Mon Oct 05 2026

Logo

Birth Anniversary: એક ફિલ્મમાં એક્ટિંગનો પ્રયોગ આશાતાઈએ કરેલો હતો, 12,000થી વધુ ગીતને આપ્યો કંઠ

2026-09-08 16:47:09
Author: Mumbai Samachar Team
Birth Anniversary: એક ફિલ્મમાં એક્ટિંગનો પ્રયોગ આશાતાઈએ કરેલો હતો, 12,000થી વધુ ગીતને આપ્યો કંઠ

મુંબઈઃ હિન્દી સિનેમાની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે આજે હોત તો 93 વર્ષના થયા હોત. સંગીતની સૂરીલી સફરમાં 12000થી વધુ ગીતને પોતાનો કંઠ આપીને અલગ ઝોન ઊભો કરનારી ગાયિકાએ 11 વર્ષની ઉંમરમાં પહેલીવાર માઈક પકડ્યું હતું. પરિવારમાં સંવાદ પણ જાણે સૂરમાં થતો હશે એવો વારસો એમને મળેલો. શ્રેષ્ઠ ગાયિકા અને સૂર કોકિલા તરીકે ભલે લતાદીદીને પસંદ કરતા હોય પણ આશાતાઈએ પોતાના કંઠના દમ પર એક અલગ ચાહક વર્ગ ઊભો કરી દીધો. ખાસ કરીને આર. ડી. બર્મન સાથે એમની જોડી વાસ્તવિક લાઈફમાં અને સંગીતના કરિયરમાં જામી જતા હિન્દી સિનેમામાં સંગીતનો એક અલગ યુગ શરૂ થયો એમ કહેવામાં કંઈ ખોટું નથી. એ. આર. રહેમાન પાણીના ટીપામાંથી પણ સંગીત પેદા કરી દે તો આર.ડી. બર્મન કાચની ટક્કરથી સૂરીલું સંગીત પેદા કરી શકાય એવું આર.ડી. બર્મને શીખવાડ્યું હતું. 

કેટલી ભાષાના ગીત ગાયા?

પોતાના કંઠ અને ગીતથી અમર બનેલી ગાયિકાના જીવનમાં અનેક ઊતારચડાવ આવ્યા પણ સંગીતની દુનિયામાં પણ કપરા કહી શકાય એવા ગીતને પોતાનો મખમલી અવાજ આપીને ચાંર ચાદ લગાવી દીધા. આશા તાઈ એક એવી ગાયિકા જેને એક આખી પેઢી પસંદ કરે તો બીજી તરફ યુવાનો પણ એના ગીતને પોતાના પ્લેલીસ્ટમાં સ્થાન આપી રહ્યા છે. મરાઠી, ગુજરાતી, પંજાબી, ભોજપૂરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રશિયન ભાષમાં પણ ગીત ગાયા છે.  દીનાનાથ મંગેશકરના ઘરે એક સૂરકોકિલા જન્મી તો બીજી તરફ સૂરને એક અલગ ઊંચાઈ આપનારી દીકરી જન્મી. એ વાત પણ ખરી છે કે, બન્ને બહેનો વચ્ચે ખટાશ એ સમયે વધી ગઈ જ્યારે લતાદીદીના સેક્રેટરી સાથે આશાતાઈ લગ્ન કરી લીધા. એ સમયે આશાતાઈ હજું સ્ટ્રગલ પીરીયડમાં હતા. જ્યારે એમના જીવનમાં આર.ડી. આવ્યા ત્યારે એના સૂર અને સ્કેલ બન્ને એ લેવલ પર હાઈ થઈ ગયા જેની કલ્પના ક્યારેય આશાતાઈ એ પણ કરી નહીં. આમ પણ એક સંગીતકાર અને એક ઉત્તમ ગાયિકા ભેગા મળે ત્યારે સંગીતનું સર્જન કંઈ જેવું તેવું તો થાય નહીં. ભલે અંગત જીવન ભારે પડકારો અને દુઃખી ભરેલું રહ્યું પણ આશાતાઈ હંમેશા ગીતમાં પોતાનો આત્મા રેડી દીધો. 

પહેલું ગીત મરાઠી ભાષામાં

9 વર્ષની ઉંમરે પિતાનું નિધન થતા એક માત્ર સહારો મોટી દીદી હતા. પણ આ સહારો માત્ર પરિવાર પૂરતો જ રહ્યો. કરિયરની બાબતમાં લતાદીદી આગળ નીકળી ગયા. વર્ષ 1943માં 'માઝા બાલ'થી ગાયિકા તરીકે પહેલુ ગીત મળ્યું, એ પણ મરાઠી ભાષાનું.વર્ષ 1948માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'ચુનરિયા' માટે ગીત ગાયું. 
આ પછી સંગીતની સફર સતત અને સખત રહી. લતાદીદીના સેક્રેટરી તરીકે રહેલા ગણપતરાવ ભોંસલે સાથે લવ મેરેજ કર્યા પણ ગણપત રાવ એનાથી 20 વર્ષ મોટા હતા. જ્યારે આશાતાઈ ખૂબ જ નાના હતા. આ કારણે મંગેશકર પરિવારમાં ડખા થયા. લગ્નજીવન મંગેશકર પરિવારે સ્વીકાર્યું નહી.લતાદીદી સાથેના સંબંધમાં એક તિરાડ પડી ગઈ હતી. 
પણ લતાદીદીના છેલ્લા કેટલાક સમયમાં બન્ને બહેનો વચ્ચે એ જ ટ્યુનિંગ જોવા મળ્યું હતું જે પહેલા હતું. લગ્ન પછી ભોંસલે પરિવારમાં પણ ભંગાણ એ સમયે શરૂ થયા જ્યારે એક ગાયિકા તરીકે આશાતાઈને કોઈ સ્વીકારવા તૈયાર ન હતા. રૂઢિચુસ્ત પરિવારમાં કોઈ સંગીત ક્ષેત્રે હતુ નહીં અને આશાતાઈ એક મહિલા તરીકે કેરિયરમાં ખૂબ આગળ નીકળી ગયા હતા. 11 વર્ષ બાદ બન્ને અલગ થઈ ગયા અને એ સમય સુધીમાં આનંદ જન્મ થવાનો હતો. આશાતાઈને ગણપત રાવથી ત્રણ બાળકો થયા. આ પછી વર્ષ 1980માં એમના જીવનમાં ફરી પ્રેમના રંગોની રંગોળી બની. એન્ટ્રી થઈ સંગીતકાર આર.ડી.બર્મનની. 

