Sun Oct 04 2026

Logo

વૈભવ સૂર્યવંશીથી પણ નાની ચીની જલપરીએ રચ્યો ઇતિહાસ! વિગતો જાણીને ચોંકી જશો

Nagoya   2026-09-21 18:49:00
Author: Ajay Motiwala
વૈભવ સૂર્યવંશીથી પણ નાની ચીની જલપરીએ રચ્યો ઇતિહાસ! વિગતો જાણીને ચોંકી જશો

નાગોયાઃ 15 વર્ષનો આપણો ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશી મેદાન પર બૅટથી જે ચમત્કારો સર્જી રહ્યો છે એનાથી ભારત સહિત વિશ્વભરના કરોડો ક્રિકેટપ્રેમીઓ ખૂબ પ્રભાવિત થયા છે અને આ ક્રિકેટરે આઇપીએલને તેમ જ ટી-20 ફૉર્મેટને એક નવી જ દિશા આપી હોવાની સર્વત્ર ચર્ચા છે ત્યારે ચીનમાં તેમ જ એશિયન ગેમ્સ સાથે સંકળાયેલા દેશોમાં વૈભવથી બે વર્ષ નાની યુ ઝિદી નામની સ્વિમરે અસંખ્ય લોકોના દિલ જીતી લીધા છે.

જાપાનની એશિયન ગેમ્સમાં સ્વિમિંગની હરીફાઈમાં યુ ઝિદીએ કમાલ કરી નાખી. તેણે રવિવારે વિક્રમજનક સમયમાં મહિલાઓ માટેની 200 મીટર બટરફ્લાય હરીફાઈ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એટલું જ નહીં, 24 કલાકની અંદર (સોમવારે) તે બીજો ગોલ્ડ મેડલ (Gold Medal) પણ વિક્રમ સાથે જીતી હતી અને જરાક માટે વિશ્વવિક્રમ ચૂકી ગઈ હતી. તે હજી ત્રીજા ગોલ્ડ મેડલ માટે આ અઠવાડિયે પ્રયત્ન કરવાની છે.

યુ ઝિદીએ આ હરીફાઈ બે મિનિટ 05.08 સેકન્ડમાં પૂરી કરી હતી. તેનું આ ટૂંકી કારકિર્દીનું પ્રથમ મોટું ટાઇટલ છે. હવે તે બે વર્ષ પછીની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં પરચો બતાવવા મક્કમ છે.

યુ ઝિદી (Yu Zidi) હજી આવતા મહિને જિંદગીના 14 વર્ષ પૂરાં કરશે. તે એશિયન ગેમ્સમાં સ્વિમિંગની સૌથી યુવાન ચૅમ્પિયન ગણાય છે. તેણે રવિવારની હરીફાઈ બે મિનિટ 05.08 સેકન્ડમાં પૂરી કરીને ચીનની જ ઝાન્ગ યુફીનો એશિયન ગેમ્સ રેકૉર્ડ તોડ્યો હતો. યુફીએ 2022ની એશિયન ગેમ્સમાં 200 મીટર બટરફ્લાય હરીફાઈ બે મિનિટ 05.57 સેકન્ડમાં પૂરી કરી હતી. યુ ઝિદીએ સોમવારે મહિલાઓ માટેની 200 મીટર ઇન્ડિવિજ્યૂઅલ મેડલી બે મિનિટ 06.10 સેકન્ડમાં પૂરી કરી હતી. તે આ હરીફાઈના વિશ્વવિક્રમથી માત્ર 0.40 સેકન્ડ મોડી પડી હતી.