્રકૃતિ પૂજા અને ખેતી પર નભતી હતી.

નદીઓને 'માતા' અને વૃક્ષોને 'દેવ' ગણનારો આ દેશ આજે એક એવો ભારત દેશ આજે વળાંક પર ઉભો છે જ્યાં વિકાસની આંધળી દોટમાં પર્યાવરણને ભૂલીને, તેની દરકાર ન લઈને આપણે આપણું જ નુકસાન કરી રહ્યા છીએ. એપ્રિલ 2026ના આંકડા પર નજર કરીએ તો વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 95 શહેરો ભારતનાં હોવા એ કોઈ સિદ્ધિ નથી, પણ આપણા અસ્તિત્વ સામેની ખતરાની ઘંટડી સમાન છે.
જોવાની વાત તો એ છે કે દરેક મુદ્દે અપડેટેડ, જાગરૂક રહેનારા આપણે પર્યાવરણ જેવા મહત્ત્વના મુદ્દે જ ઉદાસીનતા દાખવી રહ્યા છે. આ ઉદાસીનતાના ગંભીર પરિણામો આપણને ભવિષ્યમાં ભોગવવાનો વારો આવી શકે છે.

ખેતીપ્રધાન દેશ હોવા છતાં, સતત વધતી જતી ગરમીને કારણે રવી પાક બળી રહ્યો છે. જો આ જ સ્થિતિ રહી તો 2023 સુધીમાં અનાજની અછત સર્જાશે. ખેતી સિવાય ભૂગર્ભમાં પાણીનું સ્તર પણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. જળાશયો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. આગામી સમયમાં જો યુદ્ધો થશે તો તે જમીન માટે નહીં પણ પાણીના એક ટીપા માટે હશે. હીટ સ્ટ્રોક અને બીમારીઓને કારણે લોકોની કામ કરવાની ક્ષમતા ઘટશે, અને એની સીધી અસર દેશના જીડીપી પર જોવા પડશે.

આપણે ગગનચૂંબી ઈમારતો, ડામરના રસ્તા અને મેટ્રોના નેટવર્કને વિકાસ માની લીધો છે. પરંતુ આ વિકાસના નામે લાખો વૃક્ષોનો ભોગ લોવાઈ રહ્યો છે, 'ગ્રીન કવર' સતત ઘટી રહ્યું છે. સિમેન્ટના જંગલો સૂર્યની ગરમીને શોષીને શહેરોને ભઠ્ઠી બનાવી રહ્યા છે. આપણે એ ભૂલી રહ્યા છીએ કે જે એસી રૂમમાં બેસીને આપણે ઠંડક અનુભવીએ છીએ, એ જ એસી બહારના પર્યાવરણને વધુ ઝેરી અને ગરમ બનાવી રહ્યું છે.
જો આપણે હજુ પણ નહીં જાગીએ, તો આપણી આવનારી પેઢી પાસે વારસામાં માત્ર ગરમ હવા અને સૂકી ધરતી જ બચશે. આપણે એક જાગરૂક નાગરિક તરીકે રાજકીય પક્ષો પાસે 'ગ્રીન મેનિફેસ્ટો' માંગવો પડશે. ભાષાવાદ, જાતિવાદ અને પ્રાંતવાદના ચશ્મા ઉતારીને 'પર્યાવરણવાદ'ને અપનાવવો પડશે.

આજના ભારતનો સૌથી મોટો વિરોધાભાસ તો એ છે કે આપણે પ્રાંતવાદ, ભાષાવાદ અને હિંદુ-મુસ્લિમ જેવા જાતિવાદના વિવાદોમાં શક્તિ વેડફી રહ્યા છીએ. સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર આ વિષયો પર કલાકો સુધી ચર્ચા થાય છે, પરંતુ જે પર્યાવરણ આપણને શ્વાસ લેવા હવા અને પીવા પાણી આપે છે, તેના વિશે કોઈ સરકારી તંત્ર કે એનજીઓ (NGO) ગંભીરતાથી વાત કરવા તૈયાર નથી કે ન તો કોઈ પાસે કોઈ પણ પ્રકારનો એન્વાર્યન્મેટ મેનિફેસ્ટો છે. એક જાગરૂક નાગરિક તરીકે આપણે પણ આ દિશામાં કામ કરવાનો સમય આવી ગયો છે. એક વાત આપણે બધાએ યાદ રાખવી પડશે કે જો પર્યાવરણ જ નહીં રહે, તો કોઈ પ્રાંત કે કોઈ જાતિ પણ નહીં રહે. પ્રકૃતિ જ્યારે વેર વાળવા પર ઉતરે છે ત્યારે તે ધર્મ કે ભાષા જોતી નથી.
ભારતના 95 શહેરોનું વિશ્વના સૌથી ગરમ શહેરોમાં હોવું એ શરમજનક છે. આ પ્રકૃતિની છેલ્લી ચેતવણી છે. વિકાસ જરૂરી છે, પણ તે પ્રકૃતિના ભોગે ન હોવો જોઈએ. ચાલો, ભાષા અને જ્ઞાતિના વાડાઓમાંથી બહાર આવીએ અને આપણી ધરતીને બચાવવા માટે એક થઈએ. કારણ કે, જો શ્વાસ લેવા હવા જ નહીં હોય, તો આપણે કઈ ભાષામાં સંવાદ કરીશું?
બચવા માટેની 'ઉપાય યોજના'
1: આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે આપણે માત્ર વાતો નહીં, પણ યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. ચાલો જોઈએ શું છે આ ઉપાયો....
2: મિયાવાકી જંગલો: દરેક શહેરમાં મિયાવાકી પદ્ધતિથી નાના-નાના ગીચ જંગલો ઉભા કરવા જોઈએ. આ પદ્ધતિથી તાપમાનમાં 2°C થી 5°Cનો ઘટાડો થઈ શકે છે.
3: પર્યાવરણ મેનિફેસ્ટો: જનતાએ રાજકીય પક્ષો પાસે પર્યાવરણ લક્ષી કામોનો હિસાબ માંગવો જોઈએ. 'ગ્રીન વોટિંગ'ની શરૂઆત કરવી પડશે.
4: રેઈન વોટર હાર્વેસ્ટિંગ: વરસાદી પાણીના સંગ્રહને કાયદેસર રીતે ફરજિયાત બનાવવો જોઈએ.
5: ગ્રીન આર્કિટેક્ચર: ઈમારતોના બાંધકામમાં એવા મટીરિયલનો ઉપયોગ કરવો જે ગરમીનું શોષણ ઓછું કરે.
અંતમાં ભારતના 95 શહેરોમાં ગરમીનો રેકોર્ડ એ ગૌરવની વાત નથી, પણ ખતરાની ઘંટડી છે. પ્રકૃતિ આપણને છેલ્લી તક આપી રહી છે. જો આપણે ભાષા, જ્ઞાતિ અને વિદેશી યુદ્ધોમાં જ અટવાયેલા રહીશું, તો આવનારી પેઢી પાસે રમવા માટે કોઈ મેદાન કે શ્વાસ લેવા માટે શુદ્ધ હવા પણ નહીં બચે...