Mon Nov 16 2026

Logo

‘રામ માટે કવ્વાલીઓ નથી લખતો’ કહેતા મનોજ મુન્તશીર પોતે જ ટ્રોલ થયા, ‘દશરથ કા લલન’ના સંગીત પર વિવાદ

2026-10-31 12:26:00
Author: Mumbai Samachar Team
‘રામ માટે કવ્વાલીઓ નથી લખતો’ કહેતા મનોજ મુન્તશીર પોતે જ ટ્રોલ થયા, ‘દશરથ કા લલન’ના સંગીત પર વિવાદ

મુંબઈ:  જાણીતા ગીતકાર અને લેખક મનોજ મુન્તશીર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના ગીત ‘મંગલ રંગ’ના સંગીતને કવ્વાલી જેવું ગણાવીને થયેલી ટીકા વચ્ચે મનોજ મુન્તશિરે ‘આદિપુરુષ’નાં ગીતોનો બચાવ કર્યો હતો. જોકે, હવે તેમના નવા ભક્તિગીત ‘દશરથ કા લલન’ને લઈને જ સોશિયલ મીડિયા પર સવાલો ઊઠતાં તેઓ ટ્રોલર્સના નિશાને આવ્યા છે. 

મનોજ મુન્તશીરના ગીત ‘દશરથ કા લલન’ને તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત સામે આવ્યા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેના સંગીતની સરખામણી કવ્વાલી સાથે કરી છે. આથી સંગીતકારની અગાઉની ટિપ્પણીને યાદ કરીને લોકોએ તેમના પર કટાક્ષ શરૂ કર્યો છે. એક તરફ તેઓ ‘રામાયણ’ના ગીતને કવ્વાલી જેવું ગણાવવાના વિરોધમાં બોલ્યા હતા, તો બીજી તરફ તેમના નવા ગીતમાં પણ કેટલાકને એવો જ સંગીતનો અંદાજ સંભળાયો છે. 

મનોજે અગાઉ ‘રામાયણ’ના ‘મંગલ રંગ’ ગીત અંગે થયેલી ટીકાનો જવાબ આપતાં કહ્યું હતું કે, 'મેં રામ માટે નર્સરી રાઇમ્સ નથી લખી અને ન તો કવ્વાલીઓ લખી છે.' તેમણે ‘આદિપુરુષ’ ફિલ્મની ખામીઓ સ્વીકારતાં કહ્યું હતું કે ફિલ્મ ખૂબ ખરાબ હતી અને તેના સંવાદો પણ વધુ ખરાબ હતા, પરંતુ ગીતોમાં ભક્તિ, સમર્પણ અને કવિતાની કોઈ કમી નહોતી.  

હવે ‘દશરથ કા લલન’ ગીતને લઈને યુઝર્સે મનોજની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને કટાક્ષ કર્યા છે. કેટલાકે તેમને ‘હિપોક્રેટ’ ગણાવ્યા તો કેટલાકે કહ્યું કે બીજાના ગીતમાં કવ્વાલીનો અંદાજ શોધતા પહેલાં પોતાના ગીત પર પણ ધ્યાન આપવું જોઈએ. આ વિવાદને કારણે ગીત કરતાં વધુ મનોજના નિવેદનો ચર્ચામાં આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ‘મંગલ રંગ’ ગીત ‘રામાયણ’ના પ્રથમ ભાગનું છે, આ ગીતમાં રામ-સીતાના પ્રેમ અને લગ્નપ્રસંગની ખુશીઓ દર્શાવવામાં આવી છે. જોકે, સંગીતના અંદાજ અને લગ્નની કેટલીક વિધિઓના ચિત્રણને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. 

બીજી તરફ, 2023માં રિલીઝ થયેલી અને ઓમ રાઉતના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ તેના સંવાદો અને પાત્રોના ચિત્રણને લઈને ભારે વિવાદમાં રહી હતી. હવે ‘રામાયણ’ના ગીતો અને ‘દશરથ કા લલન’ને લઈને ઊભી થયેલી ચર્ચાએ મનોજને ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.