વાંસદા: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયો હતો. આ વખતે ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ગુજરાતનું સરહદે મહારાષ્ટ્રમાં રહ્યું હતું. નવસારીના વાંસદા પંથકમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 5:27 વાગ્યા આસપાસ અચાનક ધરા ધ્રૂજી ઉઠી હતી. ખાસ કરીને વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં ભૂકંપનો વધુ અનુભવ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાનિના અહેવાલ નથી. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ ભૂકંપના 15 જેટલા આંચકા અનુભવાયા છે.
ગુજરાત તેની ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય માનવામાં આવે છે. ભારત સરકારના માપદંડો મુજબ, ગુજરાત ઝોન ૨ થી ઝોન ૫ એમ ચાર અલગ-અલગ સિસ્મિક ઝોનમાં વહેંચાયેલું છે. સિસ્મિક ઝોન 5ને સૌથી ખતરનાક ઝોન માનવામાં આવે છે. ગુજરાતનો કચ્છ જિલ્લો, ખાસ કરીને ભુજ, અંજાર, રાપર અને ભચાઉ આ ઝોનમાં આવે છે. જામનગર, રાજકોટ, મોરબી, અને સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણના કેટલાક ભાગો તેમજ અમદાવાદ શહેર અને તેની આસપાસનો વિસ્તાર ઝોન ૪ની સરહદ પર ગણાય છે. ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ ગુજરાતમાં માર્ચ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છના પેટાળમાં હલચલ જોવા મળી હતી. એક મહિનામાં ભૂકંપના 15 જેટલા આંચકા અનુભવાયા છે.
ગુજરાતમાં માર્ચ ૨૦૨૬ના મહિના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પટ્ટામાં ભૂકંપના હળવા આંચકાઓ નોંધાયા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ (ISR) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, આ મહિનામાં નોંધપાત્ર પ્રમાણમાં પેટાળમાં હલચલ જોવા મળી છે. જેમાં ૨.૫ થી લઈને ૩.૪ ની તીવ્રતા સુધીના આંચકાઓનો સમાવેશ થાય છે. સૌથી છેલ્લો આંચકો ૩૦ માર્ચના રોજ અમરેલીથી ૪૨ કિમી દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં ૨.૬ની તીવ્રતાનો નોંધાયો હતો, જે જમીનથી ૬.૧ કિમીની ઊંડાઈએ હતો.
વિભાગના આંકડાઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે, આ મહિનામાં સૌરાષ્ટ્રનું અમરેલી ભૂકંપનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. અમરેલી ઉપરાંત રાજકોટ, તળાલા, મહુવા, બોટાદ અને ઉનામાં પણ સમયાંતરે આંચકા અનુભવાયા હતા. કચ્છમાં પણ ભચાઉ અને દૂધઈ પાસે ૩.૩ અને ૩.૪ ની તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા, જે માર્ચ મહિનાના સૌથી વધુ તીવ્રતા ધરાવતા આંચકાઓમાંના એક હતા. દક્ષિણ ગુજરાતના વાંસદા અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ ૨.૫ થી ૨.૭ની તીવ્રતાના આંચકા સાથે પૃથ્વીના પેટાળમાં હલચલ નોંધાઈ હતી.
સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં મોટાભાગના આંચકાઓની ઊંડાઈ ૫ કિમીથી ૨૯.૫ કિમી સુધીની રહી હતી. જોકે, આ તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આ હળવા આંચકાઓએ સ્થાનિક લોકોમાં કુતૂહલ અને ચિંતા જગાવી છે.