Tue Jun 23 2026

Logo

'સારા પેરેન્ટ' બનવામાં નડતરરૂપ બની રહી છે નોકરી? આ ચોંકાવનારો સર્વે દરેક વર્કિંગ માતા-પિતાએ વાંચવો જોઈએ...

2026-06-23 10:23:00
Author: Darshana Visaria
Article Image

આજના મોર્ડન અને ફાસ્ટફોરવર્ડ વર્લ્ડમાં કામ અને પરિવાર વચ્ચે બેલેન્સ એટલે કે વર્લ લાઈફ બેલેન્સ સાધવું એ લાખો માતા-પિતા માટે એક ખૂબ જ જટિલ સમસ્યા બની ગયું છે. એક તરફ કરિયરની જવાબદારીઓ છે, તો બીજી તરફ બાળકોનો ઉછેર અને ઘરની જરૂરિયાતો. ટેક્નિકલ ડેવલપમેન્ટ અને 'વર્ક ફ્રોમ હોમ' (WFH) જેવી સુવિધાઓથી એવી આશા હતી કે લોકોનું જીવન સરળ બનશે, પરંતુ અમેરિકાના પ્રખ્યાત રિસર્ચ દ્વારા કરવામાં આવેલો તાજેતરનો સર્વે કંઈક જુદી જ સ્ટોરી કહી રહ્યો છે...

રિસર્ચ સેન્ટર દ્વારા 2242 વર્કિંગ પેરેન્ટ્સ પર કરવામાં આવેલા આ સર્વે અનુસાર, મોટી સંખ્યામાં નોકરિયાત માતા-પિતા એવું અનુભવે છે કે નોકરી અને પરિવારની જવાબદારીઓ એકસાથે નિભાવવી હવે પહેલાં કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે. રિપોર્ટ દર્શાવે છે કે ઓફિસ અને બાળકો વચ્ચે સંતુલન જાળવવાના દૈનિક સંઘર્ષને કારણે પેરેન્ટ્સ ભારે માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે.

સર્વેના ચોંકાવનારા આંકડાઓ અનુસાર 70 ટકા ફુલ-ટાઇમ કામ કરતા પેરેન્ટ્સે સ્વીકાર્યું કે તેઓ ઓફિસના સમય દરમિયાન પણ બાળકો સાથે જોડાયેલા કામો કરે છે. જ્યારે 59 ટકા લોકોએ જણાવ્યું કે બાળકો સાથે સમય પસાર કરતી વખતે પણ તેમણે ઓફિસનું કામ તો કરવું જ પડે છે.

આજના આ ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન, ઈમેલ અને ઓનલાઈન પ્લેટફોર્મના કારણે કામ કોઈ એક જગ્યા પૂરતું મર્યાદિત નથી રહ્યું. પરિણામે, ઓફિસનું કામ ઘર સુધી અને ઘરની ચિંતાઓ ઓફિસ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે વાલીઓ સતત બેવડી જવાબદારીઓ વચ્ચે પીસાયા કરે છે.

રિપોર્ટમાં એ વાત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે પરિવારની એવી ઘણી જવાબદારીઓ હોય છે જે દેખાતી નથી, પરંતુ તેને સંભાળવામાં પુષ્કળ મેન્ટલ એનર્જી ખર્ચાય છે. જેમ કે બાળકોની સ્કૂલ એક્ટિવિટીઝ પર નજર રાખવી, ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લેવી, જરૂરી દસ્તાવેજો યાદ રાખવા કે ઘરની રોજિંદી જરૂરિયાતોનું આયોજન કરવું.

સર્વેમાં 62 ટકા વર્કિંગ મધર્સે કહ્યું કે નોકરી અને પરિવાર વચ્ચે બેલેન્સ બનાવવું મુશ્કેલ છે, જ્યારે તેની સામે માત્ર 47 ટકા પિતા જ એવું અનુભવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓ પર માનસિક અને પારિવારિક જવાબદારીઓનો બોજ ઘણો વધારે છે.

કરિયર અને પેરેન્ટિંગ વચ્ચે ટક્કર
સર્વેમાં સામેલ 52 ટકા પેરેન્ટ્સનું માનવું છે કે તેમની નોકરી તેમને એક ઉત્તમ વાલી બનવામાં અવરોધ ઉભી કરે છે. જ્યારે 45 ટકા લોકોએ સ્વીકાર્યું કે બાળકોની જવાબદારી તેમના કરિયરમાં આગળ વધવાની સફરને પ્રભાવિત કરે છે. લગભગ 60 ટકા પેરેન્ટ્સે અફસોસ વ્યક્ત કર્યો હતો કે તેઓ પોતાના બાળકોને જોઈતો પૂરો સમય આપી શકતા નથી અને કામના ભારણને કારણે તેઓ બાળકોના સ્કૂલ પ્રોગ્રામ કે રમત-ગમતની સ્પર્ધાઓમાં પણ હાજર રહી શકતા નથી.

વધુ જવાબદારીઓ હજુ પણ મહિલાઓના શિરે
ડબલ ઈન્કમ એટલે કે માતા-પિતા બંને કમાતા હોય તેવા પરિવારોમાં પણ ઘરકામની વહેંચણી અસમાન જોવા મળી છે. ફુલ-ટાઇમ નોકરી કરતા પરિવારોમાં 52 ટકા લોકોના મતે બાળકોની મોટાભાગની જવાબદારીઓ માતા જ નિભાવે છે, જ્યારે માત્ર 10 ટકા કેસમાં પિતા વધુ જવાબદારી ઉપાડે છે.

પર્સનલ લાઈફ અને હેલ્થ થઈ રહી છે ગાયબ
આ સતત દોડભાગની સૌથી નકારાત્મક અસર પેરેન્ટ્સના પોતાના સ્વાસ્થ્ય પર પડી રહી છે. મોટી સંખ્યામાં વર્કિંગ પેરેન્ટ્સ પાસે પોતાની હેલ્થ, આરામ, મિત્રો કે શોખ માટે સમય જ બચતો નથી. ખાસ કરીને માતાઓએ જણાવ્યું કે તેમને કસરત કે પૂરતો આરામ કરવાનો પણ મોકો મળતો નથી, જેના કારણે લાંબાગાળે માનસિક થાક અને તણાવ વધી રહ્યો છે.

'વર્ક ફ્રોમ હોમ' પણ સંપૂર્ણ ઉકેલ નહીં!
મોટાભાગના વર્કિંગ પેરેન્ટ્સ માને છે કે જરૂરિયાતના સમયે વર્ક ફ્રોમ હોમની સુવિધા મદદરૂપ સાબિત થાય છે, જેનાથી તેઓ પરિવારની નજીક રહી શકે છે. જોકે, રિપોર્ટ એવું સ્પષ્ટ કરે છે કે વર્ક ફ્રોમ હોમ કરવા છતાં પણ આ સંતુલન સરળ બનતું નથી. ઘરમાં હાજર રહેવાનો અર્થ એ નથી કે કામનું દબાણ ઘટી જાય છે; ઓફિસની ડેડલાઈન, મીટિંગ્સ અને પર્ફોર્મન્સનું પ્રેશર તો એવું ને એવું જ રહે છે.