Fri May 01 2026

Logo

દીવાને વંદન ...એ બીજા માટે બળે છે, બીજાને જોઇને નહિ

2026-04-10 09:01:00
Author: Arvind Vekaria
Article Image

 

અરવિંદ વેકરિયા

પ્રવીણ સોલંકી લિખિત, કાંતિ મડિયા દિગ્દર્શિત અને દિન્યાર કોન્ટ્રાકટર પ્રોડક્શનનાં નાટકનું ધામધૂમથી મુહૂર્ત થયું. અમારાં નાટકનું નામ અમે નક્કી કર્યું, શિકાર. એમણે મુહૂર્ત કર્યું જયારે અમે ગરટન સ્કૂલ-ગ્રાન્ટરોડમાં નીચે રિહર્સલ કરતાં હતાં.

મુહૂર્ત થયું એટલે મોઢું મીઠું કરાવવા દીનશુંએ (દિન્યારને લાડમાં બધાં ‘દીનશું’ કહેતા, જેમ મને ‘દાદુ’ કહે છે.) અમારી આખી ટીમ માટે એમણે પેંડા મોકલાવ્યાં. અમે સૌએ શુભેચ્છા પણ આપી.

એમનાં નાટકમાં મુખ્ય સ્ત્રી-પાત્ર મીનળ પટેલ ભજવવાનાં હતાં અને અમારાં નાટકમાં એક જ સ્ત્રી-પાત્ર, જે રક્ષા દેસાઈ ભજવી રહ્યાં હતાં.

મુળરાજ રાજડાએ લખેલું, જેનું નવ-સંસ્કરણ રાજેન્દ્ર શુકલે કરી આપ્યું હતું. બરોડા શૂટિંગ પર જતા પહેલાં એમણે દિગ્દર્શક તરીકે મને કહેલું કે ‘તમને જોઈએ એ રીતે, કોઈની પણ પાસે તમે સુધારો કરી શકો છો.’ મેં મિત્ર રાજેન્દ્ર પાસે એ કરાવી બે પાત્રો પણ ઉમેરાવી દીધાં.
 
બાકી સૌને પોતાનો અહમ હોય છે. મુળુભા તો રાજેન્દ્ર શુકલ કરતાં કેટલા અનુભવ સિદ્ધ ! નાટકો સાથે ફિલ્મો અને સિરિયલોના લેખનકામ તો કર્યા સાથે અભિનયનાં ઓજસ પણ પાથર્યા હતાં.

મન એમનું કેટલું મોટું કહેવાય, બાકી સમય સારો હોય ત્યારે લોકો તમારો હાથ પકડે અને ખરાબ હોય ત્યારે એ જ લોકો તમારી ભૂલ પકડતા હોય છે. મુળુભા આ વાતમાં અપવાદ હતા. સામેવાળાની મુશ્કેલી સમજતા હતા મુળુભા. એ વૃક્ષ જેવા સ્વભાવવાળા.

જે એ વાત પર વ્યથિત નથી થતાં કે એણે કેટલાં ફૂલો ખોઈ નાખ્યા, એ સદાય નવાં ફૂલોનું સર્જન કરવામાં વ્યસ્ત થઈ જાય છે.

મને નાટકનું સર્જન કરી આપ્યું છતાં ઉતાવળે લખાયું હોવાને લીધે બધી છૂટછાટની ગલીઓ અહમને માળીયે ચડાવી ખોલી આપી. દીવાને વંદન એટલા માટે કરવામાં આવે છે કે એ બીજાને માટે બળે છે, બીજાને જોઇને નહિ.

ટૂંકમાં એમનાં લખાણમાં બે પાત્ર ઉમેરી રાજેન્દ્રએ રીતસર મઠાર્યું. હવે થયું એવું કે કાંતિ મડિયાના નાટકમાં રહેલાં મીનળ પટેલ અને અમારી મુખ્ય કલાકારા રક્ષા દેસાઈ બંને વોશ-રૂમમાં ભેગા થઈ ગયાં. બંને સ્ત્રી સહજ વાતે વળગ્યા હશે અને પાત્ર વિશે ચર્ચા થઈ હશે.

રાજેન્દ્રએ ઘણું બદલેલું પણ મૂળ કથાવસ્તુનું કલેવર તો એ જ રહેવાનું. મડિયાનું નાટક પણ પ્રવીણભાઈએ ‘વિકટિમ’ પરથી તૈયાર કરેલું એટલે કથાવસ્તુ એક જ હોય એ સ્વાભાવિક હતું. બંને સ્ત્રી-પાત્રો સરખા છે એવી બંને વચ્ચે વાત થઈ. રક્ષાબહેને આવીને મને વાત કરી કે ‘આપણું અને કાંતિભાઈનું નાટક સરખું લાગે છે. મારો અને મીનળનો રોલ સરખો જ છે...’ 

