Sat Apr 18 2026

Logo

અમદાવાદના રેપિડો ચાલકનું બેંક એકાઉન્ટ બન્યું મની લોન્ડરિંગનું હબ, ₹550 કરોડના ખેલમાં ડ્રાઈવર મોટું મહોરું નીકળ્યો!

2026-03-04 10:56:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં બે વર્ષથી ચાલી રહેલા ક્રિકેટ સટ્ટાબેટિંગ અને શેરબજારના ખેલમાંથી થયેલી  ₹550 કરોડની આવકના હવાલા અને વિવિધ બેંકમાં થયેલી એન્ટ્રીઓના રેકેટમાં મોટો ખુલાસો થયો છે.  મહિને માંડ ₹10,000 થી ₹12,000 કમાતો એક 28 વર્ષીય રેપિડો બાઇક ડ્રાઈવર ₹550 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવ્યો છે. ઈડીએ  આક્ષેપ કર્યો છે કે તેના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીની કમાણી ફેરવવા અને શેરબજારના ભાવમાં હેરાફેરી કરવા માટે કરવામાં આવ્યો હતો.

EDએ મંગળવારે ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચમાં આ મની લોન્ડરિંગ નેટવર્ક અંગે FIR નોંધવા માટે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. જે એક સામાન્ય નાણાકીય તપાસ તરીકે શરૂ થઈ હતી તે હવે ગુજરાતની સૌથી જટિલ મની ટ્રેલ તપાસમાં ફેરવાઈ ગઈ છે, જેમાં બોગસ કંપનીઓ, ભાડે લીધેલી ઓળખ અને ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી સાથે જોડાયેલા શેરના ભાવમાં હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

તપાસના કેન્દ્રમાં પ્રદીપ ઓડ નામનો રેપિડો રાઈડર છે, જેના પાન (PAN) અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને 'મેસર્સ પ્રદીપ એન્ટરપ્રાઈઝ' નામની પેઢી અને બેંક ખાતાઓ અન્ય લોકો દ્વારા ચલાવવામાં આવતા હતા. પ્રદીપે તેના નિવેદનમાં જણાવ્યું કે તેને દરેક ખાતા દીઠ ₹25,000 અને ચેકબુક પર સહી કરવા માટે ₹400 આપવામાં આવતા હતા. તેના ખાતામાંથી થતા વ્યવહારો પર તેનો કોઈ અંકુશ નહોતો.

EDના મતે, પ્રદીપ એન્ટરપ્રાઈઝ, કમલેશ ટ્રેડિંગ અને રોનક ટ્રેડર્સ નામની ત્રણ પેઢીઓ ખોટા દસ્તાવેજોના આધારે વર્ષ 2024માં શરૂ કરવામાં આવી હતી. માત્ર એક જ વર્ષમાં આ ખાતાઓમાં ₹550 કરોડના વ્યવહારો થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ નાણાંનો ઉપયોગ પેની સ્ટોક્સના ભાવ કૃત્રિમ રીતે વધારવા અને વ્યક્તિગત ખર્ચાઓ પૂરા કરવા માટે થતો હતો. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કિરણ પરમાર ઉર્ફે લાલા હોવાનું મનાય છે.

તપાસમાં બહાર આવ્યું છે કે ફંડનો મોટો હિસ્સો મુરાએ ઓર્ગેનાઈઝર લિમિટેડ, પ્રધિન લિમિટેડ અને ભરત ગ્લોબલ ડેવલપર્સ જેવી લિસ્ટેડ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એક કિસ્સામાં તો શેરના ભાવમાં એક જ વર્ષમાં 10,000 ટકાનો ઉછાળો આવતા સેબીએ ટ્રેડિંગ સ્થગિત કરી દીધું હતું. અધિકારીઓ માને છે કે શેરના ભાવ અને ટર્નઓવર વધારવા માટે શંકાસ્પદ એન્ટ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ તપાસમાં આર્થિક રીતે નબળા લોકોને  એકાઉન્ટ મ્યુલ તરીકે ભરતી કરવાનું મોટું નેટવર્ક ખુલ્યું છે. થોડા હજાર રૂપિયાની લાલચમાં લોકો પોતાના દસ્તાવેજો, સિમ કાર્ડ અને ચેકબુક આપી દે છે. તેમના નામે શેલ કંપનીઓ નોંધવામાં આવે છે અને ખોટા સરનામાં દર્શાવવામાં આવે છે. એકવાર ખાતું સક્રિય થઈ જાય પછી, તેમાં કરોડોના વ્યવહારો કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, જેમના નામે પેઢી હોય છે તેમને વ્યવહારોના પ્રકાર કે તેના સ્કેલ વિશે કોઈ જાણકારી હોતી નથી.

ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબેટિંગના રૂપિયા આ ખાતામાં ટ્રાન્સફર થતા હતા. શેરબજારમાં સર્કુલર ટ્રેડિંગ દ્વારા ખોટું વોલ્યુમ કરી ભાવ વધારો કરવામાં આવતો હતો. જેમાં ગાંધીધામના બિઝનેસમેનના લગ્નનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ઈમ્પેક્ટ ગુરુને ડોનેશન અને પેનીસ્ટોક્સમાં હેરાફેરી કરવામાં આવી હતી. ઈડીની ટીમે  ઝીણવટભરી તપાસ કરતાં જુદી જુદી ત્રણ કંપનીમાં અનુક્રમે 80.50 કરોડ, 52.11 કરોડ અને 22.86 કરોડ જમા થયા હતા.