વોશિંગ્ટન ડીસીઃ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ કેલિફોર્નિયાના દરિયા કિનારે ડૂમ્સડે બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે અને હજારો કિલોમીટર દૂર સુધી હુમલો કરી શકે છે. તેને પ્રલય લાવનારું હથિયાર કહેવાય છે.
અમેરિકન સ્પેસ ફોર્સના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી છોડવામાં આવી હતી. પરમાણુ હથિયાર વગરની આ મિસાઈલનું ટેસ્ટ મોડલ GT-254 હતું, જેણે પ્રશાંત મહાસાગર ઉપર હજારો કિલોમીટરનું અંતર કાપ્યું અને અંતે માર્શલ આઈલેન્ડ્સ પાસે પોતાના નિર્ધારિત લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
US test doomsday MinutemanIII ICBM .
— WorldAffairsNow (@A22650018Ali) March 5, 2026
U.S has given a strong msg to IRAN#Dubai #IranIsraelWar
pic.twitter.com/CGLzPjJsHI
અમેરિકન સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે આ પરીક્ષણ મિસાઈલ સિસ્ટમની ક્ષમતા અને વિશ્વસનીયતા ચકાસવા માટે કરવામાં આવ્યું હતું. એર ફોર્સ ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડના જણાવ્યા અનુસાર, આ લોન્ચિંગનો ઉદ્દેશ્ય મિસાઈલની ચોકસાઈ, તૈયારીઓ અને ટેકનિકલ સિસ્ટમ કેટલી અસરકારક છે તે જોવાનો હતો.
મિનિટમેન મિસાઈલની શું છે ખાસિયત?
આ મિસાઈલ સોલિડ-ફ્યુઅલ થી ચાલતી બેલિસ્ટિક મિસાઈલ છે. સોલિડ ફ્યુઅલને કારણે તેને ઝડપથી લોન્ચ કરી શકાય છે, જે લિક્વિડ ફ્યુઅલવાળી મિસાઈલો કરતા ચડિયાતી છે. તેની લંબાઈ 18.3 મીટર અને વ્યાસ 1.67 મીટર છે. આ મિસાઈલની રેન્જ આશરે 9656 કિલોમીટર છે.
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા છે તેવા જ સમયે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું. જે બાદ મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન પર વધુ હુમલા કરવાની ચેતવણી આપી હતી.
ઈરાને ઈઝરાયલને નિશાન બનાવી હુમલો કર્યો
અમેરિકન સબમરીન દ્વારા ઈરાની યુદ્ધજહાજને ડૂબાડવાની ઘટના બાદ, ઈરાને ગુરુવારે વહેલી સવારે ઈઝરાયલને નિશાન બનાવી મિસાઈલો છોડી હતી. ઈરાને સમગ્ર વિસ્તારમાં સૈન્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને નષ્ટ કરવાની ધમકી પણ આપી હતી. ઈઝરાયલ દ્વારા આ હુમલાની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ તેની સેનાએ જણાવ્યું હતું કે, તેણે લેબનાનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથને નિશાન બનાવીને નવા હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકા અને ઈઝરાયલે બુધવારે ઈરાનના સુરક્ષા દળો અને વહીવટી સંસ્થાઓને નિશાન બનાવીને બોમ્બમારો તેજ કર્યો હતો.