Tue Apr 21 2026

Logo

એઆઈની અસરો વિશે લેકન સાચો પડે તો સારું

2026-04-21 08:13:00
Author: Bharat Bharadwaj
Article Image

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના કારણે ભવિષ્યમાં નોકરીઓ પર કેવી અસર પડશે એ વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં મોટા ભાગે એવો સૂર નિકળે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) મોટા પાયે વ્હાઈટ કોલર જોબ એટલે કે ઓફિસમાં બેસીને કરાતાં કામોને લગતી નોકરીઓ ખાઈ જશે અને લોકો મોટી સંખ્યામાં બેરોજગાર થશે. તેના કારણે ભારત સહિતના દેશોમાં ફફડાટ પણ છે ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરના બે ખેરખાંઓ આ મુદ્દે સામસામે આવી જતાં ગૂંચવાડો સર્જાઈ ગયો છે. આ ખેરખાંઓમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)સેક્ટરની મોટી કંપની મનાતી એન્થ્રોપિક્સના સીઈઓ ડારિયો એમેઈડો છે અને બીજા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરના ગોડફાધર્સ પૈકીના એક યાન લેકન છે.

ડારિયો એમેઈડોએ હમણાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં કોમેન્ટ કરેલી કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના કારણે ભવિષ્યમાં નોકરીઓ પર વિપરિત અસર થશે અને ટેકનોલોજી, લો, ક્ધસલ્ટિંગ, ફાયનાન્સ વગેરે સેક્ટરમાં એન્ટ્રી લેવલની 50 ટકાથી વધુ નોકરીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના ખપ્પરમાં સ્વાહા થઈ જશે. ડારિયોના કહેવા પ્રમાણે લગભગ એક વર્ષમાં તો આ અસર વર્તાવાની શરૂઆત થઈ જશે અને પાંચ વર્ષ સુધીમાં તો 50 ટકા નોકરીઓનો ભોગ લેવાઈ ગયો હશે. યાન લેકને ડારિયોને સાવ ખોટો ગણાવીને તેની વાત પર ભરોસો નહીં કરવા કહ્યું છે. લેકનનું કહેવું છે કે, ડારિયોને એઆઈ જેવી  ટેકનોલોજીકલ ક્રાંતિની રોજગારી પરની અસરો વિશે કંઈ જ ખબર નથી અને એ ઠોકાઠોક કરી રહ્યો છે.

લેકનનું કહેવું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની વર્ક કલ્ચર કે રોજગારી પર શું અસર પડશે એ વિશે ટેકનોલોજી સેક્ટરનો કોઈ પણ માણસ ગમે તે કહે તો પણ ભરોસો ના કરતા. ડારિયો જ નહીં પણ હું. સોમ એલ્ટમેન, યોશુઆ બેંગિયો કે જ્યોફરી હિન્ટન પણ કંઈ પણ કહે તો તેમની વાત ના માનતા પણ વરસોથી અર્થતંત્રનો અભ્યાસ કરી રહેલા અર્થશાસ્ત્રીઓની વાત માનજો. લેકનના કહેવા પ્રમાણે તો  અમારા જેવા ટેકનોલોજીના જાણકાર લોકોના બદલે પરિવર્તનોની અર્થતંત્ર અને રોજગારી પર પડનારી અસરોના અભ્યાસમાં પોતાની આખી જિંદગી ખર્ચી નાખનારા ફિલિપ એગિઓન, એરિક બ્રાયનોલ્ફસન, ડેરોન એસેમોગ્લુ, એન્ડ્રુ મેકાફી કે ડેવિડ ઓટોર જેવા દિગ્ગજ અર્થશાસ્ત્રી આ અંગે અભિપ્રાય આપવા માટે વધારે લાયક છે અને આ સવાલ તેમને જ પૂછવો જોઈએ.

લેકને જે નામ ગણાવ્યાં એ બધા ટેકનોલોજીના ખાં છે અને એઆઈમાં તેમના નામના ડંકા વાગે છે. સોમ એલ્ટમેન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરની સૌથી મોટી કંપની ઓપનએઆઈનો સીઈઓ છે જ્યારે યોશુઆ બેંગિયો અને જ્યોફરી હિન્ટન વિશ્વમાં યોશુઆ બેંગિયો કે જ્યોફરી હિન્ટનના પ્રણેતા મનાય છે. યાન લેકન, યોશુઆ બેંગિયો  અને જ્યોફરી હિન્ટનની ત્રિપુટીને ગોડફાધર્સ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ((એઆઇ) ગણવામાં આવે છે. યોન લેકન મેટાના ભૂતપૂર્વ ચીફ એઆઈ સાયન્ટિસ્ટ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)માં  સૌથી પ્રતિષ્ઠિત સંશોધકોમાંના એક મનાય છે.

યોશુઆ બેંગિયો કેનેડિયન વિજ્ઞાની છે અને મોન્ટ્રીયલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને એઆઈ રિચર્સમાં તેમનું મોટું નામ છે. જ્યોફરી હિન્ટન નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાની છે અને આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક્સ ક્ષેત્રે તેમના રિચર્સના કારણે ગોડફાધર ઓફ એઆઈ કહેવામાં આવે છે. ડેરિયો ઓપનએઆઈમાં હતો અને ઓપનએઆઈ છોડ્યા પછી એન્થ્રોપિકની સ્થાપના કરી હતી. એન્થ્રોપિક્સ એઆઈ સિક્યુરિટી કંપની છે અને વિશ્વમાં સૌથી વધુ ફંડ ધરાવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરના વિકાસમાં આ બધાંનું યોગદાન બહુ મોટું છે તેથી સ્વાભાવિક રીતે જ તેમના અભિપ્રાયને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે પણ લેકને એક મહત્ત્વનો મુદ્દો ઊભો કરી દીધો છે કે, આ ટેક ઝારના અભિપ્રાયોને ખરેખર ગંભીરતાથી લેવા જોઈએ ખરા ?

