(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં ‘ધુરંધર-૨’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની સ્થાનિક રહેવાસીઓએ પોલીસમાં કરેલી ફરિયાદ બાદ તપાસ કરીને પ્રોડકશન હાઉસ સામે આકરા પગલાં લેવાને બદલે એમઆરએ માર્ગ પોલીસે ‘આ બાબતે પાલિકા કાર્યવાહી કરશે’ એવું કહીને પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. તો પાલિકાએ અગાઉ જ પ્રોડકશન હાઉસને મુંબઈમાં વધુ શૂટિંગ માટે મંજૂરી નહીં આપીને તેમને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો અને હવે આ બાબતે પોલીસ વધુ પગલાં લેશે જણાવીને પાલિકા આ મામલામાંથી ખસી રહી હોવાનો દાવો ફરિયાદીએ કર્યો છે.
ફોર્ટ વિસ્તારમાં મોદી લેનમાં પ્રોેડકશન હાઉસને શુટિંગ માટે અગાઉ પાલિકાના ‘એ’ વોર્ડ તરફથી મંજૂરી મળી નહોતી. તેથી તેઓએ બીજા નામ અરજી કરીને એમઆરએ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લઈને ફરી પાલિકા પાસે મંજૂરી લીધી હતી. જોકે તેમને ગૅસ સહિત ફાયર ટોર્ચ, જ્વલનશીલ પર્દાથ વગેરેનો ઉપયોગ નહીં કરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. છતાં તેઓએ મોડી રાતના આ વસ્તુઓનો ઉપયોગ કરતા સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ બાદ શુટિંગ બંધ કરવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા જ્વલનશીલ પર્દાથ જપ્ત કરવામાં આવ્યા હતા.
ફોર્ટના સ્થાનિક રહેવાસી અને સોશિયલ એક્ટિવિસ્ટ સંજય ગુરવે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને પોલીસે મંગળવારે તેમનું સ્ટેટમેન્ટ નોંધીને વધુ કાર્યવાહી માટે પાલિકામાં ફરિયાદ કરવા માટે કહ્યું હતું. આ બાબતે તેમણે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ એમઆરએ પોલીસે મારી ફરિયાદ બાબતે જવાબ નોંધ્યો અને કહ્યું હતું કે પ્રોડકશન હાઉસે ડ્રોન વાપર્યું હતું અને રસ્તા પર શુટિંગના સાધનો મુકીને નાગરિકોને તકલીફ આપી તે બાબતની ફરિયાદ પોલીસે લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે પણ બાકીની ફરિયાદ બાબતે પાલિકા પગલા લેશે. જો વધુ તકલીફ છે તો કોર્ટમાં જાઓ કહીને પોલીસે હાથ ઉપર કરીને દીધા છે. પાલિકાએ તો પહેલા જ કહી દીધું હતું કે તેમણે પ્રોડક્શન હાઉસને મુંબઈમાં વધુ શુટિંગ માટે મંજૂરી નથી આપવાની અને વધુ કાર્યવાહી પોલીસ કરશે. પોલીસ અને પાલિકા નાગરિકોના જીવનની પરવા નહીં કરીને એકબીજા પર જવાબદારી નાખી રહી છે તેથી અમે પોલીસ અને પાલિકા સહિતની યંત્રણાઓને હવે કાયદેસરની નોટિસ ફટકારવાનો નિર્ણય લીધો છે.
આ દરમ્યાન એમઆરએ પોલીસ સ્ટેશનના નામ નહીં આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે અમારી તરફથી વધુ તપાસ ચાલી રહી છે પણ આ બાબતે પ્રોડકશન હાઉસ સામે શું પગલા લેવા તેનો નિર્ણય તો પાલિકા જ કરશે. જો પ્રોડકશન હાઉસે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેમની સામે પાલિકા જ યોગ્ય પગલા લઈ શકશે. આ બાબતે પાલિકાના ‘એ’ વોર્ડના ઉચ્ચ અધિકારીનો સંપર્ક અનેક વખત કર્યા બાદ પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.