નવી દિલ્હી: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અત્યારે વિવાદમાં ઘેરાયેલા છે. તેમને લઈને ફરી એક ચોંકાવનારો દાવો સામે આવતાં જ દેશના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. કેરળના પૂર્વ મુખ્ય સચિવ જીજી થોમસને એક મીડિયા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, વર્ષ 2016માં, જ્યારે જ્ઞાનેશ કુમાર પોતે એક આઈએએસ અધિકારી તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યારે તેમણે થોમસનને ભાજપની ટિકિટ પર 2019ની લોકસભા ચૂંટણી લડવાની ઓફર આપી હતી. આ નિવેદનને લઈને રાહુલ ગાંધીએ પણ જ્ઞાનેશ કુમાર પર ગંભીર આક્ષેપ કર્યો છે.
2016માં થયેલી મુલાકાતને યાદ કરી થોમસને આપ્યું નિવેદન
કેરળના 1980 બેચના નિવૃત્ત IAS અધિકારી જીજી થોમસનના જણાવ્યા મુજબ, 2016માં દિલ્હી જતી એક ફ્લાઇટ દરમિયાન તેમની મુલાકાત જ્ઞાનેશ કુમાર સાથે થઈ હતી. તે સમયે થોમસન પોતાની નિવૃત્તિની તૈયારીમાં હતા. થોમસને જણાવ્યું કે, ‘જ્યારે જ્ઞાનેશ કુમારે મારી નિવૃત્તિ પછીના પ્લાન વિશે પૂછ્યું, ત્યારે મેં બાળકોના ભવિષ્ય માટે એક પ્રોજેક્ટ શરૂ કરવાની વાત કરી. પરંતુ તેમણે મને કેરળની પઠાનમથિટ્ટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે કહ્યું હતું. આ દરમિયાન થોમસને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
થોમસને આપેલા ચોંકાવનારા નિવેદને રાજકારણ ગરમાવ્યું
વધુમાં થોમસને કહ્યું કે, તેમના પ્રશ્નોના જવાબ આપતી વખતે મેં ઇનકાર કર્યો હતો. જોકે, જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે જો હું ચૂંટણી લડું અને જીતું, તો હું કેન્દ્રીય પ્રધાન બની શકું છું. પરંતુ મેં ચૂંટણી લડવામાં કોઈ રસ ન હોવાનું જણાવીને તેમનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. આ નિવેદનને લઈને અત્યારે રાજકીય વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે. જીજી થોમસનના આ નિવેદનનો આધાર બનાવીને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને CEC જ્ઞાનેશ કુમાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
First, Gyanesh Kumar - then a serving IAS officer - was used to recruit for the BJP.
— Rahul Gandhi (@RahulGandhi) September 26, 2026
Then Modi and Shah made him the umpire and put him in charge of match-fixing India's elections. https://t.co/hvdhEfoVgg
રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમાર પર કેવો આરોપ લગાવ્યો?
એક્સ પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘પહેલાં આઈએએસ અધિકારી તરીકે સેવા આપી રહેલા જ્ઞાનેશ કુમારનો ઉપયોગ ભાજપ માટે ઉમેદવારો રિક્રૂટ કરવા માટે કરવામાં આવ્યો. ત્યારબાદ મોદી અને શાહે તેમને અમ્પાયર બનાવીને ભારતની ચૂંટણીઓમાં 'મેચ ફિક્સિંગ' કરવાની જવાબદારી સોંપી દીધી’. મહત્વપૂર્ણ વાત એ છે, ચૂંટણી પંચ સામે થયેલા સવાલોની વચ્ચે જીજી થોમસન દ્વારા આપવામાં આવેલા નિવેદનના કારણે જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓ વધી શકે છે.