ભુજ: વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપની એન્જી દ્વારા સરહદી કચ્છ જિલ્લાના ખાવડા ખાતે 200 મેગાવોટની ક્ષમતાનો સોલાર પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યો છે. ભારતમાં કંપની દ્વારા તાજેતરમાં કાર્યરત કરાયેલી કુલ 450 મેગાવોટ નવી સૌર ઊર્જા ક્ષમતાના ભાગરૂપે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હોવાની સત્તાવાર જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી છે.
કચ્છના મોટા રણમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી વિશાળ ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્કમાં આ પ્રોજેક્ટ એનરેન-2 એનર્જી પ્રાઈવેટ લિમિટેડ મારફતે વિકસાવવામાં આવ્યો છે. આ સોલાર પ્લાન્ટમાંથી વાર્ષિક આશરે ૩૫ કરોડ એટલે કે, 350 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. આ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદિત થનારી વીજળી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડને 25 વર્ષના વીજ ખરીદ કરાર હેઠળ પૂરી પાડવામાં આવશે.
એન્જી ઇન્ડિયાના સીઈઓ અને કન્ટ્રી મેનેજર અમિત જૈને જણાવ્યું હતું કે, આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ પુનઃપ્રાપ્ય ઊર્જા વિકાસની સાથે સ્થાનિક કક્ષાએ રોજગારી નિર્માણ પ્રત્યેની કંપનીની કટિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે કંપની આગામી સમયમાં સોલાર, બેટરી સ્ટોરેજ તેમજ હાઇબ્રિડ એનર્જી ક્ષેત્રે પોતાની ઉપસ્થિતિનો વધુ વિસ્તાર કરશે. નોંધનીય છે કે પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન લગભગ 80 ટકા જેટલા શ્રમિકો અને માનવબળની ભરતી સ્થાનિક સ્તરેથી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કંપની દ્વારા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા ખાભા ખાતે પણ 250 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. કચ્છના ખાવડા અને બાડમેરના બંને પ્લાન્ટ મળીને એન્જીની ઓપરેશનલ સૌર ક્ષમતામાં 450 મેગાવોટનો મોટો ઉમેરો થયો છે. આ નવા ઉમેરા સાથે ભારતમાં એન્જી પાસે હવે કાર્યરત તેમજ નિર્માણાધીન મળીને અંદાજે 2 ગીગાવોટ જેટલી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા થઈ ગઈ છે. કંપની બેટરી એનર્જી સ્ટોરેજ અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ ક્ષેત્રે પણ પગપેસારો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ કંપનીએ ગત વર્ષે જીયુવીએનએલ પાસેથી 280 મેગાવોટ/560 મેગાવોટ-અવર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો પ્રોજેક્ટ મેળવ્યો હતો તેમજ 200 મેગાવોટ સોલાર સાથે 100 મેગાવોટ/600 મેગાવોટ-અવર બેટરી સ્ટોરેજ ધરાવતો સંયુક્ત હાઇબ્રિડ પ્રોજેક્ટ પણ હાંસલ કર્યો છે.
(ઉત્સવ વૈદ્ય)