કોણ હતા લાઈફ ટાઈમ આઈડલ?

આર.ડી. બર્મન આશા કરતા છ વર્ષ નાના હતા. વર્ષ 1994માં આર.ડીએ. અણધારી રીતે આશાના જીવનમાંથી વિદાય લીધી. આ પછી ખરેખર એકલતા કોને કહેવાય એનો સામનો આશાતાઈએ કર્યો. ઈન્ડસ્ટ્રીમાં જ્યારે બોલિવૂડ ફિલ્મ 'તિસરી મંઝીલ'ના ગીત સુપરહિટ સાબિત થયા એ સમયે એવું તુલના થવા લાગી કે, ખરેખર આશાએ લતાદીદીનું સ્થાન લઈ લીધું છે. પણ એવું ન હતું. આશા કે લતા કોઈએ પોતાના અંગત જીવન કે કેરિયર અંગે વહેતી અફવાઓનું દિલ ખોલીને ખંડન કર્યું જ નહીં. 
અફવાઓથી દૂર રહ્યા અને એકથી એક ચડિયાતા ગીત પીરસતા રહ્યા. આશાતાઈ હંમેશા પોતાના જીવનમાં અને કરિયરમાં લતાદીદીને એક આઈડલ માનતા હતા. આ વાતનો ઉલ્લેખ તેણે પોતાની એક મુલાકાતમાં કર્યો હતો. આ જ મુલાકાતમાં આશાજીએ કહ્યું હતું કે, તેમણે પોતાના સંગીત કરિયરમાં 12000 જેટલા ગીત ગાયા છે. 
શંકર જયકિશન, સચિન દેવ બર્મન, આર.ડી.બર્મન, ઓ.પી.નૈયર, બપ્પી લહરી અને અંતે એ.આર.રહેમાન જેવા મોટા કદના સંગીતકાર સાથે સંગીત પર બારિકીથી કામ કર્યું. આટલું જ નહીં પોપના જમાનામાં પણ પોતાનો એક આલ્બમ પણ લૉંચ કરેલો. મરાઠી ફિલ્મ 'માઈ'માં એક્ટિંગ કરેલી. આ એક અલગ પ્રયોગ હતો જે ખૂબ ઓછા લોકો જાણે છે. 

આજે પણ સંગીતકારો યાદ કરે છે

માત્ર સારા ગાયિકા નહીં પણ ખૂબ સારા કૂક હતા. એકથી એક ચડિયાતી રસોઈ બનાવતા અને આજે પણ કુવૈતમાં એમની રેસ્ટોરાં છે. 7 ફિલ્મફેર એવોર્ડ અને બેસ્ટ પ્લેબેક સિંગીંગના માઈલસ્ટોન તરીકે આજે પણ અનેક સંગીતકાર એમને યાદ કરે છે. આ ઉપરાંત, ગાયિકા તરીકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. આ સિવાય વર્ષ 2000માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને વર્ષ 2008માં પદ્મભૂષણ જેવા મોટા સન્માન પણ પ્રાપ્ત કર્યા. સંગીતની સફર સરળ નથી હોતી અને ક્યારેક પોતાના જ પરીક્ષા કરી બેસે. આ લાઈન એમના જીવનમાં બંધ બેસે છે.

અનેક ગીતો યાદગાર રહ્યા છે

70 અને 80નો દાયકો આશા ભોંસલે માટે એક માઈલસ્ટોન સાબિત થયો હતો, જેમાં તેણે એકથી એક બેસ્ટ ગીત આપ્યા અને ગાયિકા તરીકે પણ ઝંડા લહેરાવી દીધા. 'ઈન આંખો કી મસ્તી', 'ચુરા લીયા હૈ તુમને જો દિલ કો', 'દમ મારો દમ','પિયા તુ અબ તો આજા', 'ઈસકે આગે હમ ઔર ક્યા કહે જાનમ સમજા કરો', 'યે મેરા દિલ પ્યાર કા દિવાના', 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી', 'અભી ના જાઓ છોડકર', 'ઓ હસિના ઝૂલ્ફોવાલી','આઈયે મહેરબાન', 'યે સમા સમાય હૈ યે પ્યાર કા' જેવા ગીત આજે પણ એવરગ્રીન છે.