મને ચિંતા થઈ, મેં તરત ત્યારે રિહર્સલ બંધ કરી બધાને બીજે દિવસે આવવા જણાવ્યું. દીપક દવે અને મડિયાને બહુ સારું બનતું. (આજે તો બંને હયાત નથી.) મેં દીપકને કહ્યું, ‘તું જરા ઉપર જઈ તપાસ કરી મને જણાવ. જો વસ્તુ એક જ હોય તો બે માંથી એક જ ચાલશે અને દીનશુંનું પ્રોડક્શન આપણા કરતાં ખમતીધર છે એટલે મહેન્દ્ર બોહરાને ખોટું નુકસાન થશે અને કલાકારોની મહેનત એળે જશે.’ 

દીપક મારી સાથે કલાકાર તરીકે તો હતો જ પણ હું, સનત અને દીપક દવે સોહાગ દીવાનને ત્યાં ઘણું ડબિંગ સાથે કરતાં એટલે મિત્રતા પણ ગાઢ બની ગઈ હતી. પુરુષને પિયર નથી હોતું, મિત્ર હોય છે. બસ! એ મિત્રતાને દાવે એ તરત ઉપર કાંતિભાઈ પાસે પહોંચી ગયો.

મેં સ્ક્રિપ્ટ બંધ કરી. મગજ વિચારે ચડી ગયું. મુળુભાએ આગલું નાટક અધૂરું છોડી ઈંગ્લિશ બુક માગી લખી આપ્યું. મેં રાજેન્દ્રને કામે લગાડી ફરી મહેનત કરાવી. ગુસ્સો મને જનક ટોપરાણી પર આવ્યો. મેં ચોખ્ખું કહ્યું હતું 

કે,‘જનક, તારે હિન્દી-ઈંગ્લિશમાં આ નાટક કરવું હોય તો કર પણ ગુજરાતીમાં તો હું કરીશ’ ત્યારે સપને પણ ધાર્યું નહોતું કે એ સમય પણ આવશે. જનકે આવું કેમ કર્યું હશે? એ વિચાર હથોડાની જેમ મગજમાં ટીપાતો હતો. આ વાત મહેન્દ્ર કે મુળુભાને કેમ કહેવી? નવસંસ્કરણ થયું ત્યારે વધામણા બધાને આપ્યા પણ હવે? ખુશીઓ પારકી હોય છે જે બધામાં વહેંચવી પડતી હોય છે, દર્દ માત્ર આપણું હોય છે, દિલમાં રાખવું પડે છે. અત્યારે હું એ અવસ્થામાં હતો. 

દીપક જલ્દી આવે એ ચટપટી શરૂ થઈ ગઈ હતી. થોડીવારમાં દીપક આવ્યો અને મોંકાણના સમાચાર આપ્યાં. મને કહે, ‘દીનશું તો રાત્રે આવશે. મડિયા સાથે સહજ વાત થઈ. મેં કહ્યું નહિ કે અમે આવું જ નાટક કરીએ છીએ. મડિયા તો ચોખ્ખે ચોખ્ખું કહેનારા. મને કહી દીધું કે ‘વિકટિમ’ નામની ઈંગ્લિશ બુક પરથી પ્રવીણે લખ્યું છે.’

હું ઢીલો પડી ગયો. થોડીવારમાં દીપક પણ નીકળી ગયો.
હું વિચારોમાં બેઠો હતો કે દીનશું સાથે ક્લેરીફીકેશન તો કરી જોઉં? રાત્રે નવ વાગ્યા હશે. દીનશું ગાડી સ્કૂલના પોર્ચમાં લાવી જોરદાર અવાજ સાથે બ્રેક મારી. અમારો રિહર્સલ રૂમ નીચે જ હતો. કારની વિન્ડો ખોલી મને બોલાવ્યો, ‘જાડિયા, બહાર આવ.’

મેં જઈને ખૂલ્લા મને કહ્યું કે, ‘મને હમણાં જ ખબર પડી’ મને કહે, ‘ખબર પડી તો તો હવે તારી ‘દુકાન’ બંધ કરી દે. મારો ભાઈ લંડન રહે છે, ‘વિકટિમ’ ના રાઈટ્સ મેં લઇ લીધા છે. તું કરીશ તો ભારે નુકસાની વેઠવી પડશે’. 

એનો ટોન ઝગડાનો હતો. મેં શાંત કરતાં કહ્યું, ‘દીનશું, મેં જાણી જોઇને તો નથી કર્યું. સારું છે કે આપણે રિહર્સલ-સ્ટેજમાં હતા ને ખબર પડી ગઈ.’ મને કહે, ‘ખબર પડી ગઈ ને? તો હવે બંધ કરી દે.’ કોણ જાણે મારામાં ક્યાંથી હિંમત આવી ગઈ કે મેં કહ્યું, ‘આપણે કાંતિ મડિયા પાસે જઈએ અને માંડીને વાત કરીએ, લેટ હિમ  ડિસાઈડ!’ અને ખોદાયજીની કૃપા કે દીનશું ‘એગ્રી’ થઈ ગયા.
 છાના માના બેસો! આ વાક્ય તમને બાળ-મંદિર પછી સીધું લગ્ન પછી સાંભળવા મળે.