Thu Jul 23 2026

Logo

ઍમ્બપ્પેએ ગોલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, પણ ફ્રાન્સ સામે ઇંગ્લૅન્ડ 6-4થી જીત્યું

Miami   2026-07-19 11:44:00
Author: Ajay Motiwala
Article Image

માયામી: શનિવારે રાત્રે અહીં રમાયેલી ફિફા વર્લ્ડ કપની ત્રીજા-ચોથા સ્થાન માટેની અત્યંત રોમાંચક અને હરીફ ખેલાડીઓ વચ્ચેના અભૂતપૂર્વ ઘર્ષણવાળી મૅચમાં ઇંગ્લૅન્ડે કીલિયાન ઍમ્બપ્પેના રેકૉર્ડ-બ્રેકિંગ પર્ફોર્મન્સ છતાં ફ્રાન્સને 6-4થી હરાવીને બ્રોન્ઝ (Bronze) મેડલ જીતી લીધો હતો. ગોલ્ડ અને સિલ્વર મેડલ માટેની આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની ફાઇનલ આજે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યાથી) રમાશે.

મેસીના 21 સામે ઍમ્બપ્પપેના 22 ગોલ

ફ્રાન્સ (France)ના સુપરસ્ટાર ઍમ્બપ્પેએ વર્લ્ડ કપના ઇતિહાસના સૌથી વધુ 21 ગોલનો લિયોનેલ મેસીનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. ઍમ્બપ્પે હવે કુલ 22 ગોલ સાથે વિશ્વના તમામ ફૂટબૉલ ખેલાડીઓમાં મોખરે છે.

મેસીના આઠ સામે ઍમ્બપ્પેના 10 ગોલ

વર્તમાન વર્લ્ડ કપમાં ઍમ્બપ્પેના નામે હવે કુલ 10 ગોલ છે. તેણે લિયોનેલ મેસીના આઠ ગોલનો વિક્રમ તોડી નાખ્યો છે અને ગોલ્ડન બૂટ અવૉર્ડ માટે અગ્રેસર છે. જોકે મેસીને સ્પેન સામેની ફાઇનલમાં વધુ ગોલ કરીને ઍમ્બપ્પેને ઝાંખો પાડવાનો મોકો મળ્યો એમ કહી શકાય.

ફર્સ્ટ હાફમાં ઇંગ્લૅન્ડ 4-0થી આગળ
 
શનિવારે મૅચના પોણા કલાકના ફર્સ્ટ હાફમાં ઇંગ્લૅન્ડ (England)ના ખેલાડીઓએ ચાર ગોલ કર્યા હતા અને 4-0ની સરસાઈ સાથે હજારો પ્રેક્ષકોના અભિવાદન વચ્ચે ટૂંકા બ્રેક માટે મેદાન પરથી વિદાય લીધી હતી. ચારમાંથી બે ગોલ (37મી અને 45+1મી મિનિટમાં) બુકાયો સાકાએ કર્યા હતા તેમ જ એક-એક ગોલ વાઇસ કેપ્ટન ડેકલેન રાઈસ (ત્રીજી મિનિટમાં) તથા એઝરી કોન્સા (18મી મિનિટમાં)એ કર્યો હતો.

સાકાની હૅટ-ટ્રિક

સેકન્ડ હાફમાં બંને ટીમ એકબીજા સામે વધુ આક્રમક બની હતી અને એમાં ફ્રાન્સે 58થી 96મી મિનિટ વચ્ચે કુલ ચાર ગોલ કર્યા હતા. એ પહેલાં, 87મી મિનિટમાં સાકાએ વધુ એક ગોલ કરીને (ગોલની હૅટ-ટ્રિક સાથે) ઇંગ્લૅન્ડની સરસાઈ વધુ મજબૂત (5-4) કરી હતી. મૅચની છેલ્લી ક્ષણો પહેલાં ફ્રાન્સ 4-5 થી પાછળ હતું ત્યારે 98મી મિનિટમાં જયૂડ બેલિંગમે ગોલ કર્યો હતો અને ઇંગ્લૅન્ડે છેવટે 6-4ના સ્કોર સાથે વિજય મેળવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો હતો.

ફેવરિટ ફ્રાન્સ છેક ચોથે

ફ્રાન્સ વતી ચારમાંથી બે ગોલ ઍમ્બપ્પેએ 48મી અને 66મી મિનિટમાં કર્યા હતા. બાકીના બે ગોલમાંથી એક બ્રેડલી બાર્કોલાએ 54મી મિનિટમાં અને ઔસમેન ડેમ્બેલેએ 96મી મિનિટમાં કર્યો હતો. ફ્રાન્સ આ વખતના વર્લ્ડ કપમાં ટ્રોફી જીતવા માટે ફેવરિટ ગણાતું હતું, પરંતુ હવે ચોથા નંબર પર રહી ગયું.

44 વર્ષની સૌથી મોટી હાઈ સ્કોરિંગ મૅચ

આ વખતની ટૂર્નામેન્ટમાં 6-4ના સ્કોર સાથે એક મૅચમાં સૌથી વધુ કુલ 10 ગોલનો રેકોર્ડ બન્યો છે. વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં આ છઠ્ઠા નંબરની હાઈ સ્કોરિંગ મેચ હતી. 1982ની સાલ પછી એક મેચમાં સૌથી વધુ 10 ગોલનો પણ વિક્રમ રચાયો છે.

વર્લ્ડ કપના ઇતિહાસની ટોચની છ હાઈ સ્કોરિંગ મેચ

(1) ઑસ્ટ્રીયા 7-5 સ્વિટઝરલૅન્ડ (1954)
(2) બ્રાઝિલ 6-5 પોલૅન્ડ (1938)
(3) હંગેરી 8-3 પશ્ચિમ જર્મની (1954)
(4) હંગેરી 10-1 અલ સાલ્વાડોર (1982)
(5) ફ્રાન્સ 7-3 પૅરાગ્વે (1958)
(6) ફ્રાન્સ 4-6 ઇંગ્લૅન્ડ (2026)