Fri May 01 2026

Logo

સત્યની હોડી હાલક-ડોલક ચોક્કસ થાય છે પણ ડૂબતી નથી...

2026-03-20 09:54:00
Author: Arvind Vekariya
Article Image

 

અરવિંદ વેકરિયા

‘તમારી પાસે કોઈ ઈંગ્લિશ નાટક હોય તો હું એને બેઝ બનાવી તમને અઠવાડિયામાં લખીને આપી શકું’
મુળુભાએ ફોન કરી દડાને મારાં પાલામાં જ નાંખી દીધો.

એમની લાંબી વાત હું નિ-શબ્દ રહી સાંભળી રહ્યો. મારાં મોટા ભાગનાં નાટકો રાજેન્દ્ર શુકલે લખ્યાં હતાં. અમે કોલેજકાળના મિત્રો, જાણે એકબીજા માટે સર્જાયા હતાં. એ લખે અને હું એને તખ્તા ઉપર રમતાં મૂકું. હા, થોડા અનિલ મહેતાનાં રૂપાંતર કરેલાં પણ હતા જેમાં મૂળ મરાઠી લેખકો હતા વસંત સબનીસ, વસંત કાનેટકર અને પુનાના પ્રોફેસર કવિતા નરવણે ના,. ઈંગ્લિશ સાથે મારે જાજી લેવાદેવા નહોતી. 

એક વાર દિનિયાર કોન્ટ્રેક્ટરને ઘરે ભાયખલા ગયેલો ત્યારે એમણે મને પોતાની લાઈબ્રેરી બતાવેલી, જ્યાં એક આખા ડ્રોઅરમાં ઈંગ્લિશ ડ્રામા-બુક્સ હતી, જે કદાચ ભવિષ્યમાં પોતે કરવાના હતાં. એ વખતે હું રેગ્યુલર નાટકો ડિરેક્ટ કરતો હતો. બીજા ડ્રોઅરમાં રહેલ ઈંગ્લિશ ડ્રામા-બુક્સમાંથી મને સિલેક્ટ કરી જો નાટક મારે કરવું હોય તો બુક લઇ જવા કહેલું. જે ગામ જવું ન હોય એ ગામનું નામ શું લેવું?
 
જયારે ગુજરાતી સિરિયલ સ્વપ્ન કિનારે કરતો હતો ત્યારે મુરબ્બી કાંતિ મડિયાએ પણ મને એક ઈંગ્લિશ કોમેડી-પ્લે આપીને  કહેલું કે ‘આ તારી બરનો પ્લે છે, તું કર’. મેં એ વખતે બુક લઇ તો લીધેલી પણ કલાકારો ઘણાં હોવાથી આગળ વિચારી ન શક્યો. શૈલેશ દવેએ પણ એક ‘થ્રીલર’ નાટક આપેલું પણ એ સ્ક્રિપ્ટ સારી હોવા છતાં એમાં સાત સ્ત્રી-પાત્રો હોવાને લઇ વિચાર માંડી વાળેલો. અત્યારે એ ક્યાં પડી હશે કોને ખબર! હવે ઈંગ્લિશબુક માટે ત્રીજો ‘વાર’ મુળુભાએ કર્યો. ચિંતા એ હતી કે મહેન્દ્ર બોહરા નાટક બનાવવાનો વિચાર પડતો ન મૂકી દે- ફિલ્મ લાઈનનો ભરોસો કેટલો, અપવાદ હોઈ શકે.’ હવે શું થશે?’ એમ વિચારીશ તો એ ચિંતા છે.’શું થઈ શકે છે?’ એ ચિંતન છે. ચિંતન કરું ચિંતા નહિ એમ વિચારી મેં મારા મગજને એ દિશામાં દોડાવ્યું.

અકસ્માત નાટક ‘જય કલા કેન્દ્ર’ નામક સંસ્થા, જેમના એક નિર્માત્રી પદમારાણી હતાં. મિસ્ત્રી પાર્કનાં એમનાં ઘરે (બ્રીચકેન્ડી) ઘણું જવાનું થતું. દિનકર જાની પદમાબેનની દીકરી-કલાકારા ડેઇઝી ઈરાનીના ખાસ મિત્ર. હવે તો ડેઇઝી વર્ષોથી સુબીન સુબૈયા સાથે પરણી સિંગાપોર સેટ થઈ ગઈ છે. એના દીકરા જયનાં પણ લગ્ન થઈ ગયા છે. 

