Thu Sep 10 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબીજનોને 22.75 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

2026-08-01 16:56:54
Author: Yogesh D. Patel
અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબીજનોને 22.75 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2017માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 28 વર્ષના યુવકના પરિવારજનોને 22.75 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તાજેતરમાં જારી કરાયેલા આદેશમાં ટ્રિબ્યુનલે વાહનના માલિક અને ખાનગી વીમા કંપનીને વળતર ચૂકવવાનું જણાવ્યું છે.

થાણેના કાપુરબાવડી સર્કલ નજીક 17 નવેમ્બર, 2017ના રોજ અકસ્માત થયો હતો, જેમાં ટેન્કરે યુવકની મોટરસાઇકલને ટક્કર મારી હતી. યુવક આસિસ્ટન્ટ ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો અને અકસ્માતમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે ટેન્કર પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક હંકારવામાં આવી રહ્યું હતું અને તેણે યુવકની મોટરસાઇકલને ટક્કર મારી હતી. 

મૃતક તરફથી કોઇ પણ પ્રકારની બેદરકારી દર્શાવતું રેકોર્ડ પર કંઇ નથી, એમ જણાવીને ટ્રિબ્યુનલે પોલિસી શરતોના ભંગ અને ચોક્કસ જોખમી માલની પરમિટના અભાવ અંગે વીમા કંપનીના દાવાને ફગાવી દીધો હતો.

ટ્રિબ્યુનલે વીમા કંપની અને વાહનના માલિકને મૃતકના પરિવારને એક મહિનાની અંદર વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે 22.75 લાખ રૂપિયા વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

(પીટીઆઇ)