મોંગ કૉક: શુક્રવાર અને શનિવાર ભારતની મેન્સ ક્રિકેટ માટે નિરાશાજનક રહ્યા, કારણકે આ બે દિવસમાં ભારતના પુરુષોની ક્રિકેટ ટીમોએ એક પછી એક પરાજય જોવો પડ્યો.
શુક્રવારે ઑકલૅન્ડમાં શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની ચોથી ટી-20 મૅચમાં નબળા બૅટિંગ પર્ફોર્મન્સને કારણે 87 રનથી હારી ગઈ એ પહેલાં હોંગ કોંગ સિક્સીસ (Hong Kong Sixes) નામની છ-છ ખેલાડી અને છ-છ ઓવરવાળી મૅચમાં ભારત (India)નો પાકિસ્તાન સામે પરાજય થયો હતો અને શનિવારે યુએઈ સામે પણ હારી જવાની કારણે ભારતીય ટીમ ટ્રોફી માટેની રેસની બહાર થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું, શનિવારે ઇંગ્લૅન્ડ સામે પણ ભારત હારી ગયું હતું.
ભુવનેશ્વર કુમાર ટીમ ઇન્ડિયામાં પાછો આવી ગયો હોવાથી કૃણાલ પંડ્યાને 12 દેશ વચ્ચેની હોંગ કોંગ ટૂર્નામેન્ટ માટેની ભારતીય ટીમનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જોકે તેની કેપ્ટન્સીમાં ભારતની ટીમે ઉપરાઉપરી ત્રણ મૅચમાં હાર જોવી પડી. ખુદ કૃણાલનો પર્ફોર્મન્સ સાધારણ રહ્યો, પરંતુ રાહુલ ત્રિપાઠી અને શશાંક સિંહને બાદ કરતા બીજા ખેલાડીઓએ એકંદરે નિરાશાજનક દેખાવ કર્યો હતો.
પહેલી હાર પાકિસ્તાન સામે
ભારતે શશાંક સિંહ (40 રન, 11 બૉલ, પાંચ છગ્ગા, બે ચોગ્ગા)ની સારી ફટકાબાજી છતાં ભારતની ટીમ છ ઓવરમાં પાંચ વિકેટે માત્ર 88 રન બનાવી શકી હતી. નીતીશ રાણાએ 19 અને રાહુલ ત્રિપાઠીએ માત્ર નવ રન કર્યા હતા. ખુદ કેપ્ટન કૃણાલ પંડ્યા તેમ જ રાહુલ તેવાટિયા પોતાના પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાનના અબ્દુલ સામદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. પાકિસ્તાને ફક્ત 3.5 ઓવરમાં બે વિકેટના ભોગે 91 રન બનાવીને મૅચ જીતી લીધી હતી. એમાં ખ્વાજા નેફેના 41 રન હાઈએસ્ટ હતા. કેપ્ટન અબ્બાસ આફ્રિદીએ 35 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો ચાર વિકેટે વિજય થયો હતો.

બીજી હાર યુએઈ સામે
સ્પર્ધાની દરેક મૅચમાં પ્રત્યેક ટીમના છ ખેલાડી બૅટિંગ કરી શકે છે અને છ ખેલાડી ફીલ્ડિંગ કરી શકે છે. શનિવારે ભારતે યુએઈ સામે નિર્ધારિત 6 ઓવરમાં છ વિકેટના ભોગે 94 રન બનાવ્યા હતા જેમાં ટી. નટરાજનનું 38 રનનું અને રાહુલ ત્રિપાઠીનું 24 રનનું યોગદાન હતું. નીતીશ રાણા (6 રન), શશાંક સિંહ (એક રન), રાહુલ તેવાટીયા (એક રન) અને કૃણાલ પંડ્યા (15 રન) સારું નહોતા રમી શક્યા. યુએઈના પેસ બોલર ઝાહિદ અલીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. યુએઈએ 95 રનનો લક્ષ્યાંક ફક્ત 4.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 97 રનના સ્કોર સાથે મેળવી લીધો હતો. એ ટાર્ગેટ કેપ્ટન ખાલિદ શાહ (બાવન અણનમ, 14 બૉલ, છ છગ્ગા, ત્રણ ચોગ્ગા) અને ભારતીય મૂળના બીજા ઓપનર અંશ ટંડન (39 અણનમ, 12 બૉલ, પાંચ છગ્ગા, બે ચોગ્ગા)એ મેળવી આપ્યો હતો. ભારતના ચારેય બોલર કૃણાલ પંડ્યા, ટી. નટરાજન, શશાંક સિંહ અને નીતીશ રાણાને વિકેટ નહોતી મળી. યુએઈનો છ વિકેટે વિજય થયો હતો.
ત્રીજી હાર ઇંગ્લૅન્ડ સામે
ઇંગ્લૅન્ડે ઓપનર માર્ટિન ઍન્ડરસન (51 રન રિટાયર્ડ આઉટ, 13 બૉલ, છ છગ્ગા, ત્રણ ચોગ્ગા) અને એડ બર્નાર્ડ (35 અણનમ, 14 બૉલ, ચાર છગ્ગા, એક ચોગ્ગો)ના યોગદાનોની મદદથી છ ઓવરમાં બે વિકેટે 124 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠી અને નીતીશ રાણાને એક એક વિકેટ મળી હતી. ભારતીય ટીમ રાહુલ ત્રિપાઠી (56 રન, 14 બૉલ, સાત છગ્ગા, બે ચોગ્ગા) અને કૃણાલ પંડ્યા (28 અણનમ, સાત બૉલ, ત્રણ છગ્ગા, બે ચોગ્ગા)ની આતશબાજી છતાં છ ઓવરમાં ચાર વિકેટના ભોગે 121 રન કરી શકી હતી અને જૉન સિમ્પસનના નેતૃત્ત્વમાં ઇંગ્લૅન્ડનો ત્રણ રનથી રોમાંચક વિજય થયો હતો. ઇંગ્લૅન્ડ વતી પેસ બોલર નેથન ગિલક્રિસ્ટે સૌથી વધુ બે વિકેટ મેળવી હતી.