Wed Jul 29 2026

Logo

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ: દુબઈમાં ફસાયેલા સેલેબ્સ વચ્ચે હની સિંહે આપ્યું મોટું અપડેટ

Dubai   2026-03-05 22:03:13
Author: Mumbai Samachar Team
Article Image

અબુધાબી: ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. ઈરાન દ્વારા ખાડીના વિવિધ શહેરોમાં કરવામાં આવેલા વળતા પ્રહારને કારણે હવાઈ મુસાફરી પર માઠી અસર પડી છે. આ અચાનક ઉભી થયેલી કટોકટીમાં સામાન્ય પ્રવાસીઓની સાથે બોલીવુડના અનેક સિતારાઓ પણ દુબઈ અને અબુધાબી જેવા શહેરોમાં અટવાઈ પડ્યા હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇના મોતના સમાચાર બાદ આ તણાવ     ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે ભારત પરત ફરતી ફ્લાઈટ્સ રદ થતા સેલેબ્સના પરિવારોમાં ચિંતા પ્રસરી છે.

આ ભયાનક વાતાવરણ વચ્ચે પ્રખ્યાત રેપર યો યો હની સિંહે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને આશ્વાસન આપ્યું છે. હની સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક રેસ્ટોરન્ટમાં નિરાંતે ભોજનનો આનંદ લેતો જોવા મળે છે. તેણે લખ્યું કે, "દુબઈમાં બધું જ શાંત છે અને અમે સુરક્ષિત છીએ. મૂર્ખામીભરી અફવાઓ પર વિશ્વાસ ન કરો." હની સિંહે અત્યારે દુબઈમાં પોતાની ટેકનિકલ ટીમ સાથે મ્યુઝિક રેકોર્ડિંગમાં વ્યસ્ત છે અને તેણે કામ ચાલુ હોવાની પુષ્ટિ કરી છે.

મલાઈકા અરોરાની માતા પણ ફસાઈ

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાની માતા જોયસ અરોરા પણ આ સંઘર્ષના કારણે દુબઈમાં અટવાઈ ગયા છે. તેઓ પોતાની બહેનનો જન્મદિવસ ઉજવવા ગયા હતા, પરંતુ ૩ માર્ચની તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ હતી. જોયસ અરોરાએ જણાવ્યું કે તેમણે આકાશમાં મિસાઈલ ઇન્ટરસેપ્શન (મિસાઈલને હવામાં જ તોડી પાડવી) જોયું હતું, જે દ્રશ્ય ડરામણું હતું પરંતુ સુરક્ષા વ્યવસ્થા જોઈને તેમને આશ્વાસન પણ મળ્યું હતું. તેઓ સતત તેમની દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે સંપર્કમાં છે.

ઈશા ગુપ્તા અને સોનલ ચૌહાણની ઘર વાપસી

બીજી તરફ, અભિનેત્રી ઈશા ગુપ્તા અને સોનલ ચૌહાણ જેઓ અબુ ધાબીમાં ફસાયા હતા, તેઓ સુરક્ષિત રીતે ભારત પરત ફરી ચૂક્યા છે. ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરતા લખ્યું કે, "ઘરે પરત ફરીને હાશકારો થયો છે. અમે જે પરિસ્થિતિનો સામનો કર્યો તે ખૂબ જ કઠિન હતી." ઉલ્લેખનીય છે કે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ કતાર, કુવૈત અને દુબઈમાં વિસ્ફોટોના અહેવાલોને પગલે એરપોર્ટ્સ અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા, જે હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યા છે.