Thu Nov 19 2026

Logo

લાવણી શીખવા દરમિયાન શ્રદ્ધાને થઈ હતી ઈજા, ‘ઈઠા’ના શૂટિંગમાં રોકવું પડ્યું કામ

2026-10-31 13:43:00
Author: Mumbai Samachar Team
લાવણી શીખવા દરમિયાન શ્રદ્ધાને થઈ હતી ઈજા, ‘ઈઠા’ના શૂટિંગમાં રોકવું પડ્યું કામ

મુંબઈ:  અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ ‘ઈઠા’ને લઈને ચર્ચામાં છે. મહારાષ્ટ્રની જાણીતી લોકકલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરની ભૂમિકામાં જોવા મળનારી શ્રદ્ધાએ ફિલ્મ માટે લાવણી નૃત્યની ખાસ તાલીમ લીધી છે. જોકે, આ તૈયારી દરમિયાન તેને મસલ્સમાં ઈજા થઈ હતી અને શૂટિંગ પણ થોડા સમય માટે રોકવું પડ્યું હતું. મુંબઈના દાદર સ્થિત પ્લાઝા સિનેમામાં ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન શ્રદ્ધાએ આ અનુભવ શેર કર્યો હતો. 

શ્રદ્ધાએ જણાવ્યું કે ‘ઈઠા’ માટે તેને એકદમ નવી દુનિયાને સમજવાની તક મળી હતી. આ દરમિયાન તે અનેક રસપ્રદ લોકોને મળી અને મહારાષ્ટ્રની લોકકલાને નજીકથી જાણી શકી હતી. જોકે, લાવણી ડાન્સ શીખવો તેના માટે સરળ નહોતો. શૂટિંગ દરમિયાન સેટ પર નૃત્ય કરતી વખતે તેને મસલ્સમાં ખેંચાણ અને ઈજા થઈ હતી. તેના કારણે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. ટીમે તેની ખૂબ કાળજી લીધી અને સહયોગ આપ્યો, જેના કારણે સ્વસ્થ થયા બાદ તેઓ ફરીથી શૂટિંગમાં પરત ફરી શક્યાં હતાં.

ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકરે પણ લાવણીને અસલ અંદાજમાં રજૂ કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે જણાવ્યું હતું. તેણે ફિલ્મની ટીમ માટે જાણીતી અને અનુભવી લાવણી નૃત્યાંગના શકુંતલા નાગરકરને આમંત્રિત કરી હતી. તેની સાથે સમગ્ર ટીમે એક સપ્તાહની વર્કશોપ કરી હતી. આ વર્કશોપમાં લાવણીની અદાઓ, નજાકત અને પરંપરાગત નૃત્યશૈલીને સમજવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. 

ઉટેકરે સ્પષ્ટ કર્યું હતું કે ‘ઈઠા’ વિઠાબાઈ નારાયણગાંવકરની જીવનકથા પર આધારિત સીધી બાયોપિક નથી. ફિલ્મની વાર્તા ‘તમાશા: વિઠાબાઈચ્યા આયુષ્યાચે’ નામના પુસ્તકમાં નોંધાયેલી કેટલીક ઘટનાઓથી પ્રેરિત છે. શ્રદ્ધાએ પણ જણાવ્યું કે આ ફિલ્મ માત્ર એક કલાકારની કહાની નથી, પરંતુ તમાશા અને લાવણી સાથે જોડાયેલા હજારો કલાકારોના જીવન, સંઘર્ષ અને તેમની કળાને ઓળખ અપાવવાની વાત છે.

મહારાષ્ટ્રના પંઢરપુરમાં વર્ષ 1935માં જન્મેલાં વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકર લોકકલા સાથે જોડાયેલા પરિવારમાંથી આવતાં હતાં. તેમણે નાની ઉંમરે જ મંચ પર પ્રસ્તુતિ આપવાનું શરૂ કર્યું હતું. આગળ જતાં તેઓ મહારાષ્ટ્રની તમાશા અને લાવણી પરંપરાનું મોટું નામ બન્યાં હતાં. તેમની કલાત્મક કારકિર્દી અનેક સિદ્ધિઓથી ભરેલી હતી, પરંતુ અંગત જીવનમાં પણ તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.