રૂપિયો મજબૂત થતાં સ્થાનિક સોનામાં રૂ. 303ની પીછેહઠ, ચાંદી રૂ. 1008 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ હળવો થતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા. જોકે, વિશ્વ બજારથી વિપરીત સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ડૉલર સામે રૂપિયો મજબૂત થવાથી સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 302થી 303નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1008નો ઘટાડો આવ્યો હતો. આમ આજે વિશ્વ બજારથી વિપરીત વલણ જોવા મળ્યું હતું.
આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1008ના ઘટાડા સાથે રૂ. 2,17,287ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ખાસ કરીને રૂપિયો મજબૂત થવાને કારણે ભાવમાં વિશ્વ બજારથી વિપરીત વલણ રહ્યું હતું અને રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 302 ઘટીને રૂ. 1,41,986 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 303ના ઘટાડા સાથે રૂ. 1,42,557ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4048.84 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને 4048.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 57.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ઈરાનના શાંતિ કરારના અનુરોધને ધ્યાનમાં ઈરાન પરનાં હુમલાઓ સ્થગિત રાખવામાં આવ્યા હોવાનું અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાના આશાવાદે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેરલદીઠ ચાર ડૉલર જેટલો ઘટાડો આવ્યો હતો અને ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હતો.
અગાઉની જેમ હાલમાં પણ સોના અને ક્રૂડતેલના ભાવમાં પારસ્પારિક સંબંધ જોવા મળી રહ્યો છે. ક્રૂડતેલના ભાવ વધતાં સોનામાં ભાવઘટાડો અને ક્રૂડતેલના ભાવ ઘટતાં સોનામાં સુધારો જોવા મળી રહ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટૂનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે પણ ક્રૂડતેલના ભાવઘટાડાનો સોનાને ટેકો મળ્યો છે. વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈનો અને 10 વર્ષીય અમેરિકી બૉન્ડની ઊપજમાં ઘટાડો થવાથી સોનાને ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં હવે રોકાણકારોની નજર આ સપ્તાહે જાહેર થનારા અમેરિકા એડીપી એમ્પ્લોયમેન્ટ સહિતનાં જોબ ડેટા પર સ્થિર થઈ છે. જો અમેરિકી રોજગાર બજારમાં નરમાઈ અર્થાત્ રોજગારીના ડેટા નબળા આવે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર જાળવી રાખે તો સોનાને ટેકો મળશે કેમ કે બજાર વર્તુળો વ્યાજદરમાં વધારાની ધારણા મૂકી રહ્યા છે.