Fri May 01 2026

Logo

GMCના ટેક્સ ઓફિસર ઉપેન્દ્ર સુતરીયા 1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

2026-03-21 08:46:00
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં એવા કેટલાક સરકારી અધિકારીઓ છે, જે પોતાનું કામ કરવા માટે પણ લોકો પાસેથી રૂપિયા લેતા હોય છે. આવા અધિકારીઓ સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નર ઉપેન્દ્ર ક્રાંતિલાલ સુતરીયા રૂપિયા એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કેસમાં એસીબીએ ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નર ઉપેન્દ્ર સુતરીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

કાયદેસરની કાર્યવાહી નહીં કરવા બદલ માંગી હતી લાંચ

એસીબી દ્વારા ગઈકાલે 20 માર્ચના રોજ ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નર ઉપેન્દ્ર સુતરીયાના લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હતી. આરોપી ઈન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નર ઉપેન્દ્ર સુરતીયાએ એજન્સીનુ લાયસન્સ રદ નહી કરવા, તેમજ કાયદેસરની કાર્યવાહી નહીં કરવા બદલ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી આ રકમ આપવા ના માંગતો હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. 

શું હતો સમગ્ર મામલો?

ફરિયાદી વાહનોના ઓર્થોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ વેચાણ કરવાનો ધંધો કરે છે. ફરિયાદીએ વાહન વેચાણ કરેલ જેમાં એક ગ્રાહકના મહાનગરપાલિકામાં વાહનના ટેક્ષ ભરવા બાબતે વિસંગતતા ઉભી થતા આ કામના આરોપી દ્વારા ફરિયાદીને ફરિયાદ નહી કરવા તેમજ એજન્સીનુ લાયસન્સ રદ નહીં કરવા, તેમજ કાયદેસરની કાર્યવાહી નહીં કરવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 01,00,000/- ની લાંચની માંગણી કરી હતી. 

ફરિયાદીએ ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો

આરોપી દ્વારા લાંચ માંગવામાં આવી પરંતુ ફરિયાદ લાંચ આપવા ના માંગતો હોવાના કારણે તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકરી તે વખતે જ એસીબીએ રંગે હાથ ધરપકડ કરી લીધી હતી. હવે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.