Sat Nov 07 2026

Logo

પંજાબ માટે ‘AAP’ની પહેલી ઉમેદવાર યાદી જાહેર, CM સાથે સાથે કોનું નામ જાહેર થયું? જુઓ આ અહેવાલ

2026-10-31 13:28:00
Author: Vimal Prajapati
પંજાબ માટે ‘AAP’ની પહેલી ઉમેદવાર યાદી જાહેર, CM સાથે સાથે કોનું નામ જાહેર થયું? જુઓ આ અહેવાલ

ચંડીગઢઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, કારણ કે પક્ષે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ધુરી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દ્વારા પહેલી યાદીમાં કુલ 40 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.

સીએમને ધુરી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવાયા

ઉમેદવાર યાદીની વાત કરવામાં આવે તો, મુખ્ય પ્રધાન ભગવંત માનને ધુરી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે આમ આદમી પાર્ટીએ 40માંથી 37 ઉમેદવારોને રિપિટ કર્યાં છે. એટલે કે 37 ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે. એક વિવાદ એ છે કે, મુખ્ય પ્રધાન ભગવંત માનની બેઠક આ વખતે બદલાશે અને તેમને ધુરીની જગ્યાએ બીજો કોઈ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ ફરી તેમને ધુરી બેઠક પરથી ટિકિટ મળતા તમામ ચર્ચાનો અંત આવી ગયો છે. 

ભગવંત માનના મંત્રીમંડળની ટીમ મેદાન ઉતરશે

‘આપ’એ ભગવંત માનના મંત્રીમંડળના કેટલાક સહયોગીઓને પણ વિવિધ મતવિસ્તારોમાંથી મેદાનમાં ઉતાર્યા છે. ગઢશંકરથી જય કૃષ્ણ સિંહ રૌરી, ફતેહગઢ સાહિબથી લખબીર સિંહ રાય, ભદૌરથી લાભ સિંહ ઉગોકે અને જૈતુથી અમોલક સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લુધિયાણા પશ્ચિમથી સંજીવ અરોરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે અશોક પરાશર ‘પપ્પી’ લુધિયાણા મધ્યથી ચૂંટણી લડશે. પટિયાલાથી અજીતપાલ સિંહ કોહલીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

જેલમાં બંધ પ્રધાન સંજીવ અરોરાને પણ આપી ટિકિટ

આપ (AAP)ની પ્રથમ યાદીમાં જેલમાં બંધ પ્રધાન સંજીવ અરોરાનું નામ પણ સામેલ છે. પક્ષે તેમને લુધિયાણા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ફરી એકવાર આ જ બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે, આ વખતે તેઓ જીતી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે! થોડા સમયથી પંજાબમાં ‘આપ’ સરકાર ડ્રગ્સ અને ક્રાઈમની ઘટનાઓને લઈને વિવાદમાં છે. પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે. રાજ્યમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હાલમાં રાજ્યમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે અને આગામી ચૂંટણીમાં ફરીથી સરકાર રચવાની તૈયારી કરી રહી છે.