Fri Oct 02 2026

Logo

સાવકી પુત્રી સાથે દુષ્કર્મના પ્રયાસના કેસમાં આરોપી નિર્દોષ

2026-09-16 19:47:22
Author: Yogesh C. Patel
સાવકી પુત્રી સાથે દુષ્કર્મના પ્રયાસના કેસમાં આરોપી નિર્દોષ

થાણે: થાણે જિલ્લામાં 2016માં બનેલી 19 વર્ષની સાવકી પુત્રી પર દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટનામાં સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો હતો. ઘરેલુ મતભેદમાંથી આરોપ કરાયો હતો અને ટ્રાયલ દરમિયાન સમાધાન થઈ ગયું હોવાનું અવલોકન કોર્ટે કર્યું હતું.

કલ્યાણ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી. પી. મુળેએ મંગળવારે આપેલા આદેશમાં આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 376, 511, 323, 504 અને 201 સહિત બધા આરોપમાંથી મુક્ત કર્યો હતો. ફરિયાદ પક્ષનો આરોપ હતો કે 18 જૂન, 2016ના પોતાની પસંદગીનું ભોજન નહીં બનાવવા બદલ આરોપીએ તેની સાવકી પુત્રી સાથે ઝઘડો કર્યો હતો અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. એ જ સમયે યુવતીની માતા ઘરે આવી પહોંચતાં તેને બચાવી લીધી હતી. બાદમાં આરોપીએ બન્નેની મારપીટ પણ કરી હતી.

જોકે ટ્રાયલ દરમિયાન યુવતી અને માતાએ ફેરવી તોળ્યું હતું અને ફરિયાદ પક્ષની વાતને ટેકો આપ્યો નહોતો. જોકે કોર્ટમાં જુબાની વખતે યુવતીએ કબૂલ્યું હતું કે આરંભિક અહેવાલમાં તેની સહી હતી, પરંતુ તેમાંના મુદ્દાઓ વિશે પોતે એકદમ અજાણ હતી અને સાવકા પિતા સામે એકેય વાંધાજનક શબ્દ ઉચ્ચાર્યો નહોતો. ફરિયાદ પક્ષ દ્વારા કરાયેલી ઊલટતપાસમાં તેણે આવી કોઈ ઘટના બની હોવાની વાતથી ઇનકાર કર્યો હતો.

ઉપરાંત, મૅજિસ્ટ્રેટ સમક્ષ માતા-પુત્રીએ નોંધાવેલા નિવેદનમાં પીડિતાએ ફ્રેન્ડ સાથે ફિલ્મ જોઈને ઘરે મોડેથી આવતાં ઝઘડો થયો હોવાનું કહ્યું હતું. બચાવ પક્ષે એવી નોંધ કરી હતી કે તબીબી તપાસમાં પીડિતા પર ઇજાનાં કોઈ નિશાન દેખાયાં નહોતાં અને ઘરની સર્ચ તેમ જ ઘટનાસ્થળના પંચનામામાં પણ કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી.

કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે ઉચિત પુરાવાને અભાવે આરોપી સામે લગાવવામાં આવેલા આરોપો શંકાની પાર સિદ્ધ થાય એવું કહી શકાય નહીં. (પીટીઆઈ)