(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ અમદાવાદમાં વર્ષ 2012માં સેન્ટ્રલ એજન્સીએ સર્વે કરી વાહનવધારાની જે શક્યતાઓ દર્શાવી હતી, તેને શહેરીજનોએ ખોટી પાડી દીધી છે, તેમ એક અહેવાલ પરથી જણાઈ રહ્યું છે. શહેરના અમુક વિસ્તારમાં થતો ટ્રાફિકજામ જણાવે છે કે છેલ્લા અમુક વર્ષોમાં વાહનોમાં ઘણો જ વધારો થયો છે.
સીએસઆઈઆર-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીઆરઆરઆઈ) દ્વારા કરવામાં આવેલા સર્વે દર્શાવે છે કે અમદાવાદના પાંચ સૌથી વ્યસ્ત જંકશન શ્યામલ, માનસી સર્કલ, દિલ્હી દરવાજા, મેમ્કો અને પાલડી પર ટ્રાફિક અગાઉ થયેલી આગાહીઓ કરતા ઘણો જ વધી ગયો છે. 2012 ને બેઝ યર તરીકે ઉપયોગ કરીને, સીઆરઆરઆઈએ શહેરના 34 જંકશનનો સર્વે કર્યા પછી 2017 અને 2022 માટે ટ્રાફિક સ્તરનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ 2025 સુધીમાં, પાંચ જંકશન પર વાસ્તવિક વાહનોનું પ્રમાણ આગાહી કરતા ત્રણથી ચાર ગણું વધુ હોવાનું જાણવા મળ્યું છે, તેમ અહેવાલો જણાવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી દરવાજા જંકશન પર, 2012 માં ટ્રાફિક 18,862 પેસેન્જર કાર યુનિટ નોંધાયો હતો અને 2017 માં વધીને 26,149 અને 2022 માં 37,330 થયો હતો.તેના બદલે, 2025 માં એક નવા સીઆરઆરઆઈ સર્વેમાં 1,23,605 પીસીયુ નોંધાયા હતા, જે આગાહી કરતા ત્રણ ગણા વધુ હતા.પીએસયુ એ બધા વાહનોને પેસેન્જર કારના સમકક્ષમાં રૂપાંતરિત કરીને ટ્રાફિક માપવાની એક સરળ રીત છે. પીસીયુ માત્ર રસ્તા પરના વાહનોના આંકડા નહીં, પણ ટ્રાફિક કેટલો ભારે છે, તે જણાવે છે, તેમ અધિકારીએ ઉમેર્યું હતું.
મેમ્કો ક્રોસરોડ્સ પર ટ્રાફિકનો ઉછાળો વધુ છે. 2012 માં 8,143 પીએસયુ હતા, જે 2022 સુધીમાં 15,861 પીએસયુ સુધી પહોંચવાની ધારણા હતી. જોકે, 2025 ના સર્વેમાં 1,42,481 પીએસયુ નોંધાયા, જે અપેક્ષા કરતા છ ગણા વધુ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. શ્યામલ, માનસી સર્કલ અને પાલડીમાં પણ આવી જ રીતે ચારથી પાંચ ગણો વધારો નોંધવામાં આવ્યો હતો.
આ રીતે વાહનો વધવાથી સમય, ઈંધણ અને શક્તિ તમામનો વેડફાટ વધી ગયો છે. 2012માં સર્વે બાદ અન્ડરપાસ અને ફ્લાયઓવર સૂચવવામાં આવ્યા હતા, પરંતુ અમુક જંકશનોમાં તે થયું નથી. જોકે હાલમાં શહેરમાં 101 ફ્લાયઓવર અને અન્ડરપાસ છે. 17 નું કામ ચાલી રહ્યું છે. શહેરમાં વધતા વાહનો અને ટ્રાફિકની સમસ્યા જાહેર પરિવહનની ઓછી સુવિધા તરફ પણ ઈશારો કરે છે.