યોન લેકનની વાત ઘણાંને કહેતા ભી દીવાના ઓર સુનતા બી દીવાના જેવી લાગશે કેમ કે દુનિયામાં કોઈ પણ સેક્ટરમાં સફળતા મેળવનારને મોટો ગણી લેવામાં આવે છે. એ વ્યક્તિ પોતાને લાગતું વળગતું ના હોય એવા ક્ષેત્રની વાત કરે તો પણ તેની વાતને સાચી જ માની લેવાની માનસિકતા છે. ખબર પડતી હોય કે ના હોય પણ મોટો માણસ કહે એ વાત સાચી માનવાની માનસિકતા આખી દુનિયામાં છે.

આપણે ત્યાં આ માનસિકતા વધારે છે. આપણા નેતાઓને ખબર પડે કે ના પડે પણ દરેક મુદ્દે ઝીંકાઝીંક કરવાની ટેવ છે ને લોકો પણ ઘેટાંના ટોળાની જેમ તેની લાયકાત છે કે નહીં એ સમજ્યા વિના ડોકાં ધુણાવ્યા જ કરતાં હોય છે. ખેર, તેની વાત ક્યારેક કરીશું પણ અત્યારે લેકનની વાત કરીએ.  લેકને આ માનસિકતા સાચી નથી એ વાત તરફ આપણું ધ્યાન દોર્યું છે ને લેકનની વાત સો ટકા સાચી છે. ટેક ઝાર જે વાત કરે છે તેનો કોઈ આધાર નથી ને કોઈ ડેટા નથી એ જોતાં તેમની વાતને સાચી નહીં માનવા માટે નક્કર કારણ છે જ.  

યોન લેકનની વાતને ભૂતકાળના અનુભવોને આધારે પણ મૂલવવા જેવી છે. આપણે બહુ દૂરની વાત ના કરીએ ને છેલ્લા ચાર-પાંચ દાયકાની જ વાત કરીએ તો આ ગાળામાં જ કમ સે કમ બે શોધોના કારણે દુનિયામાં રોજગારી ખતમ થઈ જશે અને મશીનો માણસ પર ચડી બેસશે એવી આગાહીઓ થતી જ હતી પણ એ આગાહીઓ ધરાર ખોટી જ ના પડી પણ જે નકારાત્મક અસરોની વાતો થતી હતી એવું કશું બન્યું નહીં. પહેલી શોધ કોમ્પ્યુટરની હતી અને બીજી શોધ રોબોટની હતી.

ભારત સહિતના વિકાસશીલ દેશોમાં કોમ્પ્યુટર છેક 1980ના દાયકાના અંતમાં આવ્યાં પણ અમેરિકા સહિતના વિકસિત દેશોમાં 1970ના દાયકામાં કોમ્પ્યુટર આવી ગયેલાં. એ વખતે એવી આગાહીઓ થતી કે, કોમ્પ્યુટર્સ બધી નોકરીઓ ખાઈ જશે ને લોકો બેકાર થઈ જશે પણ આગાહી સાચી ના પડી. કોમ્પ્યુટર્સના કારણે કામ સરળ થયાં તેથી કેટલીક નોકરીઓ ગઈ પણ સામે કોઈએ કલ્પના પણ નહોતી કરી એટલી બધી રોજગારીની નવી તકો પણ ઊભી થઈ ગઈ. ચાર દાયકા પહેલાં અસ્તિત્વમાં નહોતાં એવાં આઈટી સહિતનાં ક્ષેત્રો આજે કરોડો લોકોને નોકરી આપે છે ને કોમ્પ્યુટરના આગમન વખતે ઊભો કરાયેલો હાઉ સાવ ખોટો સાબિત થયો છે.

1980ના દાયકામાં રોબોટ આવ્યા ત્યારે પણ એવું કહેવાતું કે, હવે હોસ્પિટલોથી માંડીને ફેક્ટરીઓ સુધી બધે રોબોટ જ કામ કરશે અને માણસોની જરૂર પણ નહીં પડે. આ આગાહી કેટલી સાચી પડી એ સૌ જાણે છે. રોબોટ છવાઈ ના ગયા કેમ કે એ બધાંને પરવડે એવી ટેકનોલોજી નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના સેક્ટરમાં પણ એવું બની શકે છે કેમ કે એઆઈ પણ બહુ મોંઘી ટેકનોલોજી તો છે જ. આ કારણે એઆઈ બધું બનાવી દે તો પણ તેને અપનાવાય જ એવું ના પણ બને. આશા રાખીએ કે, એવું ના થાય કેમ કે એઆઈ સર્વવ્યાપી બનશે તે તેનો સૌથી વધારે ફટકો ભારત જેવા મોટી સંખ્યામાં મેન પાવર ધરાવતા દેશને પડશે, બલકે થોડા ઘણા અંશે પડવા જ માંડ્યો છે.