એ વખતે એક ઈંગ્લિશ નાટકની બુક દિનકર જાનીએ મને વાંચવા આપેલી. નામ હતું, વિકટિમ. માત્ર ત્રણ જ પાત્રો. એમની ઇચ્છા મને, સનત વ્યાસ અને ડેઇઝીને લઇ એ નાટક બનાવવાની હતી પણ ડેઇઝી સિંગાપોર ગઈ એટલે નાટક ન બન્યું પણ એ બુક મારી પાસે રહી ગયેલી, જે મેં થોડા દિવસ પહેલાં જ ફરીથી વાંચેલી. હવે બનેલું એવું કે મારી પાસે ઝેરોક્ષ હતી. મૂળ નકલ મેં જનક ટોપરાણીને આપેલી. 

એ હિન્દી અને ઈંગ્લિશ ડ્રામા પૃથ્વી થિયેટરમાં કરતો. મેં શરત મુકેલી કે તું ગુજરાતીમાં નહિ કરતો, એ હું કરવાનો છું. ત્યારે ક્યાં ખબર હતી એ એ સમય આવશે. મને એણે હસતા-હસતા કહેલું કે હું ગુજરાતી નાટક કરતો જ નથી. એવું કઈ લાગશે તો તને પહેલાં પૂછીશ. આ હું સાચું કહું છું. દાદુ, સત્યની હોડી હાલક-ડોલક ચોક્કસ થાય છે પણ ડૂબતી નથી. મારો વિશ્વાસ રાખજે.

મેં વિશ્વાસ મૂકી બે કામ કર્યા.મેં એ દિવસે મૂળ નકલ જનક ટોપરાણીને આપી અને ઝેરોક્ષ મુળુભાને. મુળુભાએ એ દિવસે વાંચી બીજે દિવસે મને ઘરે બોલાવ્યો. અમારી ચર્ચા ચાલી. મુળુભા કહે, ‘આપણો પ્રેક્ષક ખૂબ હસવાનું માગે છે, ઘણાં પરાણે હસાવવા જોક્સનો ઓવરડોઝ પણ કરે છે. આ સ્ક્રિપ્ટ હું લખું પણ પરાણે હસાવવાનું શક્ય નહિ બને. ક્યાંક વન-લાઈનર મૂકી શકાય પણ એ યોગ્ય લાગશે તો મુકીશ. આ વિકટિમ મસ્ત થ્રીલર છે. પાત્રોની લમણાઝીંક નથી, ત્રણ જ પાત્રો, લખવામાં સમય પણ નહિ લાગે એવું મારું માનવું છે.

મહેન્દ્ર બોહરાને હું વાત જણાવી દઈશ.
 ‘તમારું માનવું બરાબર છે, પણ તમે ફિલ્મમાં પાછા બરોડા ઉચાળા ભર્યા તો હું તો લટકી જ પડું ને?’ 

‘એવું આ વખતે નહિ બને. હું આજથી જ શ્રી ગણેશ કરી દઉં છું.કદાચ એવો કોઈ સમય આવે અને મારે બરોડા જવું પડે તો પણ હું બે-ત્રણ દિવસનો સમય માગી આ નાટક તો પૂરું કરીશ જ. પહેલા તમને સમય આપી નામક્કર ગયો એ મારી ભૂલ. જે ભૂલમાંથી આપણે કઈ શીખતા નથી એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હોય છે. ગુજરાતીકરણ અને ભારતીયકરણ કરવામાં આ વખતે વાર નહિ લાગે.હું વિષય બાબત એકદમ ક્લિયર  છું. આ વખતે હું પૂરી  સ્ક્રિપ્ટ આપીને પછી જ ઉચાળા ભરીશ, બસ!.’

મને શાંતિ થઈ. મેં કહ્યું કે ‘મુળુભા, મને તમારા માટે માન છે અને હું જાણું છું કે તમને મારા માટે પ્રેમ છે. માન એટલે મનથી અપાતો પ્રેમ અને પ્રેમ એટલે દિલથી અપાતું માન’ મુળુભા મરક-મરક હસ્યા.

મેં હાશકારો અનુભવ્યો. ત્રણ કલાકારની વરણી માટે વિચારવા લાગ્યો. હવે મોડું નથી કરવું. જિંદગી રાહ નથી જોતી એટલે જીવવામાં મોડું નથી કરવું એ વિચારની મનમાં ગાંઠ વાળી હું ઘરે જવા નીકળ્યો.

પતિએ પત્નીને વશમાં કરવા માટે એક તાવીજ લીધું.
મહિના પછી....
પતિ: બાબા, આ તાવીજની પત્ની ઉપર તો કોઈ અસર ન થઈ પણ પાડોશણ વશમાં આવી ગઈ..
બાબા: ચાલો, અસર ન થઈ આડ-અસર તો થઈ.