Sat Apr 18 2026

Logo

અમદાવાદ-ગાંધીનગરની કેટલી હોટલને દારૂની પરમિટ મળી? જાણો સરકારે કેટલી કરી કમાણી

2026-02-25 16:12:56
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતના ગમે તે ખૂણામાં માંગો તે બ્રાન્ડનો દારૂ છૂટથી મળે છે. ગુજરાત વિધાનસભામાં આજે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હોટેલને દારૂ પરવાના આપવા અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે  25-01-2026ની સ્થિતિએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કેટલી હોટેલમાં દારૂ વેચવાના પરવાના આપેલા છે અને દારૂના વેચાણથી છેલ્લા બે વર્ષમાં સરકારને કેટલી આવક થઈ?

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં 32 હોટેલોમાં દારૂ વેચવાના પરવાના આપેલા છે અને તેનાથી સરકારને 116.39 કરોડ રૂપિયાની આવક થઈ છે. તાજેતરમાં જ ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમિટનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે 20-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલમાં હેલ્થ લિકર પરમીટની કેટલી ભલામણો આવી, તેમાંથી કેટલી ભલામણો મંજૂર કરવામાં આવી અને કેટલી ભલામણો નામંજૂર કરવામાં આવી?

કેટલા લોકોએ લિકર પરમિટની કરી અરજી

તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, 21-01-2024થી 20-01-2025 સુધી 292 નવી અરજી, રિન્યુ માટેની 292 અરજી મળી કુલ 3259 અરજી મળી હતી. જ્યારે 21-01-2025થી 20-01-2026માં 956 નવી અરજી, રિન્યુ માટેની 2955 અરજી મળી કુલ 3911 અરજી મળી હતી. બે વર્ષમાં 1248 નવી અરજી અને 5922 રિન્યુ માટે મળી કુલ 7170 અરજી મળી હતી. એક વર્ષમાં લિકર પરમીટ માટે અરજીકર્તાની સંખ્યામાં 300 ટકાથી વધુનો વધારો થયો હતો.

કેટલી અરજી થઈ મંજૂર

જે પૈકી 21-01-2024થી 20-01-2025 સુધીમાં 278 નવી અરજી, 2952 રિન્યુ અરજી મળી કુલ 3230 અરજી મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 21-01-2025થી 20-01-2026 સુધીમાં 883 નવી અરજી, 2932 રિન્યુ અરજી મળી કુલ 3815 અરજી મંજૂર કરવામાં આવી હતી. 

બે વર્ષમાં કુલ 1161 નવી, 5884 રિન્યુ અરજી મળી કુલ 7045 અરજી મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત 21-01-2024થી 20-01-25માં 29 અરજી નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે 21-01-2025થી 20-01-26 સુધીમાં એક પણ અરજી નામંજૂર કરવામાં આવી નહોતી. બે વર્ષમાં કુલ 29 અરજી નકારવામાં આવી